• પાંચ દિવસ પહેલા હર્ષદ અઘારા નામના એક ખેડૂતને અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવ્યો અને કટ થઈ ગયો
  • હર્ષદભાઈ દ્વારા ફોનમાં નંબર સેવ હોય તો જ વીડિયો કોલ લાગી શકે, સાચું કારણ જણાવો, તેમ કહેતા યુવતી એ મીઠી મીઠી વાતો શરૂ કરી
  • પોતાનું નામ બેબી હોવાનું તેમજ પોતે કુંવારી હોવાનુ કહી હર્ષદને સકંજામાં લીધો
  • ખેડૂત કંઈપણ સમજે તે પહેલાં ત્યાં અન્ય બે શખ્સો પણ આવી પહોંચ્યા

WatchGujarat. શહેરમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ કર્યા બાદ મીઠી-મીઠી વાતો કરી એક યુવતિએ ખેડૂતને પ્રેમજાળમાં ફંસાવ્યો હતો. બાદમાં સાગરીતોની મદદથી તેને ઘરમાં પુરી ઢોર માર મારી દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હતા. બનાવ અંગે ભોગ બનનાર ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, પાંચ દિવસ પહેલા હર્ષદ અઘારા નામના એક ખેડૂતને અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવ્યો અને કટ થઈ ગયો હતો. બાદમાં સામેથી ફોન કરતાં કોઈ યુવતીએ ફોન ઉપાડ્યો હતો અને બહેનપણીને ફોન કરતાં રોંગનંબર લાગી ગયો હોવાનું બહાનું આપ્યું હતું. જોકે હર્ષદભાઈ દ્વારા ફોનમાં નંબર સેવ હોય તો જ વીડિયો કોલ લાગી શકે, સાચું કારણ જણાવો. તેમ કહેતા યુવતી એ મીઠી મીઠી વાતો શરૂ કરી હતી.

વાતચીત દરમિયાન પોતાનું નામ બેબી હોવાનું તેમજ પોતે કુંવારી હોવાનુ કહી હર્ષદને સકંજામાં લીધો હતો. બાદમાં ગત તારીખ 14 ના તેને કુવાડવાથી રાજકોટ મળવા કહ્યું પરંતુ ખેડૂત યુવક કામમાં વ્યસ્ત હોવાથી જઈ શક્યા નહોતા. ત્યારબાદ 15 તારીખે નવાગામની રંગીલા સોસાયટીની સોમનાથ રેસીડેન્સીમાં બપોરનાં સમયે મળવા પહોંચ્યા હતા. જ્યાં યુવતીએ મીઠી-મીઠી વાતો કરી અડપલાં શરૂ કરી દેતા પોતે અવાચક થઈ ગયા હતા.

ખેડૂત કંઈપણ સમજે તે પહેલાં ત્યાં અન્ય બે શખ્સો પણ આવી પહોંચ્યા હતા. અને બંને આ યુવતિ બેબીના કાકા-કાકી હોવાનુ જણાવી પોલીસ ફરિયાદની ધમકી આપી હતી. અને ખેડૂત યુવક ગભરાઈ જતા રૂપિયા 4 લાખની માંગ કરી હતી. જો કે યુવકે 4 લાખ ન હોવાનું કહી કરગરતા રૂ. 1.50 લાખ આપવાનું નક્કી થયું હતું. એટલું જ નહીં મિત્ર પાસેથી આંગડિયા દ્વારા રૂપિયા મંગાવી યુવતિનાં કાકા-કાકીને આપ્યા બાદ ખેડૂતને માંડ મુક્ત કરવામાં આવ્યો હતો.

બાદમાં ખેડૂત હર્ષદને પોતે છેતરાયો હોવાની શંકા જતા યુવકે તેના મિત્ર સાથે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ફરજ પર હાજર પી આઈ એન એન ચુડાસમા દ્વારા પોલીસનાં ચોપડે ચડી ચૂકેલા આરોપીના ફોટા બતાવવામાં આવ્યા હતા. અને તેમાંથી ખેડૂતે ત્રણેયને ઓળખી બતાવ્યાં હતા. જેને પગલે આ પૈકી એક આરોપીને સકંજામાં લઈ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અને અન્ય બંને આરોપી ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners