• કંપની સંચાલક અને પૂર્વ AIA પ્રમુખ ચંદુ કોઠીયા સામે ખેતીવાડી અધિકારીએ અંકલેશ્વર GIDC પોલીસમાં ગુનો નોંધાવ્યો
  • યુરિયા ખાતર સપ્લાય કરનાર અંકલેશ્વરની જ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના સંચાલક સામે પણ રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ અન્વયે ગુનો દર્જ
  • ખેડૂત સબસીડીવાળા યુરિયા ખાતરનો ઉધોગમાં ઉપયોગનો વેપલો

WatchGujarat. અંકલેશ્વરની શ્રી ગણેશ પીગમેન્ટ કંપની ખેતીલક્ષી સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો બીનઅધિકૃત રીતે ઉપયોગ કરતા ઝડપાતા ખેતીવાડી અધિકારીએ કંપની સંચાલક અને પૂર્વ અંકલેશ્વર ઔદ્યોગિક મંડળના પ્રમુખ અને યુરિયાની 58 થેલી મોકલનાર એજન્સી સામે GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અંકલેશ્વર GIDCમાં આવેલી પિગમેન્ટ બનાવતી કંપની માંથી બિનઅધિકૃત રીતે યુરિયા ખાતરનો ઉપયોગ થતો હોવાનુ બહાર આવવા પામ્યુ છે. ખેતીવાડી વિભાગે આ કંપની તેમજ યુરિયા ખાતર વેચનારા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રી ગણેશ પિગ્મેન્ટસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક પિગ્મેન્ટ બનાવવાની ઉત્પાદન પ્રક્રિયામાં બિન અધિકૃત રીતે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા રંગે હાથ ઝડપાઇ જવા પામ્યા છે. ખેતીવાડી વિભાગે સ્થળ તપાસ દરમ્યાન નીમ કોટેડ યુરિયા ખાતરની 58 નંગ બેગોના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે બારડોલી સ્થિત લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. તેનો રિપોર્ટ આવતા આ કંપનીને કસુરવાર ઠેરવવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે કંપની માં ટેકનિકલ યુરિયાના ઓથા હેઠળ મંગાવાતો યુરિયાના જથ્થાની કોઈ રજીસ્ટર એન્ટ્રી પણ કરાતી નથી તેવુ પણ તપાસ દરમ્યાન બહાર આવ્યુ છે.

ખેતીવાડી વિભાગના મદદનીશ અધિકારી આર.આઇ.પટેલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે શ્રી ગણેશ પિગમેન્ટના સંચાલક ચંદુ કોઠીયા કે જેઓ અંકલેશ્વર ઉધોગ મંડળના માજી પ્રમુખ પણ હતા, તેમની સામે તેમજ યુરિયા ખાતર સપ્લાય કરનાર અંકલેશ્વરની જ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના સંચાલક સામે રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ અન્વયે ગુનો દર્જ કરાવતા અન્ય પિગમેન્ટ બનાવતી કંપનીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અત્રે નોંધનીય છેકે નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ ખેતી ક્ષેત્ર માટે થઈ શકે તેનો ઉપયોગ ઉદ્યોગોમાં કરવો બિનઅધિકૃત છે.

Facebook Comments Box

Videos

Our Partners