એક કાગળનાં ટુકડા માટે શું કરી શકું…? અને શું ના કરી શકું…? એ સવાલ મારા મનમાં ઘડીના છઠ્ઠા ભાગમાં આવી ગયો.

હકીકત એવી છે કે મારા પિતાજીની મારી પાસે ખુબ ઓછી યાદગીરીઓ છે. હું ૧૬ વર્ષનો હતો ત્યારે તેઓ હૃદયના હુમલાને  કારણે દેવલોક પામ્યાં હતાં. હવે ૧૬ વર્ષની ઉંમરે મારી પાસે એમની યાદગીરી હોય હોયને કેટલી હોય તમે જ વિચારો…! જીવનનાં શરૂઆતના કેટલાંક વર્ષો તો આજુબાજુ શું ચાલી રહ્યું છે એજ સમજવામાં નીકળી જતાં હોય છે. થોડી સમજ કેળવીએ ત્યાર પેહલા તો શાળામાં જતાં થઈ જઈએ એટલે વળી પાછા માતા પિતાથી દૂર રેહવાનુ. વાત પડતી મૂકું છું… ક્ષમા કરશો… કારણ કે, વાત જેટલી વાગોળીશ એટલી મારે આપદા વેઠવી પડશે. હા, વિચાર પડતો નહી મૂકું… આજે પપ્પાની વાત નીકળી છે તો, આજે જીવનમાં ક્યાં પોહચયો છું અને આજે જીવનમાં કુદરતી “હા” અને “ના” ની થોડી વાતો કરી જીવ હળવો કરી લઉં.

આજે આ કાર્ડ જોઈને પપ્પાની ઘણી બધી વાત યાદ આવી ગઈ… મુંબઈના ગ્રાન્ટ રોડ ખાતે આવેલ પાર્વતી મેનસનથી પપ્પાએ એમનું જીવન શરૂ કરેલું અને જીવનનાં ઘણાં બધા ઉતાર ચઢાવો જોઈને – જાણીને – પચાવીને ઘાટકોપરમાં આ મકાન ખરીદ્યું હતું. મારો જન્મ આજ મકાનમાં થયો હતો… અને હોસ્પિટલથી મમ્મી મને જ્યારે પેહલી વખત ઘરે તેડી આવી હતી ત્યારે એટલે લગભગ ૭ – ૮ દિવસની કુમળી ઉંમરે મારા જીવનની પ્રથમ “ના” સાથે હું ટકરાયો હતો… મારી મોટી બેહને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. મારી મોટી બહેનની અને મારી વચ્ચે ઉંમરનો તફાવત ૧ વર્ષ ૪ મહિના અને ૬ દિવસનો છે. વિચારો ૧ વર્ષ અને ૪ મહિના નાની બાળકી આટલી સૂઝબૂઝ સાથે પોતાનાં નાના ભાઇના આગમનનો આખા પરિવાર સામે વિરોધ નોંધાવ્યો. અમારું આખું પરિવાર કઈ કેટલી વાર સુધી ઘરની બહાર દાદર પર બેસી રહ્યું હતું… મારી મમ્મી મને એનાં ખોળામાં રાખીને બેસી રહી હતી. મારી દાદી, દાદા, ફોઈ અને મારા પપ્પા મારી બહેનને યેનકેન પ્રકારે સમજાવવામાં લાગી ગયાં હતાં. કોણ જાણે કેવી રીતે એ નટખટ છોકરી માની હશે…!

મારી મોટી બહેનને કોણે શું કહ્યું એનાં કરતાં એ ક્ષણની મજા આજે માણવાની મજા અનેરી છે. હું આજે મારા જીવનની એ પ્રથમ “ના” નો આભારી છું કે મને “ના” શબ્દનું અને એક અક્ષરનાં શબ્દની તાકાતનો પરિચય એટલી નાની વયે સમજાવી દીધો. આજે ૪૨-૪૩ વર્ષની વયે એકવાત જરૂર સમજાય છે કે જીવનમાં જેટલું “હા” મહત્વનું છે કદાચ એટલું જ “ના” પણ મહત્વનું છે. “ના” માટે અણગમો જીવનમાં હતો એ નિખાલસ કબુલાત કરવાની આ તક ઝડપી લઉં છું. નિખાલસતાપુર્વક આજે અત્યાર સુધી જીવનમાં મળેલી તમામ “ના” નો ઋણ સ્વીકાર કરું છું અને સાથે સાથે એ તમામ અણગમાને પરત લઈ લઉં છું.

તમને થતું હશે કે પપ્પાના કાર્ડને અને “હા – ના” ને શું સંબંધ છે…? સંબંધ ઘણો છે, મારી દૃષ્ટિએ આ કાર્ડ નથી પણ એમનાં દ્વારા અમારામાં કરવામાં આવેલ સંસ્કારોના સીચનોનું “ગૌમુખ” છે. મારા પપ્પાએ એમનાં જીવનમાં કેટલી “ના” સાંભળી છે એતો ઈશ્વર જ જાણે, પણ આ કાર્ડમાં જે બે પેઢીઓના નામ લખેલાં છે એ બન્ને પેઢીઓ મારા પપ્પાએ જાતે – પોતે વિના કોઈ મદદે શરૂ કરી હતી અને એ બન્ને પેઢીઓ એમનાં અવસાન સાથે બંધ પણ થઈ ગઈ. પપ્પાએ એમનાં જીવનમાં કેવી રીતે “ના” ને “હા” માં બદલી હતી એનો એક કિસ્સો આપ સહુની સમક્ષ મુકી આજની મારી વાત અને રોજનીશી પુરી કરીશ… એવી આશા અને સંદેશ સાથે કે જીવનમાં “હા” અને “ના” બન્ને એક સરખાં મહત્વના છે. “હા” અને “ના” એક બીજનાં વિરોધી નથી પણ એક બીજનાં પુરક છે.

મારા પપ્પાની ઘણી ઈચ્છા હતી કે તેઓ સરકારી કંપનીમાં પ્રથમ કક્ષાના “સપ્લાયર” બને. એટલે એમણે રેલ્વે સાથે કામ કરવાનું નક્કી કરીને મારી દાદીના હુલામણા નામ “ઊર્મિલા” પરથી “ઊર્મિલ ટ્રેડિંગ” શરૂ કરી હતી. કામ કરવાની ઉતાવળમાં અને પોતાનું ધારેલું પૂરું કરવામાં તેઓ “ઊર્મિલ ટ્રેડિંગ” નું બેંકમાં ખાતું ખોલાવવાનુ ભુલી ગયા. રેલ્વેનો પ્રથમ કોન્ટ્રાક્ટ હતો અને મુંબઈમાં નવા નવા અને જુવાન જોધ વેપારીને કોઈએ ઉધારી આપી ન હતી એટલે પોતાની પાસે જેટલાં પૈસા હતા એટલા બધાં પૈસા રેલ્વેનાં કોન્ટ્રાક્ટનાં માલસામાનની ખરીદીમાં રોકી દીધા હતાં. એ સિવાય મારી દાદીએ પણ પપ્પાને મદદ કરી હશે. મારું એવું માનવું છે કે પપ્પાએ એમની બધી શક્તિ એ પ્રથમ કોન્ટ્રાક્ટ પુરો કરવામાં વાપરી દીધી હતી. એ જમાનામાં ગ્રાન્ટ રોડ સ્ટેશનની સામે આવેલી બી. મેરવાનની ઈરાની હોટલ મારા પપ્પાની “જ્ઞાન ચી પોઈ” હતી. તેઓ ત્યાં બેસતાં અને આવતી જતી ટ્રેનો સાથે સમય વિતાવતા. કદાચ ખિસ્સામાં પૈસા ન હોય તો પણ એ ઈરાની હોટલવાળા પોતાનાં કાયમી ગ્રાહકોને ચા અને મસ્કાબન હેતથી પીરસતાં હતાં. આજે પણ હું જયારે જયારે મુંબઈ જાવ છું ત્યારે ત્યારે ગ્રાન્ટ રોડ સ્ટેશનની બહાર આવેલી બી. મેરવાનની ઈરાની હોટલમાં ચા અને મસ્કાબન ખાઈ આવું છું. એવું સમજુ છું કે મારા પપ્પાનો વારસો હું જાળવી રહ્યો છું.

ટેન્ડરની શરત મુજબ પપ્પાએ એમનો રેલ્વેનો પેહલો કોન્ટ્રાક્ટ પુરો કર્યો અને એમના હાથમાં ચેક આવ્યો. ચેક આવ્યો તો ખરો પણ સાથે સાથે ખુશીને બદલે પપ્પા માટે મુંઝવણ પણ તેડતો આવ્યો હતો. મુંઝવણ એટલીજ કે “ઊર્મિલ ટ્રેડિંગ” નામનો આ સરકારી ચેક વટાવવો ક્યાં…? એમનું પોતાનું સેવિંગ્સ ખાતું એ જમાનાની મુંબઈની પ્રખ્યાત “દેનકરણ નાનજી” બેંકમાં (હાલની દેનાબેંક કે જે બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ) હતું. મારા પપ્પાના શબ્દોમાં કહું તો “ના” સાંભળવાની પુરેપુરી તૈયારી સાથે તેઓ બેંકમાં ગયા. ખિસ્સામાં એકપણ રૂપિયો ન હોવા છતાં તેઓ બેંકમાં ગયા અને કોઈ રસ્તો કાઢી લેવાની ઢાઢસ પોતે જ પોતાની જાતને આપી. બેંક મેનેજરને ચેકની અને નવું ખાતું ખોલાવવાની વાત પુરતાં આત્મવિશ્વાસ સાથે કરી અને સાથે સાથે પોતાના ખિસ્સામાં ખાતું ખોલાવવા માટે ૧ રૂપિયો પણ નથી પણ “ભારત સરકાર” નો ચેક છે એવી રજૂઆત પણ કરી. બેંક મેનેજરે પપ્પાને શું કહ્યું અને મેનેજરને પપ્પાએ વળતું શું કહ્યું એ વાત હવે ગૌણ થઈ જાય છે પણ, એ દિવસે મારા પપ્પાએ એ સરકારી ચેક બેંકમાં ભરી દીધો અને “ઊર્મિલ ટ્રેડિંગ” નું નવું ખાતું પણ “ઝીરો” બેલેન્સથી ખોલાવી દીધું. એ દિવસે એમણે ફરી એક વખત એમની સામે આવેલી મસમોટી “ના” ને “હા” માં પરિણામી. એમનાં જીવનની “ના” એ અને અમને કરેલી “ના” ની વાત, મને મારા જીવનમાં આજે પણ ઘણી કામ લાગે છે.

જીવનમાં આવતી અને જતી “ના” થી લગીરે ગભરાવવુ‌ નહી અને એ “ના” ને “હા” સુધી કેવી રીતે લઈ જવી એ આખી વાત આજે આ કાર્ડ પર લખેલાં “ઊર્મિલ ટ્રેડિંગ” નાં નામ પરથી યાદ આવી ગઈ અને હું મારી રોજનીશી લખવાં બેસી ગયો. આજે એ વાત મને બરાબર સમજાય છે કે પપ્પાએ અમને કોઈ દિવસ “ના” પ્રત્યે અણગમો વ્યક્ત ન કરવો એવું સમજાવ્યું નથી પણ જીવનમાં “ના” નો સહજ સ્વીકાર કરી “ના” થી “હા” ની સફર કેવી રીતે કરવી એજ સીધું શીખવાડી દીધું છે.

મારે આજે આભાર વ્યક્ત કરવાનો છે… મેઘના શાહનો કારણ કે આજે આ કાર્ડ મને નથી મળ્યું પણ મારી બહેન, મારી નાની બહેન મેઘનાને એની મમ્મી અને મારી માસીના ખજાનામાંથી મળી આવ્યું છે. માસી આજે અમારી વચ્ચે નથી પણ એમણે આવી નાની નાની પણ અણમોલ વસ્તુઓ અમારી માટે સાચવી રાખી છે. જે અમને અમારા વડીલોની શીખ અને યાદ તાજી કરાવી જાય છે. માસી તમારો ખુબ ખુબ આભાર… ધન દોલત પાછળ ભાગતી આ દુનિયામાં તમે આજે મને એવી અણમોલ ભેટ આપી છે જેની કિંમત રૂપિયા – પૈસામાં કરવી અશક્ય છે.

અમીષ જે. દાદાવાલા

Share – Like – Comment

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !