•  મગરે હુમલો કરતા યુવાનની બુમરણથી લોકોએ હિંમત કરી મગરના મોતના મુખમાંથી બચાવ્યો
  • રાણીપુરાનો યુવાન બપોરે નદી કિનારે પાણી ભરવા ગયો હતો

WatchGujarat. શિયાળા બાદ મગરોનો પ્રજનનકાળ શરૂ થઈ જાય છે. માર્ચ અને જૂન મહિનાઓમાં તેઓ ઈંડા મૂકે છે આવા સમયે મગરો વધુ આક્રમક બની જતા હોય છે. સોમવારે જ આવો કિસ્સો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા મણી ઘાટે બન્યો હતો. જેમાં મગરના હુમલાથી યુવાનનો જીવ સ્થાનિકોએ દોડી આવી બચાવ્યો હતો.

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રહેતો 36 વર્ષીય સંજય સુનિલભાઈ વસાવા સોમવારે નર્મદા નદી કિનારે મણી ઘાટ ખાતે પાણી ભરવા ગયો હતો. બપોરે 3 વાગ્યાના સુમારે યુવાન પાણી ભરી રહ્યો હતો તે દરમિયાન નદીમાંથી એકાએક મગરે તેના ઉપર હુમલો કરતા તેણે બુમરાણ મચાવી હતી.

મગરે યુવાનનો પગ મોઢામાં લઈ લેતા તેને છોડાવવામાં બન્ને હાથે પણ મગરના દાંત વડે ઇજાગ્રસ્ત થયો હતો. સંજયની બચાવવા માટેની બુમરાણો સાંભળી નજીક રહેલા લોકો દોડી આવ્યા હતા. તુરત મગરને લોકોએ ભગાડવાનો પ્રાયસ કરવા સાથે મગરના મોતના મુખમાંથી યુવાનને ઉગારી લેવાના પ્રયાસો કરતા આખરે સંજયનો જીવ બચાવી શકાયો હતો.

ઇજાગ્રસ્ત સંજયને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સમાન્ય રીતે શિયાળો પૂર્ણ થતા મગરનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાના ઘર, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. આ સમય દરમિયાન મગરો પોતાની આસપાસ કોઈ પણ પ્રકારની ખલેલને સહન નથી કરતા અને પોતાના વિસ્તાર અને માળા તેમજ ઈંડાને બચાવવા માટે આક્રમક અંદાજમાં તૈયાર રહે છે.

પ્રાણી શાસ્ત્રની પરીભાષામાં મગર એ સરીસૃપ વર્ગનું ઉભયજીવી સસ્તન પ્રાણી છે. ડાઈનોસોર પણ આજ વર્ગનું વિશાળ કદનું પ્રાણી હતું પરંતુ પૃથ્વિની સપાટી પર આવેલા ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનો સાથે તેનો તાલમેલ ન બેસતા તેનું અસ્તિત્વ ભુસાઈ ગયું. જયારે તે જ વર્ગનું પ્રાણી મગર આજ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ રહ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners