• એરગન, ઘોડાને હાંકવાની ડાંગ સહિતના હથિયારો ઊછડીયા હતા
  • લગ્નમાં રસોઇ પિરસવા બાબતે બે પરિવાર બાખડ્યાં પણ હતા
  • દહેજ પોલીસે બન્ને પક્ષે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો

WatchGujarat. વાગરા તાલુકાના ગેલન્ડા ગામે લગ્નન વરઘોડામાં હથિયારોના પ્રદર્શન મુદ્દે દહેજ પોલીસે 3 યુવાનોની ધરપકડ કરી છે. બીજા દિવસે જમવાનું પીરસવામાં પણ થયેલી બબાલમાં દહેજ પોલીસ મથકે સામ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. વાગરા તાલુકાના ગલેન્ડા ગામે લગ્ન પ્રસંગમાં જમવાનું પિરસવાના મુદ્દે બે પરિવારના સભ્યો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. બનાવને પગલે દહેજ પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે કુલ 10 જણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરાના ગલેન્ડા ગામે યોજાયેલાં લગ્ન પ્રસંગમાં રાત્રીના સમયે વરઘોડો નિકળ્યો હતો. વરઘોડામાં જોડાયેલાં ગામના અને બહારથી આવેલાં જાનૈયાઓ સહિતના લોકોએ ડીજેના તાલે નાચવા માટે ઉમટી પડ્યાં હતાં. જોકે, તે પૈકીના કેટલાંક શખ્સોએ વટ જમાવવા માટે હાથમાં એરગન, હોકી સ્ટીક, ઘોડાને હાંકવાની ડાંગ સહિતના મારક હથિયારો હવામાં ઉછાડ્યાં હતાં.

બીજા દિવસે લગ્નના જમણવારમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થતાં ક્રોસ ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ વરઘોડામાં મારક હથિયારો ઉછાળ્યાં હોવાના વિડિયો વાયરલ થયાં હતાં. જે અંગે દહેજ પોલીસને જાણ થતાં પીઆઇ બી. એન. સગર તેમજ તેમની ટીમે એક્શનમાં આવી વિડિયોના આધારે અરબાઝ ફિરોજ રાજ, મુનાફ નસરૂદ્દીન રાજ તેમજ ઇકબાલ ઇસાક રાજની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

શરીફ માનસંગ ખાન દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, તેમના ગામમાં લગ્ન પ્રસંગ હોઇ તેમનો ભત્રીજો રિયાઝ દાઉદ ખાન હોલમાં જમવાનું પિરસવા ગયો હતો. જ્યાંથી તેણે પરત આવી જણાવ્યું હતું કે, તે રસોઇ પિરસતો હતો. તે વેળાં તેની સાથે જ પિરસવાનું કામ કરતો આશિફ દાઉદ રાજે તું કેમ અહિંયા પિરસવા આવ્યો છે તેમ કહીં તેને અપશબ્દો ઉચ્ચારતાં તેને અપશબ્દો બોલવાની ના પાડતાં ઇશાક ગેેમલસંગ રાજે તેને તમાચો મારી દીધો હતો. જેથી શરીફ ખાન તેના બે ભાઇઓ સાથે તેમને સમજાવવા જતાં આશિફ દાઉદ રાજ, ઇશાક ગેમલસંગ રાજ, મુનાફ નસરૂ રાજ, ફિરોજ ઉદેસંગ રાજ તેમજ ઇકબાલ ઇશાક રાજે તેમને માર માર્યો હતો.

બનાવ સંદર્ભે મહેમુદાબેન અજીત રાજે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ હોલમાં જમવા માટે બેઠાં હતાં. તે વેળાં તેમના ગામનો રિયાઝ દાઉદ ખાન તથા અફઝલ સલીમ રાજ જમવાનું પિરસતાં હોઇ તેમની પાસે જમવાનું માંગતાં તેઓએ તુચ્છ શબ્દોના ઉપયોગ કરી આ લોકોને જમવાનું નાંખી આપો તેમ કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થતાં રિયાઝ દાઉદ ખાન, અફઝલ સલીમ રાજ, શરીફખાન માનસંગખાં  ખાન, ઇબ્રાહિમ માનસંગ ખાન તેમજ સલીમ સરદારસંગ રાજે એક સંપ થઇ તેમના ઉપર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

દહેજ પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે 10 જણા વિરૂદ્ધ ગુનોનોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners