• વડોદરા જિલ્લાના પાદરાથી એક સંઘ પગપાળા દ્વારકા જવા નીકળ્યો, જેમાં 90 પુરુષ અને કેટલીક મહિલાઓ સામેલ હતી
  • મોજ નદીના કાંઠે પુલ પાસે આવેલા કારેશ્વર મહાદેવના મંદિર સામે પહોંચ્યો એક કાર ચાલકે કાબૂ ગુમાવ્યો સંઘમાં ચાલીને જતા લોકોને પાછળથી હડફેટે લીધા
  • અકસ્માતમાં બે મહિલા પદયાત્રીઓનું મોત થયું હતું અને એકને ગંભીર ઇજા પહોંચી

WatchGujarat. ઉપલેટાની મોજ નદીના પુલ પાસે પાછળથી આવતી કાર પગપાળા સંઘ સાથે દ્વારકા જઇ રહેલી ત્રણ મહિલાઓ ઉપર ફરી વળી હતી. જેમાં કૈલાસબેન ચૌહાણ અને કૈલાસબેન ગોહિલ નામની બે મહિલાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક મહિલાને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ ઘટનાની જાણ થતા જ ઉપલેટા પોલીસ દોડી ગઈ હતી. અને મૃતક બે મહિલાના મૃતદેહને પીએમ માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સંઘમાં વડોદરાના પાદરા ગામમાંથી 90 પુરૂષ સહિત કેટલીક મહિલાઓ પગપાળા દ્વારકા માનતા પૂરી કરવા માટે જતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જાણવા મળી રહેલી વિગત મુજબ, વડોદરા જિલ્લાના પાદરાથી એક સંઘ પગપાળા દ્વારકા જવા નીકળ્યો હતો. જેમાં 90 પુરુષ અને કેટલીક મહિલાઓ સામેલ હતી. ગતરાતે પગપાળા સંઘ ધોરાજી તાલુકાના સુપેડી પહોંચ્યો હતો. સુપેડી ગામે રાતવાસો કર્યા બાદ સવારે સંઘ પગપાળા આગળ ચાલતો થયો હતો. દરમિયાન ઉપલેટા-પોરબંદર હાઈવે પર મોજ નદીના કાંઠે પુલ પાસે આવેલા કારેશ્વર મહાદેવના મંદિર સામે પહોંચ્યો હતો. ત્યારે એક કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. અને સંઘમાં ચાલીને જતા લોકોને પાછળથી હડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં બે મહિલા પદયાત્રીઓનું મોત થયું હતું અને એકને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતકોમાં કૈલાસબેન ગોવિંદભાઈ ચૌહાણ અને કૈલાસબેન ભગવાનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બંને ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજીતરફ આ અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud