સાયલન્ટ શોર્ટ-ફિલ્મ ‘લેટ ધેમ પ્લે’ અને વ્રજેશ હીરજી અભિનિત ગુજરાતી ફીચર ફિલ્મ ‘આપણે તો ધીરૂભાઈ’ના દિગ્દર્શક હારિત પુરોહિત સાથે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ગુફ્તગૂ..!

ફિલ્મ ડિરેક્ટર અને રાજકોટની ‘સેવન્થ સેન્સ કૉન્સેપ્ટ્સ’ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એવા હારિતઋષિ પુરોહિત દુબઈ ખાતે એક ગ્લોબલ એડવર્ટાઇઝમેન્ટ બનાવવા જઈ રહ્યા છે, જેમાં ડિરેક્ટર સિવાય અન્ય તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ વિદેશી હશે! કોઈ ગુજરાતી દિગ્દર્શક દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર તૈયાર થવા જઈ રહેલી ડિજિટલ ફિલ્મની કદાચ આ સર્વપ્રથમ ઘટના છે.

અમદાવાદ, વડોદરા, સુરત કે મુંબઈમાં ફિલ્મ પ્રોડક્શન હાઉસ હોવું એ કોઇ મોટી વાત નથી, કારણકે પ્રિ-પ્રોડક્શનથી માંડીને પોસ્ટ-પ્રોડક્શન સુધીનાં તમામ કામકાજ માટે આ શહેરોમાં ઘણી બધી તક છે. પરંતુ રાજકોટ હજુ ફિલ્મ-નિર્માણ ક્ષેત્રે વિકાસ સાધી રહ્યું છે. સ્ક્લિડ ટેક્નિશિયન અને આર્ટિસ્ટનાં અભાવે રાજકોટમાં નિર્માણ પામતી મોટાભાગની ગુજરાતી ફિલ્મોનું શુટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન અમદાવાદ અથવા મુંબઈ જઈને કરવું પડે છે. પરંતુ રાજકોટ પાસે એવા પ્રકારનું ટેલેન્ટ છે, જેની કદર થવી જરૂરી છે.

છેલ્લા બે દાયકાથી એડ્વર્ટાઇઝિંગ તેમજ ફિલ્મ-મેકિંગ ક્ષેત્રે કાર્યરત લેખક-દિગ્દર્શક હારિતઋષિ પુરોહિતે ૨૦૧૩ની સાલમાં ગુજરાતી અભિનેતા વ્રજેશ હીરજી સાથે ‘આપણે તો ધીરૂભાઈ’ નામની ફિલ્મ બનાવી હતી. કોપી-રાઇટર તરીકે કરિયરની શરૂઆત કરનાર હારિતઋષિએ ભૂતકાળમાં ‘માણેકચંદ’ માટે કામ કર્યુ. ઘણી એડ-ફિલ્મો બનાવી. ઘરડાઓ કહી ગયા, કામ કામને શીખવે! એડ ફિલ્મો બનાવતાં બનાવતાં ધીરે-ધીરે એમને ફિલ્મ-નિર્માણની એબીસીડી પર પણ ફાવટ આવવા લાગી. કોઇ પ્રકારની ટ્રેનિંગ મેળવ્યા વગર ફક્ત આત્મસૂઝ અને અવલોકનનાં આધારે સફળ થયેલા આ દિગ્દર્શકનું રાજકોટમાં ‘સેવન્થ સેન્સ ફિલ્મ્સ’ નામે પોતાનું પ્રોડક્શન હાઉસ છે, જેનાં બેનર હેઠળ આજ સુધીમાં ઘણી એડ-ફિલ્મો અને ફિચર ફિલ્મો બની ચૂકી છે.

અચ્છા, ઘણા બધા ગુજરાતી પરિવારોનાં મનમાં એક ભ્રમણા ઘર કરી ગઈ છે કે ફિલ્મ ક્ષેત્રે કાર્યરત મોટાભાગનાં લોકો કોલેજ પણ પૂરી નથી કરતાં હોતાં! એ બાબતે હારિત પુરોહિતનો કિસ્સો સાવ અલગ છે. જન્મભૂમિ અને કર્મભૂમિ જેની રાજકોટ રહી છે એવા આ લેખક-દિગ્દર્શકે કેમિસ્ટ્રી વિષય સાથે ‘બેચલર ઇન સાયન્સ’ કર્યુ છે. નાનપણમાં એમનાં પિતા સાથે કરેલી રખડપટ્ટીએ હારિતઋષિને ઘણું શીખવ્યું. નવા લોકોને મળવાનું, વાતો કરવાની, એમનાં વિશે જાણવાનું થતું એટલે વાર્તાઓ તો જાણે આપોઆપ જ મગજમાં ગોઠવાતી જતી હતી. એ વખતે હારિતઋષિને કદાચ ખ્યાલ નહોતો કે ભવિષ્યમાં આ બધા કિસ્સાઓ કેટલા બધા કામ લાગવાનાં છે! પહેલેથી જ અલગ-અલગ પ્રકારનાં વાંચનનો શોખ પણ ખરો! ૧૯૯૪-૯૫માં સિદ્ધિ સિમેન્ટની સ્પર્ધાનું અનાઉન્સમેન્ટ થયું, જેમાં કંપની માટે સ્લોગન બનાવવાનું હતું. એ વખતે કોપી-રાઇટર એટલે શું એવી તો કશી ખબર નહીં, આમ છતાં કશુંક ને કશુંક લખતાં રહેવાનાં શોખને લીધે હારિતઋષિ સાહેબે કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને ત્રીજો ક્રમાંકે વિજેતા બન્યા! ત્યારથી કોપી-રાઇટર, એડ-ફિલ્મ્સનાં જગતમાં એમનાં મંડાણ થયા.

નવું કામ મળતું થયું એમ ચુનૌતીઓ પણ વધતી ગઈ. આ ક્ષેત્ર એવું છે, જેમાં સતત અપડેટ રહેવું પડે છે. હારિતઋષિએ ૩૦ સેકન્ડની એડ-ફિલ્મ માટે ૬૦ દિવસ સુધી મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત જઈને એ વિશે વિગતવાર માહિતી મેળવી હોય એવું પણ બન્યું છે. મૂળ ઇરાદો એ કે, જે કરો તે શ્રેષ્ઠ કરો!

૨૦૧૩ની સાલમાં એક વખત હારિત પોતાના મિત્ર મયુરસિંહ જાડેજા સાથે બેસીને ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા અંગે ચર્ચા કરી રહ્યા હતાં. એ સમયે ‘આપણે તો ધીરૂભાઈ’ ફિલ્મનો કોન્સેપ્ટ એમનાં ધ્યાનમાં આવ્યો. તુરંત જ સ્ક્રિપ્ટ પર કામ શરૂ થયું અને વ્રજેશ હીરજીને લીડ રોલમાં કાસ્ટ કરી આઠ મહિનાની અંદર હારિતની પહેલી ગુજરાતી ફિલ્મ રીલિઝ થઈ, ૨૦૧૪નાં ઓગસ્ટ મહિનામાં!

એ પછી તો ‘લગાન’ ફેમ આદિત્ય લખિયા સાથે ‘લેટ ધેમ પ્લે’ નામની એક સાયલન્ટ શોર્ટ ફિલ્મ પણ એમણે બનાવી, જેને આંતરરાષ્ટ્રિય સ્તર પર પ્રસિદ્ધિ મળી છે. હાલ, તેઓ એડવેન્ચર-કોમેડી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે, જેને દેશ-વિદેશનાં ફિલ્મ-ફેસ્ટિવલમાં વખાણવામાં આવી છે. રાજકોટમાં સાહિત્ય, ડ્રામા, એક્ટિંગ-વર્કશોપની ખૂબ ઓછી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે, એના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે એવું હારિતનું માનવું છે. રાજકોટનાં ફાયનાન્સર્સ અને પ્રોડ્યુસરે બહારની કૃતિઓ પર પૈસા રોકવાને બદલે આપણા શહેરનાં કોઇક સારા વાર્તાકારની સ્ક્રિપ્ટને વધુ પ્રોત્સાહન આપવું જોઇએ, જેથી રાજકોટ પણ ફિલ્મ-હબ બની શકે, અહીંના કલાકારોને કામ મેળવવા માટે છેક મુંબઈ સુધી લાંબુ ન થવું પડે! ફિલ્મને માત્ર ધંધો નહીં, પરંતુ પેશન તરીકે ધ્યાનમાં લેવી જરૂરી છે.

ફિલ્મ દિગ્દર્શક હરિતઋષિ પુરોહિતને એક ઇન્ટરનેશનલ કંપની દ્વારા સાઈન કરવામાં આવ્યા છે. દેશ-વિદેશના કલાકારો અને ક્રૂ સાથે આ પ્રોજેક્ટ ગ્લોબલ પ્લેટફોર્મ પર જાહેરાત માટે દુબઈ ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં પણ હરિતઋષિની ફિલ્મને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્ક્રીન પર દેખાડવામાં આવી છે. તેમને ઇટાલી અને લોસ એન્જલ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં  બેસ્ટ ફોરેન સ્ક્રીનપ્લેના એવોર્ડ મળી ચુક્યા છે. સમગ્ર ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે આ ગૌરવપ્રદ ઘટના ગણી શકાય.

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !