• મહેસાણાના ઇન્દુમતિ બહેનના ફેમસ વડાપાંઉ
  • રણવીરસિંહના કાર્યક્રમ “ધી બિગ પિક્ચર”માં પણ રણવીરને વડાપાંઉ ખવડાવી આવ્યા
  • પતિ અને ત્રણેય દિકરીઓની મદદથી આત્મનિર્ભર બન્યા ઇન્દુમતિ બહેન

WatchGujarat.આજની 21મી સદીની મહિલાઓ એક પણ કામમાં પુરૂષ કરતાં પાછળ નથી. એ પછી કોઇ પણ કામ હોય બિઝનેસ હોય કે નોકરી. એમાંય ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીઓના રગે-રગમાં બિઝનેસ વસે છે એ જગજાહેર છે. માત્ર પુરૂષો જ નહીં પરંતુ સ્ત્રીઓ પણ ખુદનો બિઝનેસ બનાવીને એક આગવું સ્થાન મેળવી રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ મહેસાણામાં જોવા મળ્યું હતુ.

વાત છે મહેસાણાનાં ઇન્દુમતિ બહેનની. કોરોના કાળમાં સૌ કોઇ ઘરે બેઠા હતા. આર્થિક તંગી સર્જાય હતી ત્યારે મહેસાણા ઇન્દુમતિ બહેને એવો રસ્તો શોધી કાઢ્યો કે આજે સૌ કોઇ તેની પ્રશંસા કરી રહ્યા છે. ઇન્દુમતિ બહેને ચિલ્લી એન્ડ ચીઝ નામની ફુડ શોપ ખોલી હતી. આ શોપમાં તેઓ ટેસ્ટી વડા પાઉં બનાવી રહ્યા છે. આ વડા પાઉં બોલીવુડ અભિનેતા રણવીર સિંહ ખાઇ ચૂક્યા છે અને તેઓએ નામ આપ્યુ સિમ્બા વડા પાઉં.

મળતી માહિતી મુજબ ઇન્દુમતિ બહેન પોતાની આવડતથી અભિનેતા રણવીરસિંહનો શો ધ બિગ પિક્ચરમાં પહોંચ્યા હતા. ત્યાં તેઓ અભિનેતા માટે સ્પેશિયલ વડા પાઉં લઇને પહોંચ્યા હતા. રણવીર સિંહે પણ વડા પાઉં ખાઇને ભરપુર પ્રશંસા કરી હતી. મિડીયા સાથે વાતચીત કરતાં ઇન્દુમતિ બહેને જણાવ્યું હતુ કે હું મારા પતિ અને ત્રણેય દિકરીઓની મદદથી આત્મનિર્ભર બની છું. આ શોપ ચલાવવામાં મારા પરિવારનો મહત્વનો ફાળો રહ્યો છે મારી દિકરીઓ મને તમામ કામમાં મદદ કરે છે અને સાથે અભ્યાસ પણ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રણવીર સિંહનો ધ બિગ પિક્ચર શો એક ક્વીઝ શો છે. જેમાં ફોટો જોઇને પ્રશ્નનો જવાબ આપવાનાં હોય છે અને સાચો જવાબ આપનાર ધન રાશિ મેળવે છે . મહેસાણાનાં ઇન્દુમતિ બહેને આ શોમાં ભાગ લઇને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners