- 29 માર્ચે જ પડદા પાછળ રહી પાર્ટી માટે કામ કરવાની ટ્વિટ સાથે ભરૂચ અને નર્મદાની 7 વિધાનસભા બેઠકોનો પ્રવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી
- રાહ જોઈ જોઈને થાકી ગયો હોવાના ફૈઝલ પટેલના ટ્વિટને લઈ કોંગ્રેસ પણ વિચાર વિમર્શમાં
WatchGujarat. સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ટ્વિટથી કોંગ્રેસ વિચાર વિમર્શ થઈ ગયું છે. ગત 29 માર્ચે જ ફૈઝલ પટેલે કોંગ્રેસમાં પડદા પાછળ રહી પાર્ટી માટે કામ કરવાની વાત કરી હતી. સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લાની વિધાનસભાની 7 બેઠકોનો પ્રવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આજે તેઓએ હું હવે રાહ જોઈ થાકી ગયો છું. શીર્ષ નેતૃત્વ તરફથી કોઈ પ્રતિસાદ મળતો નથી. મેં મારા વિકલ્પો ખુલ્લા રાખ્યા હોવાનું ટ્વિટ કરતા રાજકારણ ગરમાયુ છે.
Tired of waiting around. No encouragement from the top brass. Keeping my options open
— Faisal Patel (@mfaisalpatel) April 5, 2022
કોંગ્રેસના દિવંગત નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ગત 29 માર્ચે એક ટ્વીટમાં કહ્યું હતું કે, 1લી એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો પ્રવાસ કરીશ. મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને અમારું મુખ્ય ધ્યેય સિદ્ધ કરવા માટે જરૂર પડ્યે મોટા ફેરફારો કરશે. ઇશ્વરની ઇચ્છા મુજબ તમામ 7 બેઠકો જીતીશું.
બાદમાં એક મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, હું અત્યારે રાજકારણમાં જોડાઈ રહ્યો નથી અને હજુ સુધી પાર્ટીમાં જોડાવાની ખાતરી નથી. જો કે, ફૈઝલે કહ્યું કે જો તે રાજકારણમાં જોડાય છે, તો તે ચૂંટણીના રાજકારણમાં પ્રવેશી શકશે નહીં પરંતુ પાર્ટી માટે કામ કરશે.
તે ક્યારે પાર્ટીમાં જોડાશે તે અંગેના પ્રશ્નના જવાબમાં ફૈઝલે કહ્યું, તે હાઈકમાન્ડ પર છે. જોકે આજે 5 એપ્રિલે ફૈઝલ પટેલે કરેલી ટ્વિટથી કોંગ્રેસ વિચારતું થઈ ગયું છે. ફૈઝલ એ ટ્વિટમાં લખ્યું છે કે, હું રાહ જોઈ જોઈને હવે થાકી ગયો છું. ઉપલી નેતાગીરી દ્વારા કોઈ પ્રોત્સાહન નથી. મેં મારા વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. હવે તેમની આ ટ્વિટને લઈ તેઓ રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસની જગ્યાએ કોઈ બીજા પક્ષમાંથી કરવાનો ઈશારો આપી રહ્યા છે કે શું તે વાત રાજકીય ચર્ચાનો વિષય બની રહી છે.