• જુનાગઢમાં રહેતો રાજુ વ્યાસ ધો.10-12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓની ડુપ્લીકેટ રીસીપ્ટ બનાવતો હોવાની બાતમી જુનાગઢ પોલીસને મળી
  • પોલીસે મોડી રાત્રે દોલતપરાનાં જીજ્ઞેશ પરમારના મકાન પર દરોડો પાડયો
  • સ્થળ પરથી રીસીસ્ટ બનાવવાના માટે ઉપયોગમાં લીધેલ રૂા. 25 હજારની કિંમતનું લેપટોપ, મોબાઇલ ફોન, ચાર્જર તેમજ ત્રણ વિદ્યાર્થીઓની અસલ તેમજ ઝેરોક્ષ રીસીપ્ટો મળી આવી

WatchGujarat. માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો. 10-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં જુનાગઢમાં ધો.-12નાં 2 વિધાર્થીઓ બોગસ રિસીપ્ટ સાથે ઝડપાયા હતા. આ મુદ્દે શાળાનાં સંચાલકોએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા દોલતપરા પોલીસ દ્વારા બંને વિધાર્થીઓની આકરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં લાલબહાદુર શાસ્ત્રી વિધાલયનાં 2 કર્મચારીઓનાં નામ ખુલતા જ જુનાગઢ પોલીસ આવી પહોંચી હતી. અને અગાઉ બંને કર્મચારીઓ દ્વારા આવી રીતે બોગસ રિસીપ્ટનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, જુનાગઢના દોલતપરામાં આવેલ નેમીનાથનગરમાં રહેતો રાજુ વ્યાસ ધો.10-12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓની ડુપ્લીકેટ રીસીપ્ટ બનાવતો હોવાની બાતમી જુનાગઢ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે મોડી રાત્રે દોલતપરાનાં જીજ્ઞેશ પરમારના મકાન પર દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં સ્થળ પરથી રીસીસ્ટ બનાવવાના માટે ઉપયોગમાં લીધેલ રૂા. 25 હજારની કિંમતનું લેપટોપ, મોબાઇલ ફોન, ચાર્જર તેમજ ત્રણ વિદ્યાર્થીઓની અસલ તેમજ ઝેરોક્ષ રીસીપ્ટો સહિત નવી કુલ રૂ।. 28,050 ની કિંમતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબ્જે કર્યો હતો.

પોલીસ રેઇડ વખતે રાજકોટનો ડોડીયા ચિરાગ જેન્તી નામનાં વિદ્યાર્થીની અસલ રીસીપ્ટરમાં અન્ય વ્યકિતનાં ફોટાવાળી રીસીપ્ટ બનાવવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. તેમજ કૌભાંડી રાજૂ વ્યાસ રાજકોટમાં લીમડા ચોક સ્થિત લાલબહાદુર શાસ્ત્રી હાઇસ્કુલમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જીજ્ઞેશ પરમાર, રાજૂ વ્યાસ અને ચિરાગ ડોડીયા સામે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલે રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારી કૈલાએ જણાવ્યુ હતુ કે જુનાગઢ પોલીસ પાસેથી કેસની વિગતો મેળવી અને ઉપરોકત બંને કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં નોકરીમાંથી બરતરફ કરવા સુધીના પગલા લેવાનુ જણાવ્યુ છે. હાલ પોલીસે આ મોટા કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે ? તેમજ આ રેકેટમાં કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ ? વગેરે મુદ્દે તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners