• ન્યારા પેટ્રોલપંપ ખાતે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
  • પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને લીધે આ યુવાનનો જીવ બચવાની સાથે મોટી દુર્ઘટના ટળી
  • થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હોવાનો યુવકનો દાવો
  • યુવકની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. રૈયારોડ પરનાં ન્યારા પેટ્રોલપંપ ખાતે મોડી રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને લીધે આ યુવાનનો જીવ બચવાની સાથે મોટી દુર્ઘટના ટળી હતી. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવાનનાં જણાવ્યા મુજબ, તેને થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો. જેને લઈને પોતે આ પગલું ભર્યું હતું. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસે દોડી ગઈ હતી. અને આ યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા તેના લાઈવ વિડીયો સામે આવ્યા છે.

આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોડીરાત્રે મયૂર ભીખાભાઇ સોંદરવા નામનો યુવક જ્વલનશીલ પદાર્થ સાથે આવે છે. અને પેટ્રોલપંપની ઓફિસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબામાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગે છે. જોકે તે માચીસ કાઢીને કાંડી ચાંપે એ પહેલાં પેટ્રોલપંપનો સ્ટાફ તેમજ અન્ય લોકો દોડી આવે છે. દરમિયાન દોડતા-દોડતા એક યુવાનનો પગ લપસતા તે નીચે પટકાયો હતો. છતાં તેણે તરત જ ઉભા થઈને મયુરને કાંડી ચાંપતા રોકી લીધો હતો.

બાદમાં પેટ્રોલપંપમાં કામ કરતો અન્ય સ્ટાફ તેમજ સ્થાનિક લોકોએ આ યુવકને આત્મવિલોપન કરતા રોકી લેતા મોટી દુર્ઘટના થતાં અટકી ગઇ હતી. બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. મયૂર સોંદરવાએ કહ્યું હતું કે, પખવાડિયા પૂર્વે તે પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવ્યા બાદ શૌચક્રિયા માટે ગયો હતો. અને તેને પથરીની બીમારી હોવાથી થોડી વાર લાગતા પેટ્રોલપંપ સંચાલક દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ મથકમાં અરજી આપ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા યુવાને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

જોકે પેટ્રોલપંપના સંચાલક કિરીટભાઈ પટેલનું કહેવું છે કે, આ યુવક શૌચક્રિયા માટે ગયા બાદ વાર લાગવાનું કારણ પૂછતાં પોતે કેશુભાઈ પટેલનાં ભત્રીજાનો પુત્ર હોવાનું જણાવી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેને લઈ સામાન્ય ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ પોલીસ આવતા આ યુવક હોસ્પિટલનું બહાનું બનાવી ત્યાંથી ચાલ્યો ગયો હતો. મે કે મારા કર્મચારીઓએ યુવકને માર માર્યો હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. હાલ તો પોલીસે બંને પક્ષનાં નિવેદન નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners