• મારા દિકરાએ જ મને એકવાર કહ્યું હતું કે મમ્મી મને આ ડ્રગ્સની લતમાંથી છોડાવ. બાદમાં હું પોલીસ કમિશ્નર પાસે ગઈ હતી  ક્રિકેટરની માતા
  • મારો દીકરો જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચૂક્યો છે, છેલ્લા કેટલાક સમયથી તે 2500 થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો
  • ગૃહરાજ્યમંત્રીનાં આદેશ બાદ આખરે રાજકોટ પોલીસ ઉંઘમાંથી જાગી અને ગુમ યુવકને શોધવા કામે લાગી છે

WatchGujarat. બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખખાનના પુત્ર આર્યનખાનની ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ થઈ છે. ત્યારથી નશાના વેપારને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં પણ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે. રાજકોટનો એક પૂર્વ ક્રિકેટર અને તેની પત્ની નશાનાં રવાડે ચડી પોતાનું જીવન બરબાદ કરતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે માતાએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા તેમણે પ્રતિષ્ઠિત અખબારનાં માધ્યમથી રજૂઆત કરી હતી. જેને પગલે અખબારની કચેરીએ પોલીસની ટીમ આવી પહોંચી હતી. અને આ ક્રિકેટરની માતાને નિવેદન માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન અન્ય મીડિયા હાઉસનાં પત્રકારો દ્વારા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ થયા છતાં ક્રિકેટરની માતાએ કંઈપણ બોલવાનું ટાળતા આ મામલે સવાલો પણ ઉઠી રહ્યા છે. આ અંગે અહેવાલો પ્રસારિત થતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશો આપ્યા છે.

જાણવા મળી રહેલી વિગત અનુસાર રાજકોટનો એક પૂર્વ ક્રિકેટર નશાનાં રવાડે ચડતા ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આ મામલે ક્રિકેટરની માતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યા મુજબ, મારા દિકરાએ જ મને એકવાર કહ્યું હતું કે મમ્મી મને આ ડ્રગ્સની લતમાંથી છોડાવ. બાદમાં હું પોલીસ કમિશ્નર પાસે ગઈ હતી, પરંતુ તેમની સાથે મુલાકાત થઈ શકી નથી. જો કે આમ છતાં પોલીસને વારંવાર જાણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને હાલ મારો દીકરો એક પત્ર લખીને ઘર છોડીને ચાલ્યો ગયો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારો દીકરો જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે 2500 થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો. આ અંગે પોલીસને રજૂઆત બાદ કોઈ પગલાં તો લેવાયા નથી. પણ આ ડ્રગ્સ માફિયાઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ મને ધમકી આપી રહ્યાં છે. જેને લઈને ડ્રગ્સ માફિયાઓને પોલીસ સાથે જ સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, મારા પુત્રના કહેવા મુજબ પોલીસની ગાડી લઈ માફિયા ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. આ ડ્રગ્સ રેકેટમાં ઉપરથી નીચે સુધી તમામ અધિકારીઓ સંડોવાયેલા છે. મીડિયામાં આ અહેવાલો પ્રસારિત થતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યાં છે.

ગૃહરાજ્યમંત્રીનાં આદેશ બાદ આખરે રાજકોટ પોલીસ ઉંઘમાંથી જાગી છે અને ગુમ યુવકને શોધવા કામે લાગી છે. અને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તપાસના આદેશો આપ્યા છે. અને આ અંગેની તમામ માહિતી મેળવી નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. સુત્રોમાંથી મળી રહેલી વિગત અનુસાર ગુમ થયેલા યુવકનું લોકેશન પોલીસે શોધી કાઢ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. સાથે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે, યુવકના માતા ડાયરેક્ટ મારી સાથે ફોન પર વાતચીત કરી શકે છે. કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી તેમના દ્વારા પણ આપવામાં આવી છે.

પોલીસ કમિશ્નરનાં જણાવ્યા મુજબ, મીડિયા દ્વારા સમગ્ર મામલો સામે આવતા જ તપાસ શરૂ કરવામાં આવી છે. યુવકની માતા પાસેથી વધુ વિગતો લેવામાં આવી રહી છે. સમગ્ર મામલે કોઈપણ પોલીસકર્મીની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવનું નેટવર્ક શોધી કાઢવામાં પોલીસને અમુક કડી હાથ લાગી ચુકી છે. જો કે આ અંગેનો ખુલાસો સમય આવ્યે કરવામાં આવશે. સાથે રજૂઆત કરનાર મહિલાને કોઈપણ અસુરક્ષાની ભાવના ન રહે તેવા સંપૂર્ણ પ્રયાસો પોલીસ કરી રહી હોવાની ખાતરી પણ તેમણે આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud