• રાજકોટના ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા તાજેતરમાં ફોન પર ગેરવર્તણુંક કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો
  • મહિલા કોર્પોરેટરનો મામલો હજી શાંત નથી થયો ત્યાં તો વધુ એક કોર્પેરેટરે નાગરીક સાથે ગેરવર્તણુંક કર્યાનો ઓડિયો વાયરલ થયો
  • કોર્પોરેટર મહાશયે આ નાગરિકને ચોખ્ખું કહ્યું હતું કે, મેં તમારો ખેસ નોતો પહેર્યો , મને આવા 47 ફોન આવે કાઈ બધાને જવાબ આપવા નવરો નથી

WatchGujarat. ગઈકાલે રાજકોટ ભાજપનાં વોર્ડ નંબર 14નાં નગર સેવક વર્ષાબેન રાણપરાનો મહિલા સાથેની અસભ્ય વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. અને તરત જ પોતાની ભૂલ સમજાતા વર્ષાબેને માફી પણ માંગી હતી. ત્યારે આજે ભાજપનાં વોર્ડ નંબર 11નાં કોર્પોરેટર વિનું સોરઠીયાની સામાન્ય નાગરિક સાથેની વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં સામાન્ય નાગરિકે કહ્યું હતું કે, મત લેવા સમયે તો ખેસ પેરી આવી ગયા હતા , હવે જવાબ કેમ આપતા નથી. ત્યારે કોર્પોરેટર મહાશયે આ નાગરિકને ચોખ્ખું કહ્યું હતું કે, મેં તમારો ખેસ નોતો પહેર્યો , મને આવા 47 ફોન આવે કાઈ બધાને જવાબ આપવા નવરો નથી. બીજા ચાર કોર્પોરેટર છે તેને ફોન કરો મને નહીં કરતા. કોર્પોરેટર અને નાગરિકની ઉગ્ર ચર્ચાની ઓડિયોક્લિપ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. અને ભાજપનાં નગરસેવકોની સેવા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કોર્પોરેટર વિનુ સોરઠીયા અને સામાન્ય નાગરિક અતુલભાઈની વાતચીત

કોર્પોરેટરઃ હલ્લો

અતુલભાઇઃ વિનુભાઈ બોલે છે

કોર્પોરેટરઃ હા

અતુલભાઈઃ અતુલ અદા બોલુ, અહીં વોકળાના કાંઠેથી, સોરઠિયા પાર્કથી

કોર્પોરેટરઃ બોલો

અતુલભાઈઃ અહીં કંઇક કરાવોને, ભૂંગળામાં હવે અર્થિંગ જ દેવાના છે, ક્યારેક તો ચક્કર મારો, તમે કોર્પોરેટર છો અમારા એરિયાના.

કોર્પોરેટરઃ હું અઠવાડિયામાં બેવાર ચક્કર મારૂ છું, તમે કહેતા હોય તો ફોટા મોકલતા જઇએ.

અતુલભાઈઃ મોકલો ફોટા

કોર્પોરેટરઃ હા લ્યો

અતુલભાઇઃ એમાં ગરમ થાવમાં અમે તમને મત દઇને ચૂંટ્યા છે, 24 કલાક હું મારા ઘરમાં જ હોવ છું, તમે ક્યારેય દેખાણા જ નથી.

કોર્પોરેટરઃ તમે કંઇ વ્યવસ્થિત વાત કરો તો કરાયને, હું 20 વખત વોકળે આવ્યો છું, મારે તો ફરજીયાત નથી કે તમારી ડેલીએ આવવું પડે.

અતુલભાઇઃ મત લેવા તો તમે ઝંડા અને ખેસ પહેરીને નીકળ્યા હતા

કોર્પોરેટરઃ તમારો બ્રાહ્મણનો ખેસ નહોતો ને ?

અતુલભાઇઃ મારો ખેસ નહોતો કમળનો હતો, ત્યારે તમે હાથ જોડીને નીકળ્યા હતા અને કહેતા હતા કે મત અમને દેજો…મત અમને દેજો. તમને મત દીધા હવે દેખાવાનું જ નહીં?

કોર્પોરેટરઃ દેખાતા જ હોઇએ પણ તમને મળવું જરૂરી નથી.

અતુલભાઇઃ સવારે ફોન કર્યો ત્યારે તમે કહ્યું કે એક મિટિંગમાં છું

કોર્પોરેટરઃ હા તો જનરલ બોર્ડની મિટિંગ હતી તો કોઈ સાથે વાત ન થાય તે બધા જાણે છે. 47 જણાના ફોન છે બધાને મારે કરવા ન બેસાય. હું ફોન કરવા નવરો નથી. બીજા ચાર કોર્પોરેટર છે તેને ફોન કરો મને નહીં કરતા.

અતુલભાઇઃ હું પ્રદિપભાઇ ડવ (મેયર)ને આ રેકોર્ડિંગ સંભળાવીશ

કોર્પોરેટરઃ હા ભલે

ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે તો મત માંગવા તેમજ મતદારોને રીઝવવા પક્ષના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવે છે. ત્યારે હાલ પ્રજા પોતાના પ્રશ્નો કોર્પોરેટરો સમક્ષ રજૂ કરે છે. ત્યારે ભાજપનાં કોર્પોરેટર લોકોની ફરિયાદ સાંભળવાને બદલે આ રીતે સ્થાનિકો સાથે દાદાગીરી કરે એ કેટલા અંશે યોગ્ય ગણાય ? ક્યાંક ભાજપને મત આપીને ભૂલ તો નથી થઈને ? તે પણ પ્રજાએ વિચારવું જરૂરી બન્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud