• અમદાવાદ બાદ હવે નવસારીમાં ધો.12 ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
  • વિદ્યાર્થી શહેરની વિદ્યાકુંજ શાળામાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો
  • પરીક્ષા આપવા જવાની તૈયારી કરી રહ્યો હતો તે પહેલા જ એટેક આવ્યો
  • વિદ્યાર્થીના મોત અંગે જાણ થતા કલેક્ટર અને ડીડીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા

WatchGujarat. બે વર્ષના સમયગાળા બાદ ગુજરાતમાં આ વર્ષે બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ચીંતાજનક ઘટનાઓ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે અમદાવાદમાં ધો-12ના વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યુ હતું. ત્યારે આજે નવસારીના બોર્ડના વિદ્યાર્થીનું પણ પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત થયું છે. જેને પગલે નવસારી જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

મીડિયા અહેવાલ મુજબ નવસારી શહેરના આશા નગર વિસ્તારમાં રહેતો 18 વર્ષિય ઉત્સવ શાહ જે વિદ્યાકુંજ શાળાના ધોરણ 12 કોમર્સ માં અભ્યાસ કરતો હતો. અગ્રવાલ કોલેજમાં આજે તેનું આંકડાશાસ્ત્ર નું પેપર હતું. આજે બપોરના સમયે ઉત્સવ શાહ પરીક્ષા સેન્ટર ખાતે પરીક્ષા આપવા જવાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન તેની તબીયત લથડી હતી.

જેથી પરિવારજનોને જાણ થતાં તેઓ વિદ્યાર્થીની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ વિદ્યાર્થી મૃત જાહેર કરતાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના મોત અંગેની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

અમદાવાદમાં ચાલુ પરીક્ષા દરમિયાન ધોરણ 12 ના વિદ્યાર્થીને હાર્ટ એટેક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12માંથી બોર્ડની પરીક્ષાઓ સોમવારથી શરૂ થઈ ગઈ છે. જેમાં ગઈકાલે અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ સીએલ હાઈસ્કૂલમાં પણ ધોરણ 12 ના સામાન્ય પ્રવાહની પરીક્ષા આફતા સમયે મોહમદ અમન આરિફ શેખ નામના વિદ્યાર્થીની તબીયત બગડી હતી. અમનને ઉલટી થવા છતાં તે પેપર આપવા બેસી રહ્યો હતો. જો કે થોડીવાર બાદ તે પરસેવે રેબઝેબ થઈ જતાં સ્ટાફ દ્વારા તપાસમાં આવતાં તેને હાઈ બીપી હોવાનું જણાયું હતું. પરંતુ તે બાદ તેનું મોત નિપજ્યું હતું.

ત્યારે આવી જ રીતે આજે નવસારીમાં પણ ધોરણ 12ના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત થયું છે. તેનું હૃદય રોગના કારણે અવસાન થતાં પરિવાર સહિત સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા યોજાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓ ના વર્ગખંડમાં અને ઘરે અવસાન થઈ રહ્યા છે તે એક ચિંતા ઉપજાવનારી ઘટના સામે આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners