• ગતવર્ષ કરતાં ચાલુવર્ષે 50 ટકા જેટલા એટલે કે અડધા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વહેંચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું
  • આજરોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેનો પ્રથમ દિવસ હોવાના કારણે રાજકોટ જિલ્લામાં 13 સેન્ટર પૈકી માત્ર 6 સેન્ટર શરૂ કરવામાં આવ્યા
  • મગફળીનાં રિજેક્ટ થવાનો ડર અને બે મહિને પણ રૂપિયા મળશે કે નહીં તેની ચિંતા ખેડુતોમાં જોવા મળી
  • ખેડૂતોને શિયાળુપાક માટે પૈસાની જરૂરિયાત હોવાથી માલ વેચવા લાવતા હોય બજાર શરૂ થતાની સાથે જ ભાવમાં ઘટાડો થયો – અતુલ કમાણી

WatchGujarat. સમગ્ર રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. જે અંતર્ગત રાજકોટનાં જુના માર્કેટિંગ યાર્ડમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ આજરોજ ખરીદી શરૂ થયાનાં પ્રથમ દિવસે એકપણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વેંચવા માટે યાર્ડ ખાતે આવ્યા નહોતા. જેના કારણે જુના માર્કેટિંગ યાર્ડ ખાતે પુરવઠા વિભાગનો સ્ટાફ, પોલીસ અધિકારીઓ તેમજ જવાનો, મામલતદાર તલાટી સહિતનો સ્ટાફ ફ્રી નજરે પડ્યો હતો. જ્યારે કેટલાક મહિલા કર્મચારીઓ ખેડૂતો ન આવવાના કારણે ફોનમાં વ્યસ્ત નજરે પડ્યા હતા. અને પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદીનો ફિયાસ્કો થયો હતો.

રજિસ્ટ્રેશનની વાત કરીએ તો ગતવર્ષ કરતાં ચાલુવર્ષે 50 ટકા જેટલા એટલે કે અડધા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વહેંચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગતવર્ષે 96,900થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રસ દાખવ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે માત્ર 57,500 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજરોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેનો પ્રથમ દિવસ હોવાના કારણે રાજકોટ જિલ્લામાં 13 સેન્ટર પૈકી માત્ર 6 સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. તેમજ પ્રથમ દિવસ હોવાના કારણે સેન્ટર દીઠ માત્ર 10-10 ખેડૂતોને જ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ જાણે કે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવામાં કોઇ રસ ન હોય તેમ એકપણ ખેડૂત જુના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીનું વેંચાણ કરવા આવ્યો નહોતો.

આ અંગે ભારતીય કિસાન સંઘનાં પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને ટેકાનાં ભાવે મગફળી વેંચવા માટે ઘણી-બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં મગફળીનાં રિજેક્ટ થવાનો ડર અને બે મહિને પણ રૂપિયા મળશે કે નહીં તેની ચિંતા સામેલ છે. સાથે જ ખેડૂતોને સરકાર દ્વારા અપાતા ભાવ કરતા વધુ ભાવ ખુલ્લા બજારમાં મળી રહ્યા હોવાથી પણ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચવા ઇચ્છતા નથી. સરકારે જે પ્રમાણે મોંઘવારીમાં વધારો થયો છે તે પ્રમાણે ટેકાના ભાવમાં પણ વધારો કરવો જરૂરી હોવાની સલાહ પણ તેમણે આપી છે.

બીજીતરફ આજે લાભ પાંચમના દિવસથી માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં મગફળી,કપાસ સહિતની જણસીની સારી આવક જોવા મળી હતી. મગફળીની 60,000 ગુણી જ્યારે 25 થી 26 હજાર મણ કપાસની યાર્ડમાં આવક થઈ છે. જેમાં મગફળીના 850 થી 1050 અને કપાસના 1350 થી 1730 સુધીના ભાવ બોલાયા છે. જો કે દિવાળી પહેલા કરતાં હાલ ખેડૂતોને મગફળીમાં 20 થી 30 રૂપિયા ઓછા મળી રહ્યા છે. કપાસમાં 25 થી 26 હજાર મણ આવક છે જેમાં પણ ખેડૂતોને 50 રૂપિયા ઓછા ભાવ એટ્લે કે 1350 થી 1730 સુધીના ભાવ મળી રહયા છે. ખેડૂતોને શિયાળુપાક માટે પૈસાની જરૂરિયાત હોવાથી માલ વેચવા લાવતા હોય બજાર શરૂ થતાની સાથે જ ભાવમાં ઘટાડો થયો હોવાનું બેડી યાર્ડનાં ડિરેક્ટર  અતુલ કમાણીએ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud