રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ ‘શાહિદ’ માટે જેમને નેશનલ અવૉર્ડ મળ્યો, એવા જાણીતાં ગુજરાતી ડિરેક્ટર હંસલ મહેતા હવે વેબસીરિઝની દુનિયામાં પણ પ્રવેશી ચૂક્યા છે. સિમરન, ઓમેર્ટા સહિતની પંદરેક જેટલી ફિલ્મો એમના ખાતામાં બોલે છે. ખાસ વાત એ છે કે, તેઓ આજ વખતે જે વેબસીરિઝ લઈને આવ્યા છે, તે જોઈને ડિઝની પ્લસ હોટસ્ટારના બાટલા ચડી જવાના છે, સાહેબ!

હાલ, ભારતના ટોચના ઑટીટી પ્લેટફોર્મમાંના એક એવા ‘સોની લિવ’ પર રીલિઝ થયેલી દસ એપિસોડની ભારે-ભરખમ વેબસીરિઝ ‘સ્કેમ ૧૯૯૨ : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ ભારતના સૌથી મોટા કૌભાંડી અને સટ્ટોડિયા માણસ હર્ષદ મહેતાની જીવનયાત્રા છે. ઑલમોસ્ટ ૪૫-૫૦ મિનિટના દસ-દસ એપિસોડ બેક-ટુ-બેક જોયા બાદ વહેલી સવારે, ડેડલાઇનના બરાબર બે કલાક પહેલાં જ્યારે હું આ રિવ્યુ લખી રહ્યો છું ત્યારે આનંદ એ વાતનો છે કે આટલા કલાકો એક ખર્ચવા યોગ્ય સીરિઝ પાછળ વ્યતિત થયા છે.

હર્ષદ શાંતિલાલ મહેતા. મહત્વાકાંક્ષી. સ્વપ્નદ્રષ્ટા. મૂડી રોકાણકાર. માસ્ટ-માઇન્ડ સ્ટોકબ્રોકર. ફેમિલીમેન. ક્રિમિનલ! કેટકેટલા છોગાં આ માણસના નામ સાથે જોડી શકાય. ૨૦૦૧ની સાલમાં અવસાન પામેલી આ વ્યક્તિ ભારતના અર્થતંત્રને હલબલાવી નાંખનારુ એક એવું નામ છે, જે આજે પણ લોકોને ધ્રુજાવી શકે છે. મારો તો એ સમયે જન્મ પણ નહીં. જેઓ ઉંમરની ત્રીસીમાં નથી પ્રવેશ્યા, એમના માટે હર્ષદ મહેતા કદાચ એક અજાણ્યું નામ ગણી શકાય, પરંતુ આપણા વડીલો અને વયોવૃદ્ધ સગા-સંબંધી માટે ‘હર્ષદ મહેતા’ એક ભયાનક સપનું છે. કરોડો ભારતીયોને શેરબજાર અને સટ્ટાનું ઘેલું લગાડનારા આ માણસે ઘણાંયને રસ્તા પર ભીખ માંગતા કરી દીધાં હોવાના કિસ્સા હવે અજાણ્યા નથી. ૧૯૯૨ની સાલમાં થયેલાં ૫૦૦૦ કરોડના એ ફાયનાન્સિયલ ક્રાઇમની વેલ્યુ આજના સમયમાં કાઢવા જાઓ તો કદાચ અબજો-ખર્વોમાં મળે.

‘સ્કેમ ૧૯૯૨’ સીરિઝ હર્ષદ મહેતા (પ્રતિક ગાંધી)ના યુવાન વયના દિવસોથી શરૂ થઈને બેંકરપ્ટ થવા સુધીના સમયની વાત કરતી ફિલ્મ છે. અલગ-અલગ નાના-મોટા નોકરી-ધંધા કર્યા બાદ શેરમાર્કેટમાં જોબર તરીકે તેણે પગ મૂક્યો, ત્યારથી શરૂ કરીને તેના માંધાતા બનવા સુધીના ઉતાર-ચઢાવોની અહીં વાત કરવામાં આવી છે. કઈ રીતે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની બિઝનેસ એડિટર સુચેતા દલાલ (શ્રેયા ધન્વંતરી) સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસ.બી.આઈ.) સાથે તેણે કરેલાં ૫૦૦ કરોડ રૂપિયાના ફ્રોડ પરથી પડદો ઉઠાવે છે, એ અંગેની આ વાત છે. તેના લેખને લીધે રીઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા એક કમિટી બેસાડીને હર્ષદ મહેતાના અન્ય ઘોટાળા વિશે તપાસ કરવા બેસે છે, ત્યારે એમની સામે કુલ પાંચ હજાર કરોડનો મસમોટો આંકડો સામે આવે છે.

મૂળ વાર્તા અડોપ્ટ કરવામાં આવી છે, સુચેતા દલાલ અને દેબાશિષ બાસુ લિખિત પુસ્તક ‘ધ સ્કેમ’માંથી! બે યાર, લવની ભવાઈ, લવયાત્રી, મિત્રોં વગેરે સહિતની ઘણી ગુજરાતી-હિન્દી ફિલ્મો અને પુષ્કળ નાટકોમાં અભિનય કરી ચૂકેલા ગુજરાતી આર્ટિસ્ટ પ્રતિક ગાંધીની પણ આ પહેલી વેબસીરિઝ છે, જેમની ફિલ્મ ‘રોંગ સાઇડ રાજુ’ ભૂતકાળમાં નેશનલ અવૉર્ડ જીતી ચૂકી છે. મૂડી રોકાણકારો અને બેન્કોને બાટલીમાં ઉતારી એમની પાસેથી ફંડ મેળવવાની હર્ષદ મહેતાની વૃત્તિને પ્રતિક ગાંધીએ બખૂબી પોતાના અભિનયમાં ઢાળી છે. શ્રેયા ધન્વંતરી, પરેશ ગણાત્રા, સતિષ કૌશિક, નિખિલ દ્વિવેદી, શરિબ હાશ્મી, રજત કપૂર, અનંત મહાદેવન, લલિત પરિમૂ સહિતના તમામ કલાકારોએ પોતપોતાના પાત્રોમાં જાન રેડી છે. ભારતના સફળત્તમ નાટકોમાં જેનો સમાવેશ થાય છે, તેવા ‘યુગપુરૂષ’ નાટકમાં શ્રીમદ રાજચંદ્ર દેવનો મુખ્ય કિરદાર નિભાવી ચૂકેલા અભિનેતા પાર્થસારથી વૈદ્યનો કેમિયો પણ આનંદદાયક!

૧૯૮૦-’૯૦ના મુંબઈ અને ‘બૉમ્બે સ્ટોક એક્સચેન્જ’નો માહોલ રી-ક્રિએટ કરવામાં મેકર્સ સફળ નીવડ્યા છે. શેરબજારના અઘરા લાગતાં સમીકરણો પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એ પ્રકારની સમજાવટ સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લેની સફળતા સૂચવવાનું કામ કરે છે. ટાઇટલ થીમમાં અપાયેલાં મ્યુઝિક માટે આખી ટીમને અભિનંદન આપવા ઘટે! ઘણાં દિવસોથી એ મ્યુઝિક પ્રેક્ષકને રહસ્યમય અનુભૂતિની સાથોસાથ સીરિઝ જોવા માટે પોતાની તરફ ખેંચી રહ્યું છે, એ હકીકત સ્વીકારવી રહી.

પ્રત્યેક એપિસોડમાં લેખકોનું સંશોધન, ડિરેક્ટરનું ઉમદા વિઝન અને એડિટરનું કૌશલ્ય સાફ દેખાઈ આવે છે. બોલિવૂડની શ્રેષ્ઠત્તમ કાસ્ટિંગ એજન્સીઓમાં જે પ્રથમ ક્રમે બિરાજે છે એવી ‘મુકેશ છાબરા એન્ડ કંપની’ને પણ ખાસ યાદ કરવી પડે, કારણકે એમણે પસંદ કરેલા કલાકારો સ્ક્રીન પર છવાઈ ગયા છે, વાર્તાને પૂર્ણતઃ ન્યાય આપી શક્યા છે.

ડિઝની પ્લસ હોટસ્ટાર પર પણ આવનારા દિવસોમાં અભિષેક બચ્ચન અભિનિત ‘બિગ બુલ’ ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે. (હર્ષદ મહેતાને શેરબજારના અમિતાભ બચ્ચનની ઉપમા આપવામાં આવી હોવાથી અભિષેક બચ્ચનને એ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો છે, એવું કોણ બોલ્યું હેં!?) પરંતુ આ વેબસીરિઝ જોઈને મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે, બે કલાકની એ ફિલ્મ હર્ષદ મહેતાના જીવનને ન્યાય આપી શકશે ખરા? કે પછી સૈફ અલી ખાન અભિનીત ‘બાઝાર’ ફિલ્મની માફક ફક્ત એક મસાલા-ડ્રામા બનીને રહી જશે? ખેર, એ તો સમય જ જણાવશે.

ક્લાયમેક્સ : હું દ્રઢપણે એવું માનું છું કે સતિષ કૌશિકના પાત્રને અપાયેલી ગાળો-અપશબ્દો, વાસ્તવમાં સ્ક્રિપ્ટની જરૂરિયાત નહોતી. આવા પ્રકારની સીરિઝને યંગસ્ટર્સમાં પ્રચલિત બનાવવા માટે અપશબ્દોનું શસ્ત્ર ઉગામવા પર લેખકોએ રોક લગાવવાની જરૂર છે.

વોચ સ્ટાર : સાડા ત્રણ

કેમ જોવી? : ભારતના અર્થતંત્રને મૂળિયામાંથી હચમચાવી દેનાર માણસના ઉત્થાન અને અધોગતિથી વાકેફ થવા માટે!

કેમ ન જોવી? : શેરબજારના સૌથી મોટા કૌભાંડ વિશે જાણવામાં રસ ન હોય તો!

This Week On OTT

(૧) નેટફ્લિક્સ : ગિન્ની વેડ્સ સન્ની, ધ હૉન્ટિંગ ઑફ બિલી મેનર

(૨) ઝી ફાઇવ : અભય-૨

(૩) સોની લિવ : સ્કેમ ૧૯૯૨

Next Week on OTT

(૧) એમેઝોન પ્રાઇમ : હલાલ લવ સ્ટોરી

(૨) ઝી ફાઇવ : પોઇઝન-૨

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !