૧૦-૧૫ જાતનાં નાસ્તાનાં ડબ્બા… કોની પાસે મળે…?

ઓછામાં ઓછા ૬ થી ૭ જાતનાં અથાણાં… કોની પાસે મળે…?

ગમે ત્યારે માંગો અને તમને ભાવતું ભાણું… કોની પાસે મળે…?

ઉભા રહો ઉભા રહો… મારા પ્રશ્નો જેટલાં સીઘા સરળ લાગે છે એટલાં છે નહી… તમને થશે કે આમાં શું આ બઘુ તો કોઈપણ ગુજરાતી થાળી ખવડાવતી હોટલમાં જઈએ એટલે મળી જાય… મારા સવાલો હજી બાકી છે;

કોણ કેટલું ખાશે એ એને પહેલીથી ખબર હોય… બોલો એ કોણ…?

કોને કેટલું પિરસવું એ પણ એને પહેલીથી ખબર હોય… બોલો એ કોણ…?

અરે એનો તો એ પણ ખબર છે કે ન ભાવતું શાક કેવી રીતે ખવડાવવું… બોલો એ કોણ…?

મળશે આ બઘી સહુલિયત તમને કોઈ થાળી પિરસતી હોટલમાં…? માની લો કે રોજ જતાં હોવ ત મળી પણ જશે. હા… આ વાત સાચી છે કે આજે પણ આપણાં ગુજરાતમાં આવી ગુજરાતી થાળી ખવડાવતી હોટલો છે. આ હોટલોને જુના જમાનમાં ‘ડાઈનિંગ હોલ’, ‘વીસી’ ‘કલબ’ ‘લોજીંગ’ વગેરે નામથી ઓળખવામાં આવતાં હતાં. નામ આપું…? વડોદરા દાંડીયાબજાર ની ‘મહારાષ્ટ્ર લોજીંગ’ અને ‘મહારાષ્ટ્ર રેસ્ટોરન્ટ’, વલ્લભ વિધ્યાનગરની ‘ગુજરાત કલબ’ યાદી લાંબી છે, મારી આદત મુજબ આડી અવળી વાત પર જતો રહ્યો. કરૂ પણ શું મારી પાસે વિચારોનો ઢગલો છે અને વિષય વસ્તુને પકડી રાખવાની જવાબદારી પણ એટલે એ જવાબદારીનાં ભાગ રૂપે કાયમ આમ આધો પાછો થઈને પાછો વળી જતો હોઉં છું.

ચાલો મારા પ્રશ્નો તરફ પાછો વળી જાઉં… તો મળ્યું આવું કોઇ તમને…? ચાલો “આવું” એવા શબ્દનાં પ્રયોગ દ્વારા તમને થોડી મદદ કરી દીધી. ચાલો હજી આગળ ધપું અને બીજા બેચાર પ્રશ્નનો પુછી નાંખું કદાચ તમારૂં કામ સરળ થઈ જાય.

એવું કોણ છે જેણે તમને તમારી મમ્મી કરતાં વઘારે વહાલ કરેલ છે…?

એવું કોણ છે જેણે તમને તમારી મમ્મી કરતાં વઘારે હાલરડાં ગાઇને સુવાડયાં છે…

એવું કોણ છે જેણે તમને તમારી મમ્મી કરતાં વઘારે બરફનાં ગોળા થી લઈને પિપરમિન્ટ ખાવા માટે છુપા પૈસા આપ્યાં છે…?

એવું કોણ છે જેણે તમને તમારી મમ્મી કરતાં વઘારે વખત તમને નજર ન લાગે એટેલે કપાળે મેસનો ટીકો કરી આપેલ છે…?

એવું કોણ છે જેણે તમારી મમ્મી થાકી ગઈ હોય તો તમને સુવાડવા માટે ઘોડીયું ઝુલાવ્યું છે…? અને એ કદી થાકી ન હોય…?

આવે છે કોઈ યાદ…? હજી આગળ વઘુ…

એવું કોણ હતું કે જેણે કોઈ દીવસ ઘરનો હિસાબ આપવાની જરૂર નોહતી પડી…?

એવું કોણ હતું કે જેણે કોઈ દીવસ વઘતા ઘટતા માટે ફરિયાદ કરી નથી એને કોઈ દીવસ ઘરમાં કશું ખુટવા દીઘું નથી…?

એવું કોણ હતું કે જે ઘરની બહાર જાય ઓછું પણ આખું ગામ એને અને એ આખા ગામને ઓળખે…?

એવું કોણ હતું કે જેને કોઇ દીવસ કોઈ વ્યવહારમાં ચુક કરી નથી…?

આવે છે કોઈ યાદ…? કે હજી આગળ વઘુ… રહેવાં દઉંછું મારાથી જ હવે કીઘા વગર રહેવાશે નહી. આ વ્યકિતનું હુલામણું નામ કહો કે સાચું નામ કહો એકજ નામે આપણે હરહંમેશ એમને બોલાવ્યાં છે. આ વ્યકિતને આપણે “બા” કહીએ છીએ.

“બા”…

ખરેખર પુછો તમે તમારી જાતને કે તમને આ શબ્દ “બા” યાદ છે પણ ખરો…?

થોડાક શાંતિથી બેસીને પુછો તમારી જાતને ઉપરનાં બઘાં પ્રશ્નો ફરી એકવાર કે આજે તમારા જીવનમાં આવું કોઈ પાત્ર છે ખરૂં…?

અમિષ આજે એવો સંકલ્પ કરીને એની લખવા બેઠો છે કે એકપણ નકારાત્ત્મક વાત નહી કરે. બાકી “બા” પર આજે હકારાત્ત્મક વાતો કરવા બેસવી પડે એજ આપણાં જ્ઞાની સમાજ માટે શરમજનક વાત છે. બીજૂ તો હું શું કહું…?

કોઇ માને કે ન માને, હું નસીબનો બળ્યો તો ખરો જ. મારા જીવનમાં મને આજ સુઘી કોઈ દિવસ “બા” ની ગેરહાજરી અનુભવવાની જરૂર નથી પડી. વિશ્વાસ આવતો ન હોય તો અમિષની આજની વાતનાં છેડે મુકેલી યાદી વાંચી લેજો. લે આ વખતે તમને એમ થયું હશે કે કાયમ અમિષ આડવાત કરતો હોય છે પણ આજે અમારો વારો આવ્યો તો અમિષ આખેઆખી આડવાત ગબચાવી ગયો…! ક્ષમા કરશો “બા” ની વાત કરવામા હું જરાક મારા સ્વભાવને પણ ભુલી ગયો. તો તમને એવું થશે કે “બા” અને “મમ્મી” માં ફરક શું…? કદાચ તમને એવો પણ વિચાર આવ્યો હશે કે “બા” એટલે “દાદી”… ખરૂને…? પણ જો હું મારા અનુભવની વાત કરૂં તો “બા”, “દાદી” અને મમ્મી એ ત્રણે શબ્દોમાં જેટલો ફરક છે એટલોજ ફરક તેનાં ચરિત્રમાં અને તેમની જીવન શૈલીમાં છે. બસ તમારી આ આડવાત જ, આજની મારી વાત લખવા પાછળનું કારણ અને પ્રેરણાં છે એમ તમે કહી શકશો. હું તમને આજે ફકત અને ફકત “મારી બા” ની જ વાત કરવાં માંગુ છું. મમ્મી અને દાદી કોઈપણ રીતે “બા” કરતાં ઉણાં છે… એવું કહેવાનો મારે કોઈ આશ્રય નથી. પણ આજે મારે ફકત અને ફકત “બા” ની જ વાત કરવી છે.

“બા” શબ્દ જેટલી કંપારી મારી અંદર પેદા કરી શકે છે એટલી કંપારી કદાચ ‘રામ’ કે ‘કૃષ્ણ’ પેદા નથી કરી શકતાં. આવું બની શકવાનાં મારી પાસે અનેક કારણો અને અનુભવો છે. કારણ કે મેં “બા” ને જોયાં અને અનુભવ્યાં છે. “બા” ને હું મળ્યો છું. “બા” ને હું લપેટાઈને ભેટયો છું. “બા” નાં ખોળામાં માથું મુકીને બેફીકર થઈને સુતો છું. “બા” ની સાથે કાલી ઘેલી ભાષામાં મેં ઘણી ઘણી વાતો કરી છે અને એ મારી “બા” જ હતી જેણે મને મારા દરેક કાલા ઘેલા સવાલોનાં જવાબો આપ્યાં છે. એ મારી “બા” જ હતી જેણે મને બાઝીને એટલો એટલો વહાલ કર્યો છે જેટલો કદાચ મને મારા મમ્મી પપ્પાએ નથી કર્યો. એ “બા” જ હતી જેણે મને મોટો કરવાં મારા પપ્પાને મોટા કર્યા હતાં. એ મારી “બા” જ હતી જેણે મારી મમ્મીને કદીયે એવું નથી લાગવા દીઘું કે એ આ ઘરની નથી. એ મારી “બા” જ હતી જેણે અમારા ઘરનો થાંભલો બની અમને સહુને એક તાંતણે બાંઘી રાખ્યાંહતાં. એ મારી “બા” જ હતી જેણે મારા દાદાને દરેક તબક્કે સથવારો આપ્યો હતો. એ “બા” જ હતી. તમારી “બા” પણ આવીજ હશે. અને કમાલની વાત પણ એવી છે કે આપણાં બઘાની “બા” એક સરખી જ હોય છે. એટલે જ તો મેં આગળ કહ્યું કે “બા” ની બાબતમાં હું ખરેખર નસીબનો બળ્યો છું. આજે પણ મારી પાસે “બા” છે. અને મારી પાસે “બા” છે એ વાતનો મને આજે હરખ છે, અભિમાન છે અને હું ખરા હ્રદયથી શ્રીહરીનો ઋણી છું.

આજે જયારે મારા મિત્ર ભાવિકભાઈનાં “બા” ને મળ્યો ત્યારે પત્થરની જેમ એમની બાજુમાં બેસી ગયો. બે ત્રણ વાર ઉભો થયો અને પાછો બેસી ગયો. “બા” નું નામ મારી આજની આ વાત લખવા બેઠો છું ત્યારે પણ ખબર નથી અને ખરેખર કહું તો મારે કોઈ કામ પણ નથી જાણીને, મારે માટે “બા” જ પુરતું છે. “બા” જોડે અલક મલકની ઘણી વાતો કરી. તહેવારનો દિવસ એટલે કેટલું બેસાય એવું વિચારી “બા” ને પગે લાગી મારી તરસ છીપાવવા મારા બીજા “બા”,  ચિંતન દેસાઈનાં મમ્મીને મળવાં તેમનાં ઘરે વગર નિમંત્રણે પોહચી ગયો. ફોન પર મારી બહેનને મેં ઉપમા ખાવાની ના પાડી હતી પણ “બા” છેક પોળનાં ચોકમાં આવીને ટકોર કરી ગયાં કે, “દાદાવાલા ઉપમા ખાઈને જ જવાનું છે…” અને હું એકપણ શબ્દ બોલી ન શક્યો. અને “બા” કોને કીઘાં ઉપમા સાથે મિઠાઈનાં ચાર-પાંચ ચકતા પણ આવી ગયાં. મારી આંખો એ દિવાળીની શરમ ભરી બાકી ન થવાનું થઈ ગયું હોત. મારી “બા” કહેતી મોટા દિવસોમાં આંસુ સારવા નહી, અશુભ કહેવાય. બહુ લાગણીશીલ થઈ ગયો હોવ એમ મને લાગે છે. થોડો થંભી જાવ છું જેમ મારા આસું આજે બે ત્રણ વાર થંંભી ગયાં હતાં.

“મા” શબ્દ આપણાં ગુજરાતીમાં જેટલો સરળતાથી સ્વીકારી લેવામાં આવ્યો છે એટલી જ સરળતાથી આપણે “બા” શબ્દને ભુલી ગયાં છે. પુછી જુઓ તમે તમારી જાતને… મારી વાત સાચી છે કે નહી…? આપણે “મા” માટે કહેવત વિકસાવી પડી કે, “ મા તે મા બીજા બઘા વન વગડાનાં વા”; પણ “બા” શબ્દ તો પહેલેથીજ પોતાની આગવી ઓળખ “બાપા” સાથે લેતી આવી છે, “બાપા” એટલે “બા” નો “પા” ભાગ એટલે “બાપા”. હવે એવું ન કહેતા કે “પા” એટલે શું…? તમને ખબર છે એમ માની લંઉ છું, તેમ છતાં કોઈ સમજ ફેર ન થઈ જાય એટલે “પા” એટલે શું તે લખી જ નાખું; “પા” એટલે ચોથો ભાગ (૨૫%). કેટલી અદભુત શબ્દોની ગોઠવણ અને વ્યકિતનાં ચારિત્રની કશું કહ્યાં વગર સચોટ ઓળખ આપવાની પઘ્ઘતિ. વાહ…!

“બા” પર લખવાનું હોય તો વાત નાની થઈ પડે, લખવાં કરતા મને મારા આજનાં અનુભવો સાથે જીવવાની વઘારે ઈચ્છા છે કોણ જાણે “બા” ને મળવાનું ફરી કયારે થશે…?

મારા “બા”…

બસ હવે “બા” વિશે મારાથી વઘુ કશું લખાય તેમ નથી. મારી આંગળીઓ નરમ પડી ગઈ છે લાગે છે આંખનું કામ આંગળીઓનાં ટેરવા કરી રહયાં છે.

અમીષ જે. દાદાવાલા

Share – Like – Comment

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud