• નરેશ પટેલ જે રીતે વાત કરે છે તે વાત કરવાનો તેને અધિકાર છે. તેનું કોંગ્રેસમાં સ્વાગત હોવાનું મારા સહિત અમારા નેતાઓ વારંવાર કહી ચુક્યા છે – જગદીશ ઠાકોર
  • ગુજરાતમાં ભાજપનાં શાસનમાં 11 પેપરો ફૂટ્યા, જેને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે
  • પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી બનેલા બાબુભાઈ વાંઝાએ હિન્દી નહીં આવડતું હોવાથી પોતાને એક વર્ષ માટે દૂર કરવામાં આવ્યા હોવાનું કહેતા હાસ્યની છોળો ઉડી

WatchGujarat. કોંગ્રેસનાં સ્થાપના દિવસ નિમિતે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હેમુગઢવી હોલમાં એક મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્મા તેમજ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિત પ્રદેશના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે મીડિયા સાથે થયેલી વાતચીતમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ખોડલધામનાં નરેશ પટેલ માટે કોંગ્રેસનાં દ્વાર ખુલ્લા છે. મુખ્યમંત્રી કોણ તે ચૂંટાયેલા સભ્યો નક્કી કરશે.

જગદીશ ઠાકોરનાં જણાવ્યા અનુસાર, નરેશ પટેલ જે રીતે વાત કરે છે તે વાત કરવાનો તેને અધિકાર છે. તેનું કોંગ્રેસમાં સ્વાગત હોવાનું મારા સહિત અમારા નેતાઓ વારંવાર કહી ચુક્યા છે. જો કે નરેશ પટેલ મુખ્યમંત્રી પદના દાવેદાર હશે કે કેમ તે પૂછવામાં આવતા ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસની પરંપરા અનુસાર ચૂંટાયેલા બધા ધારાસભ્યો મુખ્યમંત્રી નક્કી કરતા હોય છે. તેમજ જો કોંગ્રેસ જીતશે તો આ પ્રમાણે જ આગામી મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે.

આ તકે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનાં શાસનમાં 11 પેપરો ફૂટ્યા છે. જેને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ભાજપનાં રાજમાં લાયકાત વાળાને નોકરી મળતી નથી, અને ભાજપનાં લોકોને નોકરી મળશે તેવું ખુદ પ્રમુખ બોલતા હોવાથી હાલમાં યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મોંઘવારી, ખેડૂતો અને મહિલાઓ સહિતના પ્રશ્નોને લઈને આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. જેના ભાગરૂપે આજે મોક વિધાનસભા યોજવામાં આવી હતી.

મોક વિધાનસભામાં મુખ્યમંત્રી શૈલેષ પરમાર, પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ વાંઝા, શિક્ષણમંત્રી ઋત્વિજ મકવાણા, ગૃહમંત્રી જશવંતસિંહ ભટ્ટી, કૃષિમંત્રી લાખાભાઇ ભરવાડ અને મહેસુલ મંત્રીની ભૂમિકા પ્રવીણ મુસડીયાએ ભજવી હતી. તો બીજીતરફ વિપક્ષ નેતા સી જે ચાવડા, વિપક્ષ ઉપનેતા લલિત વસોયા, વિપક્ષનાં દંડક પુંજા વંશ, અધ્યક્ષ સૂર્યસિંહ ડાભી અને સચિવ તરીકે મહેશ રાજપૂત રહ્યા હતા. આ તકે પેપર લીક કૌભાંડ તેમજ સીએમ સહિત સરકાર બદલવા મામલે ભાજપ પર વિવિધ કટાક્ષ કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી બનેલા બાબુભાઈ વાંઝાએ હિન્દી નહીં આવડતું હોવાથી પોતાને એક વર્ષ માટે દૂર કરવામાં આવ્યા હોવાનું કહેતા હાસ્યની છોળો ઉડી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા આગામી 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના રાજ્યના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. અને સૌરાષ્ટ્ર-કચ્છની જિલ્લા વાઇઝ હોદેદારો સાથે ચિંતન બેઠકો પણ યોજવામાં આવનાર છે. તેમજ આગામી ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી વધુમાં વધુ બેઠકો કઈ રીતે જીતી શકાય તેની રણનીતિ તૈયાર કરવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud