• મનપા દ્વારા કોરોના વેકસીનનાં બીજા ડોઝ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું
  • બીજા ડોઝમાં બાકી હોય તેવા લોકોને ઘરે જઈને વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું
  • 9 માસ પૂર્વે અવસાન પામેલા વૃધ્ધાએ 26 જાન્યુઆરીના રોજ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું સર્ટીફીકેટ અપાતા અનેક સવાલો ઉઠ્યા

WatchGujarat. આજથી મનપા દ્વારા કોરોના વેકસીનનાં બીજા ડોઝ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બીજા ડોઝમાં બાકી હોય તેવા લોકોને ઘરે જઈને વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પણ આ દરમિયાન 9 માસ પૂર્વે અવસાન પામેલા વૃધ્ધાએ 26 જાન્યુઆરીના રોજ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું સર્ટીફીકેટ અપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પરનાં કોપરસીટી એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપસિંહ ગોહિલના માતાનું 24-4-2021 એટલે કે આજથી 9 માસ પૂર્વે અવસાન થયું હતું. હંસાબા પ્રવિણસિંહ ગોહિલ નામના આ વૃદ્ધાએ ગઇકાલે 26 જાન્યુઆરીના રોજ બપોરના સમયે વેક્સીનનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ પુત્રના મોબાઈલમાં આવ્યો હતો. એટલું જ નહીં આ મેસેજમાં આવેલી લિંક ખોલતા તેમાં વેક્સિનનો બીજો ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ જોવા મળતા કુલદીપસિંહ અકળાઈ ઉઠયા હતા.

કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજથી 9 માસ પૂર્વે મારા માતાનું અવસાન થયું છે. અને આજે તેમને 26 જાન્યુઆરીના રોજ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવતા હું સ્તબ્ધ થઇ ગયો હતો. આ મેસેજમાં આપેલ લિંક ખોલતા તેમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું સર્ટીફીકેટ પણ જોવા મળ્યું હતું. જે જોઈને વેક્સિનના નામે તંત્ર કામ કરવાના બદલે માત્ર મોટી-મોટી વાતો કરતું હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા પણ મૃત વ્યક્તિને વેક્સીન આપવામાં આવી હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે સવાલ ઉભો થઇ રહ્યો છે કે શું વેક્સિનેશન આગળ વધારવા અને 100% વેક્સિનેશન થયું હોવાનું કાગળ પર બતાવવા માટે તંત્ર મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે ? આજથી બીજા ડોઝ માટે ડોર ટુ ડોર મેગા વેક્સિનેશન અભિયાન શરૂ કરાયું છે, તેમાં ખરેખર લોકોને વેક્સીન આપવામાં આવશે કે પછી આ જ રીતે આંકડાઓ બતાવવા માટે મૃતકોને વેકસીન અપાશે તે જોવું રહ્યું.

Facebook Comments Box

Videos

Our Partners