• એક સમયનાં સીએમનાં હાથમાંથી હોમટાઉન પણ સરક્યુ હોવાનો ગણગણાટ ભાજપનાં આંતરિક વર્તુળોમાં સંભળાયો
  • વિજય રૂપાણીનાં સમયમાં જે કોઈ પ્રોજેકટ શરૂ કરાયા છે તેને પૂર્ણ કરવામાં આવશે : સી.આર.પાટીલ
  • પુર્વ સીએમ રૂપાણીની નજીકના જુના જોગીઓનાં મોઢા પડી ગયા, બોધરા પાટીલનો પડછાયો બન્યા
  • સી.આર પાટીલે સામે ચાલીને વજુભાઈ અને નરેશ પટેલને મળી મોટો દાવ ખેલ્યો

કુલીન પારેખ. શહેરમાં જૂથવાદનાં ઉકળતા ચરું વચ્ચે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગઈકાલે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અને માત્ર એક જ દિવસમાં પાટીલે ત્રણેક કાર્યક્રમો ઉપરાંત નરેશ પટેલ તેમજ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું હતું. રાજકોટમાં ભાજપનાં નાનામાં નાના કાર્યક્રમમાં હંમેશા અગ્રેસર રહેતા અને વિજય રૂપાણી રાજમાં સુપર સીએમ ગણાતા નીતિન ભારદ્વાજ આ તકે ડોકાયા નહોતા. જ્યારે હોમટાઉન ખાતે પાર્ટી અધ્યક્ષનાં આગમન સમયે રૂપાણી અચાનક જ બહાર ચાલ્યા ગયા હતા. પરંતુ આ બંને દિગ્ગજોની ગેરહાજરી છતાં પણ પાટીલ તેનો પરચો બતાવવામાં સફળ રહ્યા હતા. અને પાટીલ પાવરમાં રૂપાણી તણાઈ ગયા હોવાનો ઘાટ ઘડાયો હતો. જેને લઈ એક સમયનાં સીએમનાં હાથમાંથી હોમટાઉન પણ સરક્યુ હોવાનો ગણગણાટ ભાજપનાં આંતરિક વર્તુળોમાં સંભળાયો હતો. બીજીતરફ પાટીલની મુલાકાત દરમિયાન સાંસદ રામ મોકરીયા અને ધારાસભ્ય ગોવિંદ પટેલનું કદ વધ્યું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

વિજયભાઈ નહીં હોવા છતાં રાજકોટનાં વિકાસકામો નહીં અટકે : પાટીલ

પાટીલની હાજરીમાં ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે શહેરનાં ઉદ્યોગકારો સાથે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં પાટીલે જણાવ્યું હતું કે, રૂપાણીનાં સમયમાં જે કોઈ પ્રોજેકટ શરૂ કરાયા છે તેને પૂર્ણ કરવામાં આવશે. એઇમ્સ સહિતનાં રાજકોટનાં વિકાસનાં તમામ કામો માટે જરૂરી ગ્રાન્ટ સહિતની મદદ નવી સરકાર દ્વારા પુરી પાડવામાં આવનાર હોવાની ખાતરી પણ તેમણે આપી હતી. અને વિજય રૂપાણી વિના પણ બધું ચાલશે તેવો આડકતરો ઈશારો કર્યો હતો.

રૂપાણીની નજીકના જુના જોગીઓનાં મોઢા પડી ગયા, બોધરા પાટીલનો પડછાયો બન્યા

રાજકોટમાં યોજાયેલા પાટીલનાં તમામ કાર્યક્રમોની અણધારી સફળતા જોઈ રૂપાણીની અત્યંત નજીકનાં ગણાતા જુના જોગીઓનાં મોઢા પડી ગયા હતાં. જોકે પાટીલ પાવરને લઈને તેઓ દેખાવ ખાતર હસતા જોવા મળ્યા હતા. બીજીતરફ પૂર્વ મંત્રી બાવળીયાની સાથે સતત વિવાદમાં રહેલા બોધરા પાટીલનો પડછાયો બની સાથે રહ્યા હતા. જેને લઈને આગામી ચૂંટણીમાં બોધરા બાવળીયાનું પત્તુ કાપશે તેવો ગણગણાટ કાર્યકરોમાં સંભળાયો હતો. ઉલ્લેખનીય છે કે, જસદણમાં બોધરા અને બાવળીયાની આંતરિક લડાઈ અગાઉ અનેકવાર ચર્ચાનો વિષય બની ચુકી છે. પણ પાટીલની હાજરીમાં બોધરાનું કદ વધ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.

વજુભાઈ અને નરેશ પટેલને સામે ચાલીને મળી પાટીલે મોટો દાવ ખેલ્યો

પાટીલ કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ અને રાજકોટ ખાતે ભાજપનાં વર્ચસ્વનો પાયો નાખનાર વજુભાઇ વાળાને તેમજ પાટીદાર અગ્રણી અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને સામે ચાલીને મળવા પહોંચ્યા હતા. અને બંનેની સાથે બંધ બારણે બેઠક પણ યોજી હતી. આ દરમિયાન વજુભાઈ સાથે મોકરીયાને પ્રમોટ કરવાની ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે નરેશ પટેલની સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોનું વર્ચસ્વ યથાવત રહે તેવી જ રણનીતિ ઘડવામાં આવશે, તેવી ખાતરી અપાઈ હોવાની માહિતી ભાજપનાં આંતરિક વર્તુળોમાંથી મળી છે. આમ અત્યંત વ્યસ્ત શેડ્યુલ વચ્ચે આ બંને દિગ્ગજો સાથે મુલાકાત કરીને પાટીલે મોટો દાવ ખેલ્યો હતો. અને માત્ર એક જ દિવસની આ મુલાકાતમાં પાટીલ પોતાનો પાવર બતાવવામાં સંપૂર્ણ સફળ રહ્યા હોવાનું કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud