• સરકારના તમામ વિકાસના દાવાઓ દાહોદ તાલુકાના જાલત ગામમાં પોકળ સાબિત થયા
  • પાક્કો રસ્તો ન હોવાથી ગામ લોકો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા, ચોમાસાના સમયમાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
  • સ્મશાનની પણ કોઈ સગવડ ન હોવાથી નદી કિનારે ચોમાસામાં પણ ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવા ગ્રામજનો મજબૂર
  • અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન, કોઈ નિવારણ ન આવતાં ગ્રામજનોમાં ભારે રોષ

WatchGujarat. રાજ્ય સરકાર વિકાસનાં અનેક દાવા કરી રહી છે. છેલ્લા બે-ત્રણ માસ દાહોદ જિલ્લામાં ખાતમુર્હૂત તેમજ લોકાર્પણના અનેક કાર્યક્રમો યોજાયા અને ગુજરાત સરકારની સિદ્ધિઓની ગાથા ગવાઈ. એટલું જ નહીં આદિજાતિ વિસ્તારોમાં ગામડે-ગામડે રોડ વીજળી તેમજ અન્ય સુવિધાઓના દાવા કરાઈ રહ્યા છે. પરંતુ દાહોદ તાલુકાના જાલત ગામમાં સરકારના આ તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. આશરે 300 ઘરોની વસ્તી ધરાવતા  જાલત ગામમાં રહીશોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સ્મશાન ખાતે જવા માટે હજી પણ રસ્તો મળ્યો નથી. આ ગામના રહીશો કાચી માટીના રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે ચોમાસાના સમયમાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ તાલુકાના જાલત ગામના ભુરીયા ફળીયા તરફ આજદિન સુધી પાક્કો રસ્તો બન્યો નથી. જેના કારણે આ વિસ્તારના રહિશો કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ગામના સરકારી દવાખાને જવા તથા સ્મશાન ખાતે જવા માટે આજ દિન સુધી રસ્તો બન્યો નથી. આ અંગે ફળિયાના લોકોએ રસ્તા માટે અનેક વખત રજુઆતો કરી. પરંતુ અનેકવાર રજૂઆતો છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. જેના કારણે આ સમસ્યાનું હજી સુધી કોઈ નિવારણ આવ્યું નથી. સમસ્યા યથાવત રહી છે. એટલું જ નહીં કોઈ વ્યક્તિના મોત બાદ પણ નનામી લઈને સ્મશાને જવા માટે ડાઘુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડે તો પણ આવી પરિસ્થિતિમાંથી જ તેને પણ પસાર થવું પડે છે.

ગ્રામજનોના જણાવ્યાં પ્રમાણે, આ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે વાહન તો દૂરની વાત, અહીંથી પગપાળા જવું પણ મુશ્કેલી ભર્યું લાગે છે. પગ મુકતા જ ઘુંટી સુધી પગ કાદવમાં ખૂંપી જાય છે. એવા રસ્તા પરથી નનામી લઈને પસાર થવું પડે છે. આજે પણ ગામના કોઈ વ્યક્તિના મોત બાદ અંતિમ ક્રિયા માટે નનામી સ્મશાને લઈ જવા ઘુંટી સમા કાદવવાળા માર્ગેથી પસાર થવા મજબૂર થવું પડે છે. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં સ્મશાને પહોંચ્યા પછી ત્યાં સ્મશાનની કોઈ પણ સગવડ નથી. નદી કિનારે ચોમાસામાં પણ ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવી પડે છે. વર્ષોથી આ વિસ્તારના આ જ દયનીય હાલતમાં રહેતા ગ્રામજનોએ અનેકવાર રજુઆતો કરવા છતાં રસ્તો બન્યો નથી. શું આ છે ગુજરાતનો વિકાસ ? આવા અનેક વેધક પ્રશ્નો જનમાનસમાં વાગોળ આઈ રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud