• લગ્નની કંકોત્રી ખોલો તે પહેલા રજવાડી પટારા પર શ્રીનાથજીના દર્શન થાય છે
  • તા. 14  નવેમ્બરે મહેંદી રસમ અને ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે
  • ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થયું

WatchGujarat. આગામી 14 નવેમ્બરે શહેરનાં ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયનાં અતિ જાજરમાન લગ્ન યોજાનાર છે. લગ્નનું આમંત્રણ પાઠવવા માટે અનોખી કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. કુલ 4 કિલો 80 ગ્રામ વજન ધરાવતી  આ કંકોત્રીનો દેખાવ ખજાનાની સંદૂક જેવો છે. કંકોત્રીને રજવાડી લૂક આપવામાં આવ્યો છે. જેમાં 7 કાર્ડમાં 3 દિવસનાં લગ્નનાં કાર્યક્રમોની વિગતો રજૂ કરવામાં આવી છે. રાજસ્થાનનાં જોધપુર ખાતેનાં ઉમેદભવનમાંયોજાનાર આ લગ્ન એટલા ભવ્ય હશે કે, રાજકોટથી 3 ચાર્ટર્ડ પ્લેનમાં 300 આમંત્રિત લોકોની ભવ્ય જાન જોધપુર જશે. જ્યાં હોટેલના 70 રૂમ બુક કરાયા છે.

આ લગ્નની કંકોત્રી ખોલો તે પહેલા રજવાડી પટારા પર શ્રીનાથજીના દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેના પેઈજ રાખવામાં આવ્યા છે. આ કંકોત્રીમાં કાપડ અને ધાતુના ઉપયોગથી લખાણ કરવામાં આવ્યું છે. સાથે જ કંકોત્રીમાં કાજુ, બદામ, કિસમીસ અને ચોકલેટ પણ ભેટ સ્વરૂપે મૂકાયા છે. આ કંકોત્રીનો બાહરી દેખાવ કોઈ ખજાનાની સંદૂક જેવો જ જણાઈ રહ્યો છે. હાલ આ અનોખી કંકોત્રી ઉદ્યોગકારો સહિત લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

જાજરમાન લગ્નનાં કાર્યક્રમોની વાત કરીએ તો તા. 14  નવેમ્બરે મહેંદી રસમ અને ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે. આ દિવસે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ પણ આપશે. તો 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવનાર છે. જ્યારે 16મીએ જાજરમાન લગ્ન યોજાશે. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે.

ઉલ્લેખનીય છે કે, આ ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થયું છે. આ જાજરમાન લગ્ન સમારોહમાં 3 દિવસના ફંક્શન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં તા. 14-15-16 નવેમ્બર માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ બુક કરવામાં આવી છે. ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એક અનોખો અનુભવ છે, અને ત્યાંનું ફૂડ મોંઘુંદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે એનો ચાર્જ 18 હજાર રૂપિયા છે. તો હનિમૂન સ્યૂટનું એક રાતનું ભાડું સાડાસાત લાખ રૂપિયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud