• કોરોના મહામારી પીડિત નાગરિકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસે 16 ઓગષ્ટથી કોવીડ “ન્યાયયાત્રા” શરૂ કરવામાં આવી હતી
  • 2 અઠવાડિયાના સમયગાળામાં જ 22,000 કરતા વધુ પરિવારોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપવામાં આવી
  • 4 અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષની કોવીડ-19 ન્યાય યાત્રામાં ટોટલ 31,850 પરિવારે ફોર્મ ભરી આપ્યા

WatchGujarat. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. આ તકે શહેરનાં વિરાણી ચોકમાં આવેલ નાગર બોર્ડિંગ ખાતે તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવીડ 19 ન્યાય યાત્રા અંગે વિગતો આપતા તેમણે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. અને કહ્યું હતું કે, સરકારનાં 10,081 સતાવાર કોરોના મોતનાં આંકડાઓ ખોટા છે.  ન્યાય યાત્રાનાં માત્ર 4 સપ્તાહમાં 31 હજાર કરતા વધુનાં ફોર્મ ભરાયા છે. ભાજપની સરકારે પોતાની ભૂલ છુપાવવા ચહેરા બદલ્યા છે, પણ ખરેખર ભાજપે ચરિત્ર બદલવાની જરૂર છે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોવીડ ન્યાયયાત્રામાં મુખ્ય 4 માંગણી છે. જેમાં મૃતકના પરિવારને 4 લાખ વળતર- સરકારી નોકરીમાં મૃત્યુ પામેલ હોય તો તેના ઘરમાંથી 1 સભ્યને નોકરી- ખાનગી હોસ્પિટલ સારવાર ખર્ચ પાછું આપવું અને ગુનાહિત બેદરકારી, અણધડ વહીવટની ન્યાયિક તપાસની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. અને કોરોના મહામારી પીડિત નાગરિકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસે 16 ઓગષ્ટથી કોવીડ “ન્યાયયાત્રા” શરૂ કરવામાં આવી હતી. દરમિયાન 2 અઠવાડિયાના સમયગાળામાં જ 22,000 કરતા વધુ પરિવારોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપવામાં આવી છે.

કોંગ્રેસ પક્ષની જે માંગ છે તે અંગે જે પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે, તે માંગ સરકાર સમક્ષ રજુ કરવા માટે 31,850 કરતા વધુ ફોર્મ મૃતકના પરિવારજનોએ ભરી આપ્યા છે. એનો અર્થ છે કે, ગુજરાત સરકારનાં 10,081 સતાવાર કોરોના દર્દીઓનાં મૃત્યુનાં આંકડા છે તેના કરતા ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર 4 અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષની કોવીડ-19 ન્યાય યાત્રામાં સામે આવી છે. જેમાં ઝોન પ્રમાણે સૌરાષ્ટ્ર ઝોનમાં 11,208, ઉતર ઝોન માં 8,045, મધ્ય ઝોન માં 5,136, દક્ષિણ ઝોન માં 7,461 એમ ટોટલ 31,850 પરિવારે ફોર્મ ભરી આપ્યા છે.

ભાજપ સરકારની ઘોર નિષ્ફળતાના કારણે ગુજરાતની જનતાએ કલ્પી ન શકાય એવું દુઃખ વેઠયું છે. રાજય સરકારના અણધડ વહીવટના કારણે અનેક પરિવારોએ જે યાતના ભોગવી છે, તેના પ્રત્યક્ષ પ્રમાણ પણ ન્યાય યાત્રા દરમિયાન પ્રાપ્ત થયા છે. અને હવે ચુંટણી આવી એટલે હાઈકમાન્ડે ચેહરો બદલાવીને પોતાના અસલ ચરિત્રને છુપાવવાની કોશિશ કરી છે. ચહેરો બદલવાથી, પાપ ધોવાઈ નહિ જાય, 3 લાખ લોકોના મૃત્યુ થયા તે પાછા નહિ આવી જાય. કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગવર્મેન્ટ મેઈડ ડીઝાસ્ટર, સરકારી આંકડા મુજબ 10,081 લોકોના મૃત્યુ થયા છે. બીજીતરફ વ્યવસ્થાનો અભાવ અને તંત્રની ઘોર લાપરવાહીથી રાજ્યનાં 2.81 લાખ જેટલા નાગરિકે જીવ ગુમાવ્યા હોવાનું તાજેતરના હાર્વડના સંશોધનમાં સામે આવ્યું છે. આ સંસ્થાગત હત્યાઓ. પ્રથમ લહેર બાદ આવેલી બીજી લહેરમાં ઓક્સિજન, ખાલી બેડ, રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર, દવાની અછત અને કાળાબજાર, 108 એમ્બ્યુલન્સ માટે લાંબી કતારો લાગી, 48 થી 72 કલાક સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે અને મોત પછી સ્મશાન/કબ્રસ્તાનમાં પણ લાઈનો. સરકારની ગુન્હાહિત બેદરકારી, અણધડ વહીવટ, આયોજનનો અભાવના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને પરિવારના સ્વજનો ગુમાવવા પડ્યા હતા.

આ વૈશ્વિક મહામારીમાં લોકોને રાહત આપવા અને મદદરૂપ થવાને બદલે કોરોના મહામારીમાં માસ્ક, દવા સેનેટાઈઝર, ઇન્જેક્શન સહિતનાં કાળાબજારીયાઓ -સંગ્રહખોરો બેફામ બન્યા હતા. અને સરકારે આપેલા લાઈસન્સ દ્વારા લેબોરેટરી ટેસ્ટીંગમાં મોટા પાયે કમાણી કરી નાણા વસુલાયા હતા. આટલું બધું ઓછું હોય તેમ કોરોના મહામારીના આ કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ એવી ભાજપ સરકારે ગુજરાતનાં લોકોની જિંદગી સાથે ધમણ-૧ ના નામે ગંભીર ખેલ ખેલ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud