• છેલ્લા 5 વર્ષોમાં સમાજના યુવાનોએ પોતાની તાકાત બતાવી છે. અને યુવાનો શું કરી શકે તેનો પરિચય આપી દીધો છે – નરેશ પટેલ
  • સરદારનું માથું શરમથી ઝૂકી જાય તેવું ન કરતા, પાટીદાર વ્યસની ન હોવો જોઈએ – બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનાં અપૂર્વ મુનિ સ્વામી
  • અમારા આંદોલનને ઘણા નિષ્ફળ ગણાવી રહ્યા હતા. મનમાં ફાંકો ન રાખવો કે પાટીદાર સમાજ એક છે – હાર્દિક પટેલ

WatchGujarat. જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનનાં લોકાર્પણને લઈને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ખોડલધામનાં નરેશ પટેલ, હાર્દિક પટેલ સહિત પાટીદાર સમાજનાં અનેક દિગ્ગજ આગેવાનો ઉપરાંત કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરનાં અપૂર્વમુનિ સ્વામી હાજર રહ્યા હતા. આ તકે નરેશ પટેલે ફરી સરપંચથી સાંસદ સુધી પાટીદારનો રાગ આલાપ્યો હતો. તો અપૂર્વમુનિ સ્વામીએ પાટીદારોને ઈંડા-નોનવેજનું સેવન બંધ કરવા અપીલ કરી હતી. જ્યારે હાર્દિક પટેલે સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાની અપીલ કરી હતી. બાકી લાલજી પટેલ, ગીતા પટેલ સહિત અન્ય આગેવાનોએ પાટીદારો પરના કેસ પરત ખેંચવા જરૂરી પ્રયાસો કરવા જણાવ્યું હતું.

ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલે પાટીદાર અનામત આંદોલનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષોમાં સમાજના યુવાનોએ પોતાની તાકાત બતાવી છે. અને યુવાનો શું કરી શકે તેનો પરિચય આપી દીધો છે. વર્ષોથી પાટીદાર સમાજમાં સંગઠનની ખૂબ જરૂર હતી. આજે યુવાનોની મહેનતથી મુખ્ય પાટીદાર સંસ્થાઓના આગેવાનો એક થયા છે. સાથે ફરી સરપંચથી સાંસદ સુધી તમામ પાટીદારો હોય તેવો રાગ આલાપ્યો હતો. અને કહ્યું હતું કે, સરકારી નોકરીઓમાં ઘણાં પાટીદાર દીકરા-દીકરીઓને સ્થાન મળ્યું છે, પરંતુ યોગ્ય સ્થાને તેમને ન બેસાડવામાં આવે તો સમાજના કામ યોગ્ય રીતે નથી થઈ શકતા. આ માટે સરપંચથી સાંસદ સુધી પાટીદારોનું પ્રભુત્વ જરૂરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચી લેવા માટે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ હજુ આ કામ થયું નથી. ત્યારે આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય આવ્યે બતાવી દેવાની હાકલ પણ તેમણે કરી હતી.

આ તકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનાં અપૂર્વ મુનિ સ્વામીએ કહ્યું હતું કે, સરદારનું માથું શરમથી ઝૂકી જાય તેવું ન કરતા. પાટીદાર સમાજના લોકો ઈંડા અને નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો. પાટીદાર વ્યસની ન હોવો જોઈએ. બહું હિંમત કરીને બોલું છું કારણ કે મને ખબર છે કેટલાકને નહીં ગમે. પણ હું BAPS સ્વામિનારાયણનો હિન્દુ સંત છું. તેમણે સવાલ કર્યા કે પાટીદારો ઈંડાની લારીઓ પર કેમ ઉભા રહેવા માંડ્યા છે? પાટીદાર માંસ કેમ ખાય છે? સરદાર ખાતા હતા? જય સરદાર ખાલી બોલો નહીં, શાકાહારી બનો તો પાવર જનરેટ થશે.

હાર્દિક પટેલે કહ્યુ હતું કે, અમારા આંદોલનને ઘણા નિષ્ફળ ગણાવી રહ્યા હતા. મનમાં ફાંકો ન રાખવો કે પાટીદાર સમાજ એક છે. એક જ ગ્રાઉન્ડમાં એકત્ર થાય એ સંગઠન નથી. પરંતુ પાટીદારોએ સામાજિક ઉપરાંત રાજકીય રીતે સંગઠિત થવાની જરૂર છે. આ ઉપરાંત લાલજી પટેલ, ગીતાબેન પટેલ તેમજ દિનેશ બાંભણીયા સહિતનાં આગેવાનોએ પાટીદારો ઉપરનાં કેસો પરત ખેંચવા માટે અનેક રજૂઆતો થઈ હોવાનું કહી અત્યાર સુધી આ કામ નહીં થવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને આગામી દિવસોમાં આ માટેના તમામ જરૂરી પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં આંદોલનમાં શહીદ થયેલા 14 પાટીદાર વીરોના સ્મારકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners