• ગઈકાલ મોડી રાત્રે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે ઇકો કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડથી આશરે પચાસેક ફૂટ દૂર આવેલ એક કૂવામાં કાર પડી ગઈ
  • ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા
  • પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ પરિવારના મોભી રતિભાઈ, પુત્ર દિનેશભાઈ પ્રજાપતિ આગળના ભાગે બેઠેલા હોય તેઓ કાર બહાર નીકળી ગયા

WatchGujarat. વાંકાનેર તાલુકાના કણકોટ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કાર ચાલકને ઝોકું આવી જતાં કાર કૂવામાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે મહિલાઓ અને બે બાળકો સહિત એક જ પરિવારનાં 4 લોકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદનો એક પરિવાર દિવાળીનાં તહેવારો નિમિતે ફરવા નીકળ્યો હતો. ત્યારે મોડી રાત્રે કોણકોટ પાસે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગત અનુસાર ગઈકાલ મોડી રાત્રે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે રાજકોટ જવાના ખોરાણાવાળા શોર્ટ રસ્તા પર ફૂલ સ્પીડમાં આવતી ઇકો કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડથી આશરે પચાસેક ફૂટ દૂર આવેલ એક કૂવામાં કાર પડી ગઈ હતી. જોકે ડ્રાઇવર કૂદકો મારી નીકળી ગયો હતો, જ્યારે કારમાં સવાર બે પુરુષ પણ બચી ગયા છે. તેઓ કુવામાં આવેલ કડ પર ચડી ગયા હતા અને લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. પરંતુ બે બાળક સહિત બે મહિલાઓ સાથે કાર કૂવામાં પડી હતી. તેમજ કૂવામાં પાણી વધારે હોવાથી કારની સાથે પાણીમાં ડૂબી જતા ચારેયનાં મોત નિપજ્યા હતા.

આ ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાજકોટ ફાયર તેમની ટીમ સાથે આવી ગયું હતું. ફાયર ફાઈટરે લાઈટ કરી અને પ્રકાશ કર્યા બાદ પાણીમાં ડૂબી ગયેલી કારને બહાર કાઢી હતી. ફાયરની ટીમે કૂવામાંથી બહાર કાઢેલી ગાડીમાં બે બાળકો અને બે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમાં લગભગ કલાકથી વધુ સમય પસાર થઈ જતા બે બાળકો અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. હાલમાં મૃતદેહોને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ પરિવારના મોભી રતિભાઈ, પુત્ર દિનેશભાઈ પ્રજાપતિ આગળના ભાગે બેઠેલા હોય તેઓ કાર બહાર નીકળી ગયા હતા. પરંતુ પાછળનો દરવાજા નહીં ખુલતા રતિભાઈના 60 વર્ષીય પત્ની મંજુલાબેન, 43 વર્ષીય પુત્રવધૂ મીનાબેન, અને બે પૌત્ર 16 વર્ષીય આદિત્ય અને 7 વર્ષીય ઓમનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud