• તરસાલી વિસ્તારના વડદલા ગામે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો
  • કૂતરું કરડ્યા બાદ સારવાર ન લેતા 18 વર્ષીય યુવકનું મોત
  • એન્ટિ રેબિસ્ટના ઈન્જેક્ટશનો લેવાના ડરે યુવકે સારવાર લીધી ન હતી
  • ત્રણ મહિના બાદ હડકવાની અસર થતાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, પરિવાર શોકમાં ગરકાવ

WatchGujarat. ઘણી વખત લોકો જીવજંતુ કે પ્રાણીના કરડવાને ગંભીરતાથી લેતા નથી. પરંતુ આ બેદરકારી ક્યારે વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. શહેરના તરસાલી વિસ્તારમાં પણ 18 વર્ષીય યુવકને બેદરકારીના પગલે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તરસાલીના હરિનગર વડદલા ગામે રહેતા કૃણાલ જાદવે કૂતરું કરડ્યું હોવા છતાં સારવાર લીધી ન હતી. જેના કારણે ત્રણ મહિના બાદ હડકવાના કારણે તેનું મોત નિપજ્યું છે. જેને પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

હડકવાના કારણે 18 વર્ષીય યુવકનું મોત

શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના તરસાલી વિસ્તારના હરિનગર વડદલા ગામે કૃણાલ વિજયભાઈ જાદવ (ઉં.વ.18) છોટાઉદેપુર ખાતે આવેલી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. ત્રણ મહિના પહેલા કૃણાલને રસ્તે રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું. જેમાં તેના પગ પર કૂતરાનો એક દાંત વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ આ બનાવ બાદ કૃણાલે એન્ટિ રેબિસ્ટના ઈન્જેક્ટશનો લેવાના ડરે તે સમયે કૂતરું કરડવાની સારવાર કરાવી ન હતી. પરંતુ તેને નહોતી ખબર કે તેની આ બેદરકારી તેનો જીવ લઈ લેશે.

જ્યારે કૃણાલને તેના પરિવારે ઈજા વિશે પૂછ્યું ત્યારે પણ તેને ઈન્જેક્શનોના ડર રાખીને પતરૂ વાગ્યું હોવાની વાત જણાવી સારવાર કરાવી ન હતી. જેનું પરિણામ આવ્યું કે તેના શરીરમાં ધીરે ધીરે આ હડકાવાની અસર પ્રસરવા લાગી. ત્રણ મહિના બાદ તેને પેટમાં અસહ્ય દુઃખાવે, પેશાબ બંધ થવો, ખોરાક લેવા માટેની અન્નનળી સંકોચાઈ જવી વગેરે જેવા હડકવાની અસરના લક્ષણો દેખાવા લાગ્યા. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. કૃણાલે સારવાર કરાવવા માટે દાખવેલી નિષ્ક્રિયતાને પગલે તેને જાન ગુમાવવાનો વારો આવ્યો છે. પરિવારે એકનો એક દિકરો અને બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. જેને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વિશે તબીબોનું કહેવું છે કે, કોઈ પણ જીવજંતુ અને પ્રાણીના કરડવાને ગંભીરતાથી લેવું જરૂરી છે. તેમાં પણ કૂતરાના કરડ્યા બાદ સારવાર લેવામાં ન આવે તો 20 વર્ષ બાદ પણ તે વ્યક્તિને હડકવાની અસર થઈ શકે છે. જેથી કરીને લોકોએ તુરંત જ સારવાર લેવી જરૂરી છે. આ માટે સરકાર દ્વારા પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. જેથી કરીને લોકોએ હવે જાગૃતિ કેળવવાની જરૂર છે. કારણ કે એક વ્યકિતના મોતથી આખા પરિવારને દુઃખ ભોગવવાનો વારો આવી શકે છે. ડર કરતાં પણ જિંદગી વધારે કિંમતી છે. જેથી ડર ન રાખીને સમયસર સારવાર લેવી જોઈએ.

Facebook Comments Box

Videos

Our Partners