(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)

હાલમાં ધોરણ બાર અને દસની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે. ઘેરથી ઓફિસ આવતાં રસ્તે અનેક શાળાઓ પાસેથી પસાર થાઉં છું, તો દરેક શાળાની બહાર ચારસો-પાંચસો વાલીઓનાં ટોળાં બહાર બેસી રહ્યાં હોય છે. પરીક્ષાને દિવસે છોકરા-છોકરીને શાળા સુધી મૂકી જવાં એ સમજાય એવી વાત છે. પણ પરીક્ષા ચાલુ થઈ ગયા પછી ત્રણે ત્રણ કલાક શાળાની બહાર બેસી રહેવાની વાત સમજાય એવી નથી.

અમારા સમયે તો મા-બાપ જાણતાં પણ ન હતાં કે ક્યા વિષયની આજે પરીક્ષા છે અને કઈ સ્કૂલમાં નંબર આવ્યો છે. તે સમયે બે પ્રશ્નપત્રો રહેતાં એક દિવસમાં. તો મા-બાપ બે-ત્રણ રૂપિયા નાસ્તાના આપી દેતાં.

પણ હવે તો હદ થઈ રહી છે. વાલીઓ અને તેમાં પણ મમ્મીઓ બોર્ડની પરીક્ષા વખતે જે ગાંડાં કાઢે છે તે સમજાય એવાં નથી. તમને સ્કૂલના પરીક્ષાખંડમાં તો કોઈ જવા દેવાનું નથી. નથી તમારો લાડકો બહાર આવીને તમારી પાસે પેન-પેન્સિલ માગવાનો. માનો કે એની પેન બગડી ગઈ તો પરીક્ષક એને પેનની સગવડ કરી જ આપવાના છે. પણ નહીં. મમ્મીઓ બહાર ટોળે વળીને બેસી જ રહે છે, કે મારા લાલાને કે બાબલીને અંદર કશું થાય, તો હું દોડી જઉં.

આ મમ્મીઓને કહેવું છે કે લાલાઓને અને બબલીઓને થોડાં ટફ થવા દો. એમને તમારાંથી થોડાં અળગાં થવા દો. તેમની ચિંતા તેમની પર છોડી દો. કશો પણ પ્રશ્ન ઊભો થાય તો તેમને પોતાના નિર્ણય જાતે લેવા દો. નાની-મોટી કટોકટીનો સામનો એમને કરવા દો. એમની જિંદગીમાં અનેક કટોકટી અને પ્રાણપ્રશ્નો ઊભાં થવાનાં છે. ત્યારે કદાચ તમે નહીં હોવ એમની સાથે, અને હશો તો પણ તમે એમની કોઈ મદદ કરી શકો તેવી સ્થિતિમાં પણ નહીં હોવ.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

યાદ રાખો કે, મોટા વડના છાંયડામાં ઊગેલા નવા છોડ મોટા થતા નથી. તમે વડ થઈને તમારાં બાળકોનું રક્ષણ કરવાની કોશિશ ના કરો. એમના પર તડકો, તોફાન, વરસાદ પડવા દો. એમણે પણ વડ થવાનું છે.

ઓવર-પ્રોટેક્ટિવ મમ્મીઓ માયકાંગલાં અને નબળાં લાલાઓ અને બબલીઓને ઉછેરતી હોય છે. આવી મમ્મીઓને ખરી સલાહ એ છે કે, શાળામાં કે પોળમાં તમારાં બાળકને તેમના દોસ્તારો માર મારે તો તમે પોળમાં કે શાળામાં ધસી ના જાવ. તમારા એ લાલાને કહો કે, કાલે એને મારનાર મિત્ર કે વિરોધીઓ જોડે એ ફરીથી લડીને આવે. તમારી બેબલીની ચોપડી કોઈ બહેનપણી લઈ ગઈ છે તો બેબલીને કહો કે એ હક્ક કરીને લઈ આવે, જોઈએ તો લડીને લઈ આવે.

આવા ઓવર-પ્રોટેકશનમાં મોટાં થયેલાં બાળકો જિંદગીની લડાઈમાં બહુ જ મિઝરેબલી ફેઇલ થઈ જતાં હોય છે.

બોર્ડની પરીક્ષામાં બાળકને દહીં-ગોળ ખવડાવી રવાના કરો. કહો કે સાંજે પેપર સારું ગયું છે તેવા સમાચાર લઈને આવજે.

પણ તમે એમ નહીં કરી શકો. કારણ કે હવે તો પપ્પાઓમાં પણ એક ફેશન શરૂ થઈ છે. છોકરો-છોકરી બોર્ડની પરીક્ષામાં બેસવાનાં છે, તો અઠવાડિયાની રજા લઈ લો. એટલે પપ્પા અને મમ્મી બંને શાળાની બહાર બેસી રહેવા બેતાબ છે.

હું તો દેશની છોકરીઓને કહું છું કે, તમને જોવા છોકરો આવે અને બંનેનાં ઘરવાળાં કહે કે, જાવ જોડેની રૂમમાં જઈને વાત કરી લો, તો તમે પૂછી-પૂછીને કેટલું અને શું પૂછશો? હું તો બધી છોકરીઓને કહીશ, કે જો તમારે તમારા માટે પતિ પસંદ કરવાનો છે તો તેને માત્ર એક સવાલ પૂછજો, કે તું બોર્ડની પરીક્ષા આપવા ગયો ત્યારે તારા પપ્પા-મમ્મા તારી સ્કૂલની બહાર બેસી રહેતાં હતાં? જો છોકરો કહે કે હા, મારી મમ્મી બેસી રહેતી હતી, તો આવા માવડિયા છોકરાને હરગિઝ પતિ તરીકે પસંદ ના કરતાં. કારણ કે જે મા, પોતાનો છોકરો બોર્ડની પરીક્ષા આપી રહ્યો હોય ત્યારે સ્કૂલની બહાર બેસી રહી હોય, તે મા તમારી સુહાગરાતે તમારા બેડરૂમની બહાર કાન માંડીને બેસી રહેશે, કે હાય-હાય બા, મારો લાલો પારકી છોકરી જોડે બેડરૂમમાં એકલો જ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud