• ભરૂચથી દહેજ જતો માર્ગ રોકતા એક કલાક સુધી ચક્કાજામ, માર્ગ ઉપરથી કર્મીઓ, મહિલાઓ અને બાળકોને હટાવવા 200 થી વધુ પોલીસના ધડધાડા ઉતર્યા
  • LCB, SOG, દહેજ પોલીસ, મરીન, વાગરા સહિત મહિલા પોલીસનો કાફલા સાથે ACP અને SDM પણ દોડી ગયા
  • પ્રશાસન અને પોલીસની સમજાવટ તેમજ ડિટેઇન કરવાની કામગીરી બાદ આંદોલન રસ્તા પરથી સમેટાયું, કલેકટરે બપોરે 3 કલાકે બેઠક યોજી ઉકેલ લાવવા કાર્યવાહી હાથ ધરી
  • વેલ્સપન કંપની બંધ થતાં 150 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન, 118 કર્મચારીઓએ VRS સ્વીકારી લીધું છે જ્યારે 250 કર્મચારી ને કંપની સત્તાધીશોએ રજૂ કરેલું VRS માન્ય નથી

WatchGujarat. દહેજની વેલ્સપન કંપનીને બંધ કરી દેવાતા કર્મચારીઓની આજીવિકા પણ છેલ્લા 150 દિવસથી બંધ થઈ જતા. પાંચ મહિનાથી ચાલતું આંદોલન સોમવારે સવારથી ઉગ્ર બન્યું હતું. રહિયાદ ચોકડી ઉપર વહેલી સવારે 250 કર્મચારીઓ પરિવાર સાથે બેસી રસ્તા રોકો આંદોલન કરતા પોલીસના ઘાડે ધાડા ઉતરી પડ્યા હતા. પોલીસ અને પ્રશાસન તરફથી ACP અને SDM એ સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં દહેજ-ભરૂચ માર્ગ એક કલાકથી રોકીને બેઠેલા કર્મચારીઓએ રસ્તો ખુલ્લો નહિ કરતા પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો. રસ્તા પરથી 100 જેટલા કર્મીઓની અટકાયત કરતા રસ્તા રોકો આંદોલન વિખેરાયુ હતું.

દહેજની વેલ્સપન કંપનીએ 5 મહિના પહેલા તેના 200 જેટલા અધિકારીઓની બદલી કરી નાખી હતી. જ્યારે 400 જેટલા કર્મચારીઓને ટપાલથી બદલીના ઓર્ડરો કરાયા હતા. દહેજનો પ્લાન્ટ બંધ કરી દેતા 400 કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ હતી. જેઓ બદલીમાં અંજાર કે અન્ય પ્લાન્ટમાં જવા માંગતા ન હોય કંપની સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

કર્મચારીઓના આંદોલનમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ પણ તેઓની રજુઆતને વાચા આપી હતી. જે બાદ કંપની કર્મચારીઓ માટે VRS સ્કીમ લઈને આવી હતી. કંપનીના 118 જેટલા કર્મચારીઓએ VRS અપનાવી લીધું હતું. જોકે બાકીના કર્મચારીઓને કંપનીનું સ્વૈચ્છીક VRS મંજુર ન હોય આંદોલન ચાલુ જ રાખ્યું હતું.

વેલ્સપન કંપની બંધ થતાં કર્મચારીઓનું આંદોલન 150 દિવસમાં પ્રવેશવા છતાં નિવેડો નહિ આવતા સોમવારે વહેલી સવારથી 250 કર્મચારીઓ રહિયાદ ચોકડી ઉપર પરિવાર સાથે રસ્તા રોકો આંદોલન છેડવા ઉતરી આવ્યા હતા. કર્ણચારીઓએ મહિલાઓ અને બાળકો સાથે ભરૂચથી દહેજ જતા માર્ગ પર બેસી વાહન વ્યવહાર થોભાવવાનો પ્રયાસ કરતા કાયદો-વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી.

દહેજ પોલીસ, મરીન, LCB, SOG, મહિલા પોલીસ સહિત જિલ્લા પોલીસના ઘાડે ધાડા રહિયાદ ચોકડી ઉપર ઉમટી પડ્યા હતા. સાથે જ PI, PSI, DYSP સાથે ASP વિકાસ સુંડા અને SDM પ્રજાપતિ પણ પણ સ્થળ પર દોડી ગયા હતા. કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સમજાવી માર્ગ ખુલ્લો કરવા કહેવા છતાં કર્મચારીઓ નહિ હટતા આખરે પોલીસે ન છૂટકે રસ્તો રોકી ને બેઠેલા કર્મચારીઓને ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરતા સ્થિતિ એક સમયે વિકટ બની હતી. પોલીસે 100 જેટલા વિરોધ કરી રહેલા કર્મચારીઓની અટકાયત કરી તેમને પોલીસ હેડ ક્વાટર્સ લઈ આવી હતી. જે બાદ કંપની ગેટ બહાર આંદોલન યથાવત રહ્યું હતું. બીજી તરફ બપોરે કલેકટરે આ મુદ્દે નિવેડો લાવવા બેઠકનું આયોજન કર્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners