• પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ પઢીયાર હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો
  • ગઈકાલે બાઈક પાર્ક કરવાની બાબતે તેને બે સગીરો સાથે બોલાચાલી થઈ
  • ઉશ્કેરાયેલા સગીરોએ પોતાની પાસે રહેલી છરી કાઢી બે ઘા ઝીંકી દેતા પરાક્રમસિંહ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા

WatchGujarat. શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વાહન પાર્કિંગ જેવી નજીવી બાબતે છરીનાં ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મૃતકની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બે સગીરોએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે આ પૈકી એકને પોલીસે સકંજામાં લીધો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેરના કોઠારિયા રોડ પર બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં ક્ષત્રિય યુવાનની હત્યા કરવામાં આવી હતી. મૃતક પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ પઢીયાર હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. ગઈકાલે બાઈક પાર્ક કરવાની બાબતે તેને બે સગીરો સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા સગીરોએ પોતાની પાસે રહેલી છરી કાઢી બે ઘા ઝીંકી દેતા પરાક્રમસિંહ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા.

મૃતક પરાક્રમસિંહના ભાઈએ જણાવ્યું હતું કે, મારો ભાઈ કારખાનેથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રણુજા મંદિર પાસે તે મેડિકલ પાસે પોતાનું બાઈક પાર્ક કરી રહ્યો હતો. તે સમયે બાઈકનું હેન્ડલ અડી જવા મુદ્દે બે જેટલા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન બે જેટલા શખ્સોએ ઉશ્કેરાઈ જતા તેમણે મારા ભાઈને છરીના તિક્ષણ ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

બનાવની જાણ થતાં દોડી ગયેલી આજીડેમ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ આ બંને આરોપી સગીર હોવાનું જાણવા મળ્યું છે. બે પૈકી એક આરોપી હાલ બોર્ડની એક્ઝામ આપી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આજીડેમ પોલીસ દ્વારા હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બે પૈકી એકને સકંજામાં લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners