૨૦૧૦ની સાલમાં પ્રકાશિત થયેલી અંગ્રેજી નવલકથા ‘સીરિયસ મેન’ થકી લેખક મનુ જોસેફ ખાસ્સી પ્રસિદ્ધિ પામ્યા. લેખનકાર્ય માટે કૉલેજ ડ્રોપ-આઉટ કરીને ‘ઑપન’ મેગેઝિન સાથે તેઓ જોડાયા. ત્યારબાદ તો નવલકથા માટે પણ એમને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પર નામના મળી. જાણીતાં અંગ્રેજી અખબાર ‘ધ ઇન્ટરનેશનલ ન્યુયોર્ક ટાઇમ્સ’ સાથે તેઓ કટારલેખક તરીકે જોડાયા. એમના વ્યંગાત્મક લખાણ, સમાજને અરીસો દેખાડી શકવાની તેજાબી લેખનશૈલીથી વાચકો ખૂબ પ્રભાવિત થયા. ડિરેક્ટર સુધીર મિશ્રાએ એમની ડેબ્યુ નૉવેલ ‘સીરિયસ મેન’ વાંચીને તેનું ફિલ્મ-રૂપાંતરણ કરવાનો નિર્ણય કર્યો.

મુંબઈની વાર્તા. એક બેડરૂમ-કિચનની ચાલમાં રહેતો અય્યન મણિ (નવાઝુદ્દીન સિદ્દીકી) ભારતની પ્રખ્યાત સ્પેસ એજન્સીના હેડનો પર્સનલ આસિસ્ટન્ટ છે. જીવનમાં કશુંક કરી બતાવીને પૈસાદાર બની જવાના તેના સપના છે (અને, લાલચ પણ!). તેની આ લાલચનો ભોગ તેનો દીકરો આદિ મણિ (અક્ષત દાસ) બને છે. જાતિવાદ, ધાર્મિક અસમાનતા, ગરીબી, લાલચ, ભેદભાવ સહિતની સામાજિક બદીઓનું સચોટ વર્ણન ફિલ્મમાં કરવામાં આવ્યું છે. અલબત્ત, શ્વેતા બાસુ પ્રસાદનું બિલ્ડરની દીકરી તરીકેનું પાત્ર અધકચરું લખાયું હોય એવો અનુભવ થયો.

નોંધવા જેવી વાત એ છે કે, ફિલ્મનો એડિશનલ સ્ક્રીનપ્લે ગુજરાતી લેખક નિરેન ભટ્ટે લખ્યો છે, જેઓ ભૂતકાળમાં નેશનલ અવૉર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ રોંગ સાઇડ રાજુ, રાજકુમાર રાવ સ્ટારર બોલિવૂડ ફિલ્મ મેડ ઇન ચાઇના, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ અને વૂટ સિલેક્ટ પર થોડાં મહિના પહેલાં રીલિઝ થયેલી ‘અસુર’ વેબસીરિઝ લખી ચૂક્યા છે. રાઇટિંગ ફ્લૉ પ્રવાહીની માફક સડસડાટ વહે છે. થ્રિલર ન હોવા છતાં આખી ફિલ્મમાં ‘આગળ શું થશે’ની આતુરતા અને ભાવ અકબંધ રહે છે.

ફિલ્મમાં અય્યન મણિનું પાત્ર ભજવતાં નવાઝુદ્દીનની એક શીરાની જેમ ગળે ઉતરી જાય તેવું લૉજિક અહીં ટાંકવાની ઇચ્છા છે. તે કહે છે, ‘કોઈ પણ ખાનદાનને સફળ થવામાં ચાર પેઢી વીતી જાય છે. પહેલી પેઢી ભણતી નથી, મજૂરી કરે છે. બીજી પેઢી ભણવામાં ઠીકઠાક ધ્યાન આપીને ઢંગની નોકરી મેળવે છે. ત્રીજી પેઢી ભણવામાં ગજબનાક ધ્યાન આપીને બિઝનેસ ચાલુ કરે છે અથવા પોતાની જાતમહેનત પર અલાયદી આઇડેન્ટિટી ઉભી કરે છે અને ચોથી પેઢી પોતાના બાપના પૈસે લીલાલહેર કરે છે. ચોથી પેઢીએ સંઘર્ષ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, કારણકે તેની આગલી પેઢીઓ ભરપૂર સંઘર્ષ જોઈ ચૂકી હોય છે!’

અમુક દ્રશ્યો બિનજરૂરી રીતે વેડફાયા હોય એવું લાગી શકે. કેટલાક પાત્રો ફક્ત મોં દેખાડીને ચાલ્યા જાય છે. એમના પ્લૉટનો કોઈ અર્થ સરતો નથી. આમ છતાં ઊંચ-નીચના ભેદભાવ બાબતે ફિલ્મ સમાજને આયનો બતાવવાનું કામ કરે છે. મજાની વાત એ છે કે, અન્ય બોલિવૂડ ફિલ્મોની માફક અહીં વાર્તાને પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે સ્પૂન-ફીડિંગ નથી કરાવવામાં આવ્યું. પ્રેક્ષક પોતાનું મગજ દોડાવે તો અને તો જ વાર્તા સાથે કનેક્ટ થઈ શકે એવી અદ્ભુત ગોઠવણ જોવા મળે છે. ચાઇલ્ડ આર્ટિસ્ટ અક્ષત દાસના ખભા પર ફિલ્મની ૫૦ ટકા જવાબદારી સોંપાઈ છે, જેને એ બાળકે બખૂબી નિભાવી છે. આના માટે મુકેશ છાબરાની કાસ્ટિંગ એજન્સીને દાદ આપવી ઘટે. ઑવરઓલ, ઇટ્સ અ ગૂડ ફિલ્મ. વીકેન્ડમાં હળવાફુલ છતાં ગંભીર વિષયવસ્તુ ધરાવતી ફિલ્મ જોવાની ઇચ્છા ધરાવતાં હો તો પસંદગી ઉતારી શકાય.

ક્લાયમેક્સ : હર્ષદ મહેતાની બાયોપિક વેબસીરિઝ ’સ્કેમ ૧૯૯૨’નું ટ્રેલર જોયું કે નહીં? રીલિઝ ડેટ પણ આવી ગઈ છે. ૯ ઑક્ટોબર, ૨૦૨૦.

વોચ સ્ટાર : ૨.૫

કેમ જોવી? : ફિલ્મના કૉન્સેપ્ટ, સામાજિક વ્યંગબાણ અને નવાઝુદ્દીન માટે!

કેમ ન જોવી? : એમેઝોન પ્રાઇમ પરની ‘શકુંતલા દેવી’ અને ઝી-ફાઇવ પરની ફિલ્મ ‘પરીક્ષા’નું મિશ્રણ લાગી શકે માટે!

This Week on OTT

(૧) નેટફ્લિક્સ : સીરિયસ મેન, એમિલી ઇન પેરિસ

(૨) એમેઝોન પ્રાઇમ વીડિયો : નિઃશબ્દમ, વૉકિંગ ડેડ

(૩) સોની લિવ : ધ કોમન્સ

(૪) ઝી-ફાઇવ : એક્સપાયરી ડેટ, અભય-૨

Next Week on OTT

(૧) નેટફ્લિક્સ : ગિન્ની વેડ્સ સન્ની, ધ હૉન્ટિંગ ઑફ બિલી મેનર

(૨) એમેઝોન પ્રાઇમ : ધ લાઇ, બ્લેક બૉક્સ

(૩) સોની લિવ : સ્કેમ ૧૯૯૨

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !