હું બે ચાર દિવસનો હતો ત્યારે મારા દાદાએ મારા હાથમાં ૫૦ રૂપિયાની નોટ શુકન તરીકે મુકેલી અને બાળક સહજ મેં તે નોટને કચકચાવીને પકડી રાખેલી. એવું મારી મમ્મીએ મને કીધેલું અને ત્યારબાદ મેં મારા ખુદના જીવનકાળમાં ઘણા નાના બાળકોને શુકનના આપેલા પૈસા પકડી રાખતા જોયા છે. એટલે જ કદાચ આપણા વડીલો આપણને કહેતા આવ્યા છે કે પૈસાની કિંમત સમજો.

હું એલ.એલ.બી પૂરું કરી લઇશ એટલે લગભગ ૨+૧૨+૩+૩ એમ કુલ ૨૦ વર્ષોનો ટુકડે – ટુકડે ભણવાનો અનુભવ મારી પાસે છે. પણ આ સંપૂર્ણ સમય દરમિયાન હું જેટલા પણ વિષયો ભણ્યો, તેમાં એકપણ વિષય એવો નહોતો, કે જેમાં મને પૈસાની કિંમત સમજાવવામાં આવી હોય. આ એક કામ એવું છે કે જે આપણે જાતે જ શીખવું પડે છે. જો વાત કંઈક શીખવવાની જ હોય તો એ મારું કામ નથી. હું તો ફક્ત મારા અનુભવ અને વિચારો પ્રગટ કરી રહ્યો છું જે કદાચ આપને કામ લાગી શકે એવો મારો સરળ ઉદેશ્ય છે.

મારી પોતાની વાત કરુ તો હું પોતે વ્યવસાયે શ્રોફ. શ્રોફ એટલે એવી વ્યક્તિ જે પોતાનો પૈસો બીજી વ્યક્તિને ઉપયોગમાં આવે એવી રીતે અગાઉથી અમુક નક્કી કરેલા વળતર સાથે નક્કી કરેલા સમય માટે ઉછીના આપે. હું એવું જરૂર કહી શકીશ કે આ વ્યવસાયે મને ઘણું બધું શીખવાડ્યું છે. પૈસા વિષે એટલું મેં જરૂર શીખ્યું છે કે પૈસા જીવનભરના સંબંધ બનાવી અને બગાડી શકે છે. સંબંધોમાં બને ત્યાં સુધી આર્થિક વ્યવહારો ટાળવા જોઈએ એવો મારો સ્પષ્ટ મત છે. આ વાક્ય એકદમ ભારપૂર્વક કહું છે કે સગાઓમાં અને મિત્રોમાં પૈસાની લેતી – દેતી ખુબ સંભાળીને કરવી અથવા બને તો ન કરવી.

(Watch Gujarat ના વિડીયો તાત્કાલિક જોવા માટે નીચેની ઇમેજને ક્લિક કરો, YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો.)

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

બહુ અંગત વાતો કરવી નથી અને કંઈપણ શીખવાડવું નથી એટલે થોડી હળવી અને ઉપયોગી વાતો કરીએ. હમણાં ઉત્તરાયણ નિમિતે ઘણા નવાં નવાં સંદેશાઓ આવ્યા એમનો એક સંદેશો મારા એક મિત્ર કે જેઓ કંઈક નવું અને અનોખું સંદેશા સ્વરૂપે મોક્લવા માટે જાણીતા છે એવા Amul Jikar મને મોકલાવ્યો અને એ સંદેશો વાંચીને મને મારી પૈસા વિશેની માન્યતાઓ લખી નાખવાનો વિચાર ઝબુક્યો.

તો, લો તમે પણ એ સંદેશો વાંચો. અને તેમાં રહેલી સત્યતાનો અનુભવ કરો.

“આજે એક બાળક પતંગ ખરીદીને ખુશ હતો, બીજો એજ પતંગ વેચીને અને ત્રીજો એજ પતંગ પકડીને”. ખુશી પૈસા પર નહીં, પરંતુ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે.

આ પૈસો છે શું? પૈસો એટલે એવી વસ્તુ જે ઘણી બધી વસ્તુઓ ખરીદી શકે છે. આજના સમયમાં આ વ્યાખ્યા તૂટી ગઈ છે અને બદલાઈ પણ ગઈ છે. પૈસો લગભગ બધુજ ખરીદી શકે તેટલો મજબૂત થઇ ગયો છે. મારા અંગત અભ્યાસ મુજબ પહેલાના સમયમાં વસ્તુના બદલામાં વસ્તુનો વ્યવહાર ચાલતો હતો અને કોઈક બુદ્ધિજીવીએ આવી સાટા પદ્ધતિને બદલે વિનિમય પદ્ધતિ શોધી અને દાખલ કરી. આ શોધ અન્ય શોધોની જેમ જન – જનના ભલા માટે હતી અને અત્યાર સુધી જેટલી પણ શોધો થઇ છે તેમાં સૌથી જૂની અને સૌથી ઉપયોગી શોધ કહી શકાય એવી આ અનોખી શોધ છે.

થોડીક નવાઈ પમાડે તેવી બીજી એક બાબત પણ મારી જાણમાં આવી છે કે આટઆટલા વખતમાં આ શોધમાં કોઈપણ નવીનતા નથી આવી. જે સ્વરૂપે શોધાઈ હતી તેજ સ્વરૂપે આજે પણ જેમ ની તેમ આપણી વચ્ચે પોતાનું અસ્તિત્વ અને કદ વધારતી જાય છે. સિવાય કે આકાર અને રૂપરંગ. જેમ અન્ય શોધમાં નવીનતા આવતી રહે છે તેમ પૈસાની બાબતમાં કોઈ નવીનતાની જરૂર મનુષ્યજાતિને આજદિન સુધી જણાઈ નથી. સાથે-સાથે જેટલો દુરપયોગ થઇ શકે તેટલો આ શોધનો દુરપયોગ પણ થયો છે અને થતો રહેવાનો છે.

આજે વ્યક્તિનું નહિ, તેના જ્ઞાનનું નહિ પણ ફક્ત તેની સંપત્તિ અને ધનના વૈભવના આધારે તેનું મૂલ્યાંકન થઇ રહ્યું છે. બધેજ પૈસો પેહલો. અરે જે વસ્તુ ફક્ત લેતી – દેતીની સરળતા માટે બનાવવામાં આવી હતી તેણે આજે સંપૂર્ણ વિશ્વને બાનમાં લઇ લીધી છે. લોકો એકબીજામાં વિશ્વાસ મુકતા નથી અને પૈસામાં મૂકે છે. સ્ત્રીઓ પોતાના ઘરના પુરુષોમાં ઓછો અને પૈસામાં વધુ વિશ્વાસ મૂકે છે. અહીં સ્ત્રીઓ એક વાત ભૂલે છે કે તેઓ પણ સ્ત્રીધન છે. ધન શબ્દ તેઓની સાથે પણ જોડાયેલો છે.

ફાયદા અને ગેરફાયદાઓનું વર્ગીકરણ કરવા બેસીયે તો કોઈ સીમા નથી એવો આ વિષય છે. પૈસાના જેટલા ફાયદા છે તેટલાજ તેના ગેરફાયદા પણ છે. પણ આ વસ્તુમાંથી આપણે આપણો ફાયદો કરી લેવાનો એવી વૃત્તિ પણ સમય જતા ઉદ્દભવશે તેવો વિચાર વિનિમય પદ્ધતિ શોધનારે પણ ક્યારેય નહિ કર્યો હોય. મારા મતે કોઈપણ શોધની આવી આડઅસર અત્યાર સુધીની દરેક શોધમાં સૌથી મોટી આડઅસર હશે.

પૈસાની શોધ પાછળનો મુખ્ય હેતુજ આજે બદલાઈ ગયો છે. લેતી દેતીની સરળતા માટે કરવામાં આવેલી શોધ આજે સત્તાનું સ્થાન લઈને બેઠી છે. અને કદાચ આ બીમારી મને પણ લાગી ગઈ છે અને બીજા બધાની જેમ મારે પણ આનો ઈલાજ નથી શોધવો કે નથી કરાવવો.

અસ્તુ…

અમીષ જે. દાદાવાલા

Share – Like – Comment

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud