• કલોલના ડીગુંચાના પટેલ પરિવારના મોતનો મામલો
  • અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે ઘુસાડવાના કેસમાં સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાઈ
  • પરિવારને ગરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર એજન્ટ સહિતના લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે- ડીજીપી આશિષ ભાટિયા
  • મોલ અને મોટેલ્સમાં નોકરી આપવાની ગેંરટી પણ અપાતી હોવાનો દાવો

WatchGujarat. તાજેતરમાં જ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યો ભાર ઠંડીના કારણે મૃત્યુ પામ્યા હતાં. જેને લઈને હવે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે. હવે આ મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુળ ડીંગુચા ગામના વતની  જગદીશ પટેલ,  તેમની પત્ની વૈશાલી પટેલ, પુત્રી ગોપી અને  પુત્ર ધામક ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે કેનેડાના રસ્તાથી જઇ રહ્યા હતા. તે સમયે અતિશય ઠંડી અને બરફવર્ષાને કારણે તમામને મોત નીપજ્યા હતા. અમેરિકાની સ્થાનિક એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચારેય મૃતકોને ગેરકાયદેસર ઘુષણખોરી કરાવવા માટે ગુજરાત, કેનેડા અને અમેરિકાના એજન્ટોની સંડોવણી બહાર આવી હતી.

નોંધનીય છે કે એક પરિવારના સભ્યોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના કૌભાંડમાં સંકળાયેલા ગુજરાતના સ્થાનિક એજન્ટથી માંડીને આ કેસની તમામ બાબતોની તપાસ કરવા માટે ડીજીપીએ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી છે. જેમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. જે સંદર્ભમાં ગુજરાત પોલીસે અમેરિકાની તપાસ એજન્સી પાસેથી વિગતો મંગાવી છે.

આ અંગે મીડિયા અહેવાલ મુજબ જગદીશ પટેલે  કલોલના પલિયડના તેમજ અન્ય એજન્ટને લાખો રૂપિયા આપીને બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા.  જે બાદમાં કેનેડા મોકલીને ત્યાંથી તમામને ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરાવવાની ખાતરી આપી હતી. પરંતુ કમનસીબે બે માસૂમ બાળક સાથે જગદીશભાઇ અમેરિકા પહોંચે તે પહેલા જ મોતને ભેટયા હતા.

મીડિયા સાથેની વાતચીતમાં ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, આ મામલો ખુબ ગભીર છે. જેથી તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપીને સમગ્ર કૌભાંડને બહાર લાવવામાં આવશે. જેમાં મહેસાણા, ગાંધીનગર કે અન્ય જિલ્લાઓમાં રહેતા એજન્ટ કે અન્ય જવાબદાર સામે આકરા પગલા ભરવામાં આવશે. સાથેસાથે અન્ય કોઇ લોકો ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરી ચુક્યા છે કે નહી તે અંગે માહિતી મેળવવામાં આવશે?

અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં અમેરિકાના તપાસ એજન્સીએ સાત જેટલા એજન્ટની ધરપકડ કરી છે. ત્યારે બીજી તરફ આ કૌભાંડના તાર ગુજરાત સાથે જોડાતા રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયાએ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપી દીધી છે. આ તપાસમાં મૃતક પરિવારને અમેરિકા મોકલવા માટેની કામગીરી કરનાર એજન્ટ, બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર, તેમજ  અમેરિકા અને ભારતને એજન્ટોને જોડતી કડી અંગે તમામ વિગતો મેળવવા માટે આદેશ અપાયા છે.

મોલ અને મોટેલ્સમાં નોકરી આપવાની ગેંરટી પણ અપાતા હોવાનો ખુલાસો

મીડિયા સાથે વાત કરતાં મહેસાણા સ્થિત એક સ્થાનિક એજન્ટેે કેટલીક ચોંકવનારી વિગતો જણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા જવા માટે લોકો એક કરોડની માતબર રકમ ખર્ચવા માટે તૈયાર જતા હોય છે. જેમાં અમેરિકામાં વિઝા રીજેક્ટ થયા હોય તેવા લોકોને બનાવટી વિઝા અને દસ્તાવેજોને આધારે કેનેડાના રસ્તાથી ગેરકાયદેસર રીતે ઘુસાડવા માટેની ખાતરી આપવામાં આવે છે. એટલું જ નહીં અમેરિકામાં મોલ કે મોટેલ્સમાં નોકરી પણ નક્કી કરવામાં આવે છે. સાથે સાથે તેમને કહેવામાં આવે છે કે અમેરિકામાં કોઈ તપાસ આવે તો વિઝાના સ્ટેમ લગાવેલો નકલી પાસપોર્ટ બતાવી દેવાનું કહેવામાં આવે છે. આ રીતે ખુબ મોટી પ્રમાણમાં ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે. જો કે મોટાભાગના કિસ્સામાં ગુજરાતથી પરિવાર સાથે લોકો જતા હોય તેવા કિસ્સા ઓછા બનતા હોય છે. કારણ કે અમેરિકામાં થોડા વર્ષ રહ્યા બાદ વ્યક્તિ પરત આવી જાય છે. આ દરમિયાન તે સ્થાનિક એજન્સીની મદદથી કાયદેસર રહેવા માટેની તમામ બાબતો જાણીને સત્તાવાર રીતે સ્થાયી પણ થાય છે. આમ, એજન્ટોનું નેટવર્ક ગુજરાતથી લઈને અમેરિકામાં મોટાપાયે ફેલાયેલું છે.

Facebook Comments Box

Videos

Our Partners