• અમદાવાદના ચીરીપાલ ગ્રુપ ફરીથી વિવાદોમાં સપડાયું, કંપનીના ગોડાઉનમાં પોલીસના દરોડા
  • કંપનીના ગોડાઉનમાંથી 650 જેટલી ખાતરની બોરીઓ ઝડપાઈ, 2 ની ધરપકડ
  • સરકારી સબસિડી યુક્ત ખેડૂતોના હકનો યુરિયા ખાતરનો જથ્થો ચીરીપાલના ગોડાઉનમાંથી ઝડપાયો
  • ખેડૂતો ને માંડ મળતુ યુરીયા ખાતર ગેરકાયદે મીઠાના નામે ખરીદી વપરાશ કરતાં હોવાનો ખુલાસો

WatchGujarat. અમદાવાદનું ચીરીપાલ ગ્રુપ ફરી એક વખત વિવાદોમાં આવ્યું છે. મળતી વિગતો અનુસાર ખેડૂતોને માંડ મળતું યુરિયા ખાતર ચીરીપાલ ગ્રુપ દ્વારા ગેરકાયદે મીઠાના નામે ખરીદીને વપરાશ કરાતી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે બે સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં અલગ અલગ બે જગ્યાએથી 650 કરતા વધુ ખાતરની થેલી પોલીસે કબ્જે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે કુલ 6 આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધી મુખ્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે અગાઉ ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે આવતુ નિમકોટેડ સરકારી અનાજ ચીરીપાલ કંપનીમાંથી મળી આવ્યું હતું. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કમશી ભરવાડ, સતિષ ભરવાડ અને અર્જુન ભરવાડ મળી નિમકોટેડ યુરિયાને શક્તિ સોલ્ટના નામે વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. યુરિયા ખાતરનો આ જથ્થો ચીરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સમાં જતો હતો. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે બે અલગ-અલગ જગ્યા પરથી 650 થી વુધ યુરિયાની થેલી કબ્જે કરી છે. હાલ દાણીલીમડા પોલીસે ગુનો નોંધી કુલ 6 આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર માર્કેટ યાર્ડના વિક્રમસિંહ રાણા અને ધોળકાના હરપાલસિંહ પાસેથી આ જથ્થો લાવવામાં આવતો હતો. જે જથ્થો દાણીલીમડાના ગોડાઉનમાં ખાલી કરી શક્તિ સોલ્ટની થેલીમાં ભરી ચીરીપાલ ગ્રુપને વેચાણ કરવામાં આવતુ હતું. જેના આધારે પોલીસે મુખ્ય આરોપી કમશી ભરવાડ અને સતીષ ભરવાડની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે વિસાલ ફેબ્રિક્સ કંપનીમાં ખરીહી કરતાં બીનાબેન નામની મહિલા વિરૂદ્ધ પણ ગુનો નોંધ્યો છે. જ્યારે અન્ય ફરાર 4 આરોપીની શોધખોળ હાથ ધરી છે. પરંતુ આ મામલે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. જે યુરિયા ખાતરની થેલી લેવા માટે ખેડૂતોને બાયોમેટ્રીક અને આધાર કાર્ડ આપવું પડે છે. તે યુરિયા ખાતરનો જથ્થો ફેક્ટરીઓ પાસે કેવી રીતે આવ્યો? તે પણ બિલ વિના? જોકે આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ અને યુરિયા ખાતરના કૌભાંડમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. જેમાં અન્ય લોકોના નામ પણ બહાર આવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud