• કેબીનેટ મંત્રીઓની ઓફીસમાં સરપ્રાઇઝ વિઝિટ લેવા પહોંચ્યા મુખ્યમંત્રી
  • મોટા ભાગનાં મંત્રીઓ પોતાની કેબીનમાં હાજર હતા
  • મંત્રીઓની કેબિનની બહાર ઉભેલા સામાન્ય લોકોને પણ પ્રશ્નો કર્યા

WatchGujarat. રાજ્યમાં નવી સરકાર, નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ વચ્ચે નવા નિયમો પણ જોવા મળી રહ્યા છે. હાલમાં જ નવી બનેલી સરકાર લોકસંપર્ક પર વધુ મહત્વ આપી રહી છે.સામાન્ય લોકોના પ્રશ્નો સાંભળી અને સામાન્ય લોકોની વચ્ચે વારંવાર મંત્રીઓ જોવા મળે છે. ત્યારે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આવું જ કંઇક કર્યુ. અચાનક જ મંત્રીઓની ઓફીસની મુલાકાત લીધી અને સામાન્ય લોકોને પ્રશ્નો પણ પૂછ્યા. રાજ્યનાં ઇતિહાસમાં ભાગ્યે જ આવું જોવા મળ્યું હશે કે મુખ્યમંત્રી સરકારી મંત્રીઓની મુલાકાત લેવા પહોંચ્યા હોય.

મીડિયા રિપોર્ટ અનુસાર કેબીનેટ મંત્રીઓની અચાનક મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંત્રીઓ પાસેથી વિવિધ કામો અને વિવિધ પ્રશ્નોના ઉકેલને લગતી ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીની આ પ્રકારની સરપ્રાઈઝ વિઝિટની ચર્ચા માત્ર સચિવાલયમાં જ નહીં, અધિકારી વર્ગમાં પણ થઈ રહી છે. એકાએક મુખ્યમંત્રી આવી પહોંચતા સ્વર્ણિમ સંકુલમાં સન્નાયો છવાઈ ગયો હતો. તેમની આ મુલાકાત દરમિયાન મોટાભાગના કેબિનેટ મંત્રીઓ પોતાની કેબિનમાં હાજર હતા. બે મંત્રીઓ ગેરહાજર હતા. મળતી માહિતી મુજબ પૂર્ણેશ મોદી સુરતમાં એક કાર્યક્રમમાં વ્યસ્ત હતા તેમજ કિરિટસિંહ રાણા જમવા ગયા હતા. આ સિવાય મોટાભાગના મંત્રીઓ હાજર હતા. મંત્રીઓની કેબિનની બહાર ઉભેલા સામાન્ય લોકોને પણ પ્રશ્નો કર્યા હતા. તેમના શું પ્રશ્નો છે, મંત્રીઓ તેમની સાથે કેવું વર્તન કરે છે, તેમના કામ થાય છે કે કેમ, સંતોષકારક જવાબ મળે છે કે નહીં, મંત્રીઓ બાબતે કોઈ ફરિયાદ છે? વગેરે પ્રશ્નો તેમણે સામાન્ય નાગરિકોને કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રથી અલગ થઈને ગુજરાત જ્યારે અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અમદાવાદ અથવા ગાંધીનગર સ્થિત સચિવાલયમાં લગભગ દરેક અઠવાડિયાના સોમવાર અને મંગળવારે લોકો, સમાજાના આગેવાનો, ધારાસભ્યો- સાંસદો તેમના મત-વિસ્તારના કામો માટેની રજૂઆત કરવા મંત્રીઓની મુલાકાત કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ એક એવી છાપ ઉભી થઈ રહી હતી કે મંત્રીઓ આ બે દિવસોમાં પણ ગેરહાજર રહે છે, અને હાજર હોય તો પણ લોકોના કામો સંતોષકારક રીતે પૂરા નથી થતા. આ વાતોનો ખુલાસો કરવા 22મી તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે સ્વર્ણિમ સંકુલ- 1માં બેસતા તમામ મંત્રીઓની ઓફિસોમાં પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત મંત્રીઓ માટે પણ આશ્ચર્યજનક હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud