• રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટી કોન્ફરન્સ સુરત ખાતે યોજાશે
  • દેશના 100 સ્માર્ટ સીટીના સીઈઓની હાજરીમાં યોજાનારી આ કોન્ફરન્સ પ્લાસ્ટિક ફ્રી જાહેર કરાઈ
  • 400થી વધુ ડેલીગેટસને કોન્ફરન્સ સ્થળે લઈ જવા માટે ઈલેક્ટ્રીક બસનો ઉપયોગ થશે
  • સુરતની વિવિધ સિદ્ધીઓ આ કોન્ફરન્સમાં દર્શાવવામાં આવશે- સુરત મનપા કમિશનર

WatchGujarat. રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટી કોન્ફરન્સ સુરત ખાતે યોજાનાર છે. ત્યારે દેશના 100 સ્માર્ટ સીટીના સીઈઓની હાજરીમાં 18 થી 20 એપ્રીલ દરમિયાન યોજાનારી સ્માર્ટ સીટી કોન્ફરન્સ પ્લાસ્ટીક ફ્રી જાહેર કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર આ કોન્ફરન્સમાં દેશભરના 400થી વધુ ડેલીગેટસ આવશે. આ વિશે વાત કરતાં સુરત મનપા કમિશનરે મીડિયાને જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં સુરતની વિવિધ સિદ્ધીઓ દર્શાવવામાં આવશે.

તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટી કોન્ફરન્સને લઈને જાહેરાત કરવામાં આવી હતી. આ વિશે મીડિયા સાથે વાત કરતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરની સ્માર્ટ સીટી કોન્ફરન્સ સરસાણા કન્વેન્સન સેન્ટર ખાતે યોજાશે. આ સ્થળને પ્લાસ્ટીક ફ્રી જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થળની આસપાસના વિસ્તારને નોન મોટરાઈઝ ઝોન બનશે.  આ કોન્ફરન્સમાં પાંચ થીમ રાખી છે. એટલું જ નહીં દેશભરના 400થી વધુ ડેલીગેટસને કોન્ફરન્સ સ્થળ સુધી લઈ જવા માટે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા માટે અહિંયા મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે મેટ્રોની કામગીરી અંગે વાત કરતાં પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, મેટ્રોની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ટુક સમયમાં ટનલની કામગીરી શરૂ કરવામાં આવશે. મેટ્રો પ્રોજેક્ટ માટે અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવવા માટે જરૂરી મશીનરીઓ આવી ગઈ છે. એજન્સીઓને ચોમાસા પહેલા કામગીરી શરૂ કરવા તાકીદ કરવામાં આવી છે. મેટ્રોના પહેલા ફેઝમાં 2566 પાઈલ પૈકી 367 પાઈલ ઉભી થઈ ગઈ છે. મેટ્રો માટે 72 હેક્ટર જગ્યા સંપાદન કરવાની આવશ્યક્તા હતી જે પૈકી 68 હેક્ટર સંપાદન થઈ ગઈ છે.

મહત્વનું છે કે આ સ્માર્ટ સીટી કોન્ફરન્સમાં સુરતની વિવિધ સિદ્ધીઓ પણ દર્શાવવામાં આવશે. જેના વિશે કમિશનર પાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી આવક મેળવવામાં સુરત અગ્રેસર છે. આપણી જરૂરીયાતની 35 ટકા વીજળી રીન્યુએબલ એનર્જીથી પેદા કરવામાં આવે છે. પે એન્ડ પાર્કની સાથે બ્યુટિફિકેશન, કિલ્લાનું રેસ્ટોરેશન, 75 કિલોમીટર લંબાઈમાં સાઈકલ ટ્રેક, ગ્રીન વે અને વોક વે સહિતની ખાસિયતો સ્માર્ટ સીટી કોન્ફરન્સમાં રજુ કરવામાં આવશે. મહેમાનોને શહેરના વિવિધ સ્થળો સાઈટ વિઝીટ કરાવવામાં આવશે. ચોકબજારનો કિલ્લો, કેનાલ કોરીડોર, ડુમસ વોક વે, સુરત આઈલેબ, ડાયમંડ બુર્સ, બાયો ડાઈવર્સીટી પાર્ક, ખાડી ડેવલપમેન્ટ સહિતના પ્રોજેક્ટની મુલાકાત કરાવવામાં આવશે. જેથી સુરતમાં યોજાનાર સ્માર્ટ સિટી કોન્ફરન્સ દેશને પ્રેરણા આપશે.

Facebook Comments Box

Videos

Our Partners