• વહેલી સવારે 5 વાગ્યે આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ
  • મંદિરમાં સૂઇ ગયેલા પૂજારી મુન્ના મહારાજને સલામત બહાર કઢાયા
  • પૂજારીનો પરિવાર બાજુના રૂમમાં સૂતો હોવાથી સહી સલામત રીતે બહાર નીકળી ગયો
  • માતાજીની મૂર્તિઓને બાદ કરતા તમામ સામાન બળીને ખાખ


WatchGujarat. વડોદરાના મોટી કોરલ ગામમાં આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ લાગી હતી. જેમાં પૂજારીને ગ્રામજનોએ બચાવ્યા હતા પરંતુ મૂર્તિ સિવાય તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.  પૂજારીનો પરિવાર બાજુના રૂમમાં સૂતો હોવાથી સહી સલામત રીતે બહાર નીકળી ગયો હતો. ભયંકર લાગેલી આગને બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ટીમોએ સતત એક કલાક સુધી પાણી મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકામાં મોટી કોરલ ગામમાં આશાપુરા માતાનું મંદિર આવેલું છે. જ્યાં આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે 5 વાગે આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. આગ લાગતા મંદિરમાં સૂઇ ગયેલા પૂજારી મુન્ના મહારાજ ફસાઇ ગયા હતા. મંદિરની જાળી ન ખુલતા તેઓએ બુમ પાડતા ગામ લોકો દોડી આવ્યા હતા અને મંદિરના મહારાજને જાળી ખોલી બહાર કાઢી બચાવી લીધા હતા. તેમનો પરિવાર મંદિરની બાજુના રૂમમાં સૂઇ ગયો હોવાથી તેઓ આગ લાગતા જ સહીસલામત બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ  ગ્રામ પંચાયતની પાણીની ટેન્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તે સાથે કરજણ અને વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તરત જ ઘટના સ્થળે પહોંચી સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઇ હતી.જો કે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં માતાજીની મૂર્તિઓને બાદ કરતા તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો અને ગામ લોકોને ટોળેટોળા મંદિરે પહોંચી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે  આગના બનાવનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આ બનાવને પગલે કરજણ પોલીસ પણ દોડી ગઇ હતી. આગનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલું આ સુપ્રસિદ્ધ આશાપુરા માતાનું મંદિર વડોદરા જિલ્લા સહિત અનેક જિલ્લામાં વસતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે આવે છે.

Facebook Comments Box

Videos

Our Partners