• આમોદની ડિસેન્ટ હોટલ નજીક એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રસ્તો ફરી જામ થયો
  • બસમાં સવાર 48 મુસાફરો પૈકી 10 થી વધુને નાની મોટી ઇજા, જાનહાની ટળી
  • ટ્રક ચાલકે રોંગ સાઈડમાં ધસી આવી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

WatchGujarat. જંબુસર ડેપોમાંથી ભરૂચ આવવા નીકળતી એસ.ટી. બસોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ ચાલુ બસે ટાયર નીકળ્યા બાદ આમોદ નજીક રોંગ સાઇડ આવતી ટ્રકે બસને અડફેટે લઈ લીધી હતી. જેમાં બસમાં સવાર 48 પૈકી 10 થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

ભરુચ-જંબુસર માર્ગ ઉપર આમોદની ડિસન્ટ હોટલ નજીક એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં સવાર 48 પૈકી 10 થી વધુ મુસાફરોને ઘવાતા ચક્કાજામ વચ્ચે 108 એમ્બ્યુલન્સ દોડતી થઈ ગઈ હતી. પોલીસે પણ દોડી આવી ટ્રાફિકને ખુલ્લો ર્ક્યો હતો. જંબુસર તાલુકાનાં ટંકારી બંદર ખાતે રહેતા ઉદેસંગ ભગાભાઈ પરમાર જંબુસર એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જેઓ સાંજે કંડકટર સરતાનસિંહ સોલંકી સાથે એસ.ટી.બસ નંબર-જી.જે.18.ઝેડ.4111 લઈ જંબુસર ડેપોમાંથી 48 મુસાફરોને બેસાડી ભરુચ ખાતે આવી રહ્યા હતા.

દરમિયાન આમોદની ડિસન્ટ હોટલ નજીક રોંગ સાઈડમાં ધસી આવી ટ્રક નંબર-જી.જે.16.એ.યુ.6909ના ચાલકે બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસ અને ટ્રકના આગળના ભાગના ફુરચે ફુરચા નીકળી ગયા હતા. અને બસમાં સવાર મુસાફરોએ બુમરાણ મચાવી દીધી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 48 પૈકી 10 મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ 108 અને પોલીસને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને આમોદ ખાતે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud