• એક રીસર્ચ-બેઝ્ડ નવલકથા મૃત્યુંજયનાં પાંચ ભાગની પહેલી શ્રેણી ‘મહા-અસુર’નું વિમોચન.
  • યૂવા લેખક પરખ ભટ્ટ અને રાજ જાવિયા દ્વારા જાપાનની રોશોમોન કથનશૈલીનું અનુસરણ કરી લખાયેલી નવલકથા.

Watch Gujarat. ગુજરાતના યૂવા લેખક પરખ ભટ્ટ અને રાજ જાવિયા દ્વારા ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રિલર નવલકથા મૃત્યુંજય લખવામાં આવી છે. જાપાનની રોશોમોન કથનશૈલીનું અનુસરણ કરીને લખાયેલી તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થયેલી ‘મૃત્યુંજય’ નવલકથા મૂળે પાંચ ભાગની ‘મહા-અસુર’ નવલકથા-શ્રેણીનો પહેલા ભાગનું તાજેતરમાં ડિજિટલ વિમોચન કરવામાં આવ્યું હતું.

લેખક પરખ ભટ્ટે www.watchgujarat.com ને જણાવ્યું હતું કે, ‘મૃત્યુંજય’ નવલકથાનો કથાપ્રવાહ બે ટાઇમલાઇનમાં એકસાથે આગળ વધે છે. સતયુગ અને ૨૧મી સદીના પ્રકરણો વારાફરતી મૂકીને લેખકોએ અહીં બે નરેટિવ ઉભા કર્યા છે, જેમાં એક બાજુ સૃષ્ટિની શરૂઆત, દેવાસુર સંગ્રામ અને કેટલાક અલૌકિક રહસ્યોની વાત કરવામાં આવી છે તો બીજી બાજુ ૨૧મી સદીના પ્રકરણોમાં એક ગૂઢ અને કલ્પનાતીત રહસ્યની ખોજમાં નીકળી પડેલાં યુવકની વાત આલેખવામાં આવી છે.

વધુમાં ઉમેર્યું હતું કે, દુબઈ અને સોમનાથની પૃષ્ઠભૂમિ પર આકાર લેતી ‘મૃત્યુંજય’ એક રીસર્ચ-બેઝ્ડ નવલકથા છે, જેના માટે અમે બંને લેખકોએ દુબઈ અને સોમનાથની વ્યક્તિગત મુલાકાતો લીધી છે. જિમાની ખીણ, અલ-કુસૈસના મકબરા, ઉમ્મ-સુકૈમ સંસ્કૃતિના ખંડિત અવશેષો, દુબઈ મ્યુઝિયમ સહિત દુબઈના અનેક ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો પર જઈને તેના કેટલાક ઓછા જાણીતા તથ્યો આ નવલકથાના માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, વેરાવળ-સોમનાથના કેટલાક મહત્વના સ્થળો જેમકે, સોમનાથ મ્યુઝિયમ, ગીતા મંદિર, ત્રિવેણી સંગમ, ભાલકા તીર્થ, રામ મંદિર, પાંડવ ગુફા, બલરામ ગુફા વગેરેની મુલાકાતો પણ ફિલ્ડ-રીસર્ચ દરમિયાન સામેલ કરવામાં આવી હતી.

પરખ ભટ્ટે જણાવ્યું કે, ‘ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ના હિમાંશુ જોષી, કિશન જોષી અને યશ પરમાર દ્વારા ‘મૃત્યુંજય’નું ૩૬૦-ડિગ્રી માર્કેટિંગ પ્લાન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સાહિત્યજગતમાં સર્વપ્રથમ વખત નવલકથાનું ટ્રેલર સિનેમેટિક સ્તર પર શૂટ કરવામાં આવ્યું હતું. નવી પેઢી અને નવા ગુજરાતી વાચકો સુધી એક માર્મિક તથા અર્થસભર સંદેશો પહોંચાડવા માટે લેખકો દ્વારા લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ૧૧ કર્મકાંડી બ્રાહ્મણોના સંયુક્ત પ્રયાસો થકી પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી આયોજિત કરવામાં આવ્યો હતો.

૧૧ માર્ચ, ૨૦૨૧ (ગુરૂવાર)ના રોજ તેનું સોશિયલ મીડિયા પર ડિજિટલ વિમોચન ટેલિવિઝન અને ગુજરાતી ફિલ્મોના જાણીતાં અભિનેતા ભવ્ય ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. ‘તાલોદય’ ગ્રુપ દ્વારા પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’ અને તબલા જુગલબંધીની અલૌકિક સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન તુષાર જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

કોઈ ગુજરાતી નવલકથા ભારતના અગ્રગણ્ય ‘થોમ્સન પ્રેસ’ ખાતે પ્રિન્ટિંગ માટે મોકલવામાં આવી હોય, તેવી આ પહેલી ઘટના છે. ભારતના અન્ય જાણીતાં પ્રકાશનો (જેમકે વેસ્ટલેન્ડ, પેંગ્વિન, હાર્પર કૉલિન્સ વગેરે) પણ જ્યાં પોતાના પુસ્તકો પ્રિન્ટ કરાવે છે, એવા ‘થોમ્સન પ્રેસ’માં ગુજરાતી પુસ્તક છપાવાની ઘટના ખરેખર ગૌરવપ્રદ ગણી શકાય.

‘નવભારત સાહિત્ય મંદિર’ના અનુભવવૃદ્ધ પ્રકાશક મહેન્દ્ર શાહ, રોનક શાહ અને કૃણાલ શાહ દ્વારા ‘મૃત્યુંજય’ની ૫૦૦૦ પ્રત છાપવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં આવેલા આ નવતર અને અનન્ય ફેરફારને વાચકો તરફથી પ્રચંડ હકારાત્મક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

‘મૃત્યુંજય’ નવલકથા ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ખરીદી શકાશે. તદુપરાંત, આ પુસ્તક હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ આરબ એમિરાટ્સ, કેનેડા, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, સિંગાપોર, કેન્યા વગેરે તમામ મોટા દેશોમાં ડિલીવર થઈ શકશે.

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud