• રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા કુંવરજી બાવળિયાને ભુપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન મળ્યું નથી
  • મંત્રીપદ ગયા બાદ હવે કુંવરજી બાવળિયા આક્રમક મૂડમાં આવી ગયા
  • જિલ્લાની ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં બાવળિયાએ 50થી વધુ પ્રશ્નો પૂછ્યા
  • કુંવરજી બાવળિયાએ સરકાર સામે જ બાંયો ચડાવી, પોતાના વિસ્તારના વિપક્ષ જેવા પ્રશ્નો ઉઠાવ્યા

WatchGujarat. રાજ્ય સરકારમાંથી મંત્રીપદ ગુમાવ્યા બાદ કુંવરજી બાવળિયા પોતાના જૂના તેવરમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે રાજકોટમાં યોજાયેલી ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં તેઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં તેમણે એક સાથે જનતાના 50 થી વધુ પ્રશ્નોનો આ બેઠકમાં મારો કર્યો હતો. જેના પરથી તેમણે સરકાર સામે જ બાંયો ચડાવી હોય તેવા તેવર જોવા મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી હતા. પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં હવે તેઓ સરકાર સામે રોષ ઠાલવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મંત્રીપદ ગયા બાદ કુંવરજી બાવળિયા સરકાર સામે જ બાંયો ચડાવી હોય તેવા તેવર જોવા મળી રહ્યા છે. આજે રાજકોટ ખાતે યોજાયેલી જિલ્લાની ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં 50 થી વધુ પ્રશ્ન પૂછ્યા હતા. તેમણે પોતાના વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોને લઈ સરકારની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે.

50 સવાલોની કુંવરજી બાવળિયાએ કરી ભરમાર

  • વીંછીયા તાલુકામાં રોડ રસ્તા ખરાબ છે, આ કામ કેમ અધવચ્ચે મૂકી દેવાયું?
  • આટકોટ આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉડ વોલ ન હોવાથી દબાણ વધી રહ્યું છે.
  • પ્રધાનમંત્રી આવસ યોજનાનો લાભ લેવા પાત્રતા છતાં રાવળા હક્કમાં તેમનું નામ ન ચઢવાથી લાભ નથી મળતો. તેનું શું કારણ?
  • વીંછિયા અને જનડા ગામે રમતગમતના મેદાનને લઈને પણ તેમણે પ્રશ્ન કર્યો કે ગ્રામપંચાયતનો ઠરાવ પણ થયો છે ઉકેલ કેમ નથી આવતો?
  • વીંછિયા ગામે ગામતળ નીમ કરી જરૂરિયાતમંદોને પ્લોટ કેમ નથી અપાતા?

આ સાથે કુંવરજી બાવળિયાએ ઘણા જનતાના પ્રશ્નો પૂછ્યા હતા. મહત્વનું છે કે તેઓ આ પહેલા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા ત્યારે પણ આવા જ તેવર જોવા મળતા હતા. ઉપરાંત ફરિયાદ સંકલનની બેઠકમાં પ્રશ્નો લાવીને અધિકારીઓને ખખડાવી નાખતા હતા. પરંતુ ભાજપમાં સ્થાન મળ્યા બાદ કુંવરજી બાવળિયાના આ તેવર ખાસ જોવા મળતા ન હતા. જો કે મંત્રીપદ ગુમાવ્યા બાદ બાવળિયા ફરી જૂના મૂડમાં આવ્યા છે. જેનો એક નમૂનો આજે જિલ્લાની ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં જોવા મળ્યો હતો. તેમણે પોતાના વિસ્તારના વિપક્ષ જેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. નોંધનીય છે રાજકોટમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. ત્યારે કુંવરજી બાવળિયાના આવા તેવર તેનો પૂરાવો આપે છે.

Facebook Comments Box

Videos

Our Partners