• રાજ્યના મુખ્યમંત્રી અને સીફ સેક્રેટરીની વારાફરતી યોજાયેલી બેઠક બાદ કોરોના અંગે આદેશ કરાયા
  • વિદેશથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ ક્વોરન્ટાઈનના નિયમનું પાલન કરે તે માટે આરોગ્ય તંત્રની ટીમ સાથે પોલીસ પણ મોનિટરીંગ કરશે
  • પ્રવાસીઓને ક્વોરન્ટાઈન કરમિયાન દર બીજા દિવસે RT-PCR કરવા માટે રાજ્ય સરકારનો આદેશ
  • આગામી 10 થી 12 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ સમિટને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે

WatchGujarat. રાજ્યમાં મંગળવારે કોવિડ-19ના 394 કેસ નોંધાયા હતા. કોરોનાના દૈનિક કેસ બમણા થતા ગુજરાત સરકારે કોરોનાના ફેલાવાની ગતિને અવરોધવા વધુ કડક નવા નિયંત્રણો લાદવાની તૈયારી કરી છે. જેને પગલે ગત રોજ રાજ્ય સરકારે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અંગે મહત્વની નિર્ણયો કર્યા હતા. આ નિર્ણય મુજબ હવે ક્વોરન્ટીનના નિયમોનો ભંગ કરનારાઓ પર પોલીસ નજર રાખશે. પોલીસને કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લેતા રહેવાની સૂચનાઓ અપાઈ છે.

કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટને પગલે ભારત સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને એરપોર્ટ પર તત્કાળ થતા RT-PCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારપછીના સળંગ 7 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવા ગાઈડલાઈન જાહેર કરી છે. ક્વોરન્ટાઈનના આ 7 દિવસમાં ચોથા અને આઠમા દિવસે ફરી RT-PCR ટેસ્ટ કરવાનો નિયમ છે. પરંતુ ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય તંત્રને ક્વોરન્ટાઈન દરમિયાન એક દિવસ છોડીને બીજા દિવસે RT-PCR કરવા આદેશ કર્યો છે.

રાજ્ય સરકારે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અંગે કરેલા આદેશ અનુસાર હવે 7 દિવસના ક્વોરન્ટાઈનના નિયમોનો ભંગ કરનાર વિદેશથી આવેલા પ્રવાસીઓ પર પોલીસ નજર રાખશે. જો પ્રવાસીઓ 7 દિવસના ક્વોરન્ટાઈનના નિયમનું પાલન કરતા ન હોય તો સ્થાનિક સ્તરેથી આરોગ્ય તંત્રની ટીમ સાથે પોલીસ મોકલી મોનિટરીંગ કરવા સરકારે આદેશ કર્યા છે. જેથી કોવિડ-19ના ફેલાવાની ગતિને અવરોધી શકાય. નોંધનીય છે કે ગત સોમવારે આરોગ્ય વિભાગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્યાર બાદ મંગળવારે જિલ્લા તંત્ર સાથે ચીફ સેક્રેટરી પંકજકુમારની બેઠક યોજાઈ હતી. જે બાદ ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત આદેશ આપવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 15થી 18 વર્ષના 30 લાખથી વધુ કિશોરોને આગામી 3 જાન્યુઆરી, 2022થી કોવિડ-19 સામેની રસી આપવામાં આવનાર છે. આ ઉપરાંત 10 જાન્યુઆરીથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના 39 હજાર સિનિયર સિટિઝનને બુસ્ટરડોઝ પણ આપવામાં આવશે. મહત્વનું છે કે આ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોનાવિરોધી વધુ બે રસીને મંજૂરી આપી છે. જેમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઈઝેશન (CDSCO) એ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવેક્સિન અને બાયોલોજિકલ E કંપનીના કોર્બેવેક્સ રસીને શરતોને આધીન મંજૂરી આપી છે. જ્યારે કોરોનાની એન્ટી-વાઈરલ દવા મોલનુપિરાવિરને પણ ઇમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે.

વાઈબ્રન્ટ સમિટ-2022માં મહત્વના ફેરફાર થઈ શકે છે

મીડિયા અહેવાલ અનુસાર આગામી 48 કલાકમાં રાજ્ય સરકાર કોરોના સંક્રમણને અટકાવવા માટે મહત્વના નિર્ણયો લઈ શકે છે. જેમાં આગામી 10 થી 12 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં પણ ફેરફાર કરાશે. મીડિયા રિપોર્ટ અનુસાર વાઈબ્રન્ટ સમિટનું વર્ચ્યુઅલ સ્વરૂપ તૈયાર કરી દેવાયું છે, જેની દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ સત્તાવાર જાહેરાત કરાશે. બુધવારે કેબિનેટની બેઠકમાં કોવિડ-19ના ફેલાવાની સમિક્ષા બાદ ગુરુવારે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સેક્રેટરીઓની બેઠકમાં વાઈબ્રન્ટ સમિટના વર્ચ્યુઅલ સ્વરૂપ અંગે દિલ્હી સ્થિત PMO ને રિપોર્ટ મોકલાશે. જેના આધારે જાન્યુઆરીના આરંભે નિર્ણય લેવાશે.

આ ઉપરાંચ રાજ્યના આઠ મહાનગરોમાં જાહેર કરેલા રાત્રિ કરફ્યુના સમયગાળામાં બે કલાકનો વધારો થઈ શકે તેવી શક્યતા છે. 31 ડિસેમ્બરથી કરફ્યુની મુદ્દત વધતા સૌથી પહેલા તો ન્યુઅર સેલિબ્રેશન ઉપર રોક લાગ શકે છે. આ ઉપરાંત સામાજીક, ધાર્મિક અને રાજકિય સહિતના મેળાવડા-કાર્યક્રમો ઉપર પણ સરકાર નિયંત્રણો લાદશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આગામી 48 કલાકમાં આ અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud