• ફાલ્ગુની મનોજભાઈ પ્રતાપભાઇ વાઢેર નામની મહિલાનાં પતિ મનોજ પ્રતાપભાઈ વાઢેરની ગત તા.28ના સવારે 9.30 વાગ્યાના અરસામાં કોઠારિયા સોલવન્ટ ફાટક નજીકથી લાશ મળી
  • મનોજનું મોત રેલ્વે ફાટકથી આગળ ટ્રેન હડફેટે થયું હોવાનું જ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું
  • તા.13ના ફાલ્ગુનીબેન અને તેના નણંદ જયશ્રીબેન તથા ભાઈ મનીષ મનોજની જે જગ્યાએથી મનોજની લાશ મળી હતી ત્યાં પહોંચ્યા
  • પરેશ અકબરીએ પોતાનું નામ હત્યામાં ન આવે તે માટે રાજેશને પોલીસમાં હાજર કરાવી દેવા વધુ 3 લાખની ઓફર કરી હોવાનું પણ સામે આવ્યું

WatchGujarat. કોઠારિયા સોલવન્ટ નજીકથી ગત તા.28ના સવારે 9.30 વાગ્યાના અરસામાં એક યુવકની લાશ મળી હતી. નશાખોર હાલતમાં પડી જવાથી યુવકનું મોત નીપજ્યાનું જે તે સમયે પોલીસ તપાસમાં ખુલતા આ અંગે આજીડેમ પોલીસમાં આકસ્મિક મોત અંગેની નોધ કરવામાં આવી હતી. દરમિયાન ઘટનાસ્થળે ગયેલ મૃતકની પત્ની, બહેન અને સાળાને જાગૃત નાગરિકે વ્યક્તિએ બનાવ હત્યાનો હોવાની વાત કરી હતી. જેના આઘારે આજીડેમ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા નવો ફણગો ફૂટયો હતો. અને આ મર્ડર મિસ્ટ્રીમાં સોપારી આપી હત્યા થયાનો ઘટસ્ફોટ થયો સાથે હત્યા મૃતકની પત્નીના પૂર્વ પતિ સહીત પાંચ શખ્સોએ કરી હોવાનું ખુલ્યું હતું. જેને પગલે પોલીસે તમામ શખ્સોને ઝડપી લીધા છે.

જાણવા મળતી વિગતો મુજબ કોઠારીયા સોલ્વન્ટ નજીક રહેતા ફાલ્ગુની મનોજભાઈ પ્રતાપભાઇ વાઢેર નામની મહિલાનાં પતિ મનોજ પ્રતાપભાઈ વાઢેરની ગત તા.28ના સવારે 9.30 વાગ્યાના અરસામાં કોઠારિયા સોલવન્ટ ફાટક નજીકથી લાશ મળી હતી. મનોજનું મોત રેલ્વે ફાટકથી આગળ ટ્રેન હડફેટે થયું હોવાનું જ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. બાદમાં ગત તા13ના ફાલ્ગુનીબેન અને તેના નણંદ જયશ્રીબેન તથા ભાઈ મનીષ મનોજની જે જગ્યાએથી મનોજની લાશ મળી હતી ત્યાં પહોંચ્યા હતા. જ્યાં અજાણ્યા વ્યક્તિએ મનોજની પથ્થરના ઘા ઝીંકી હત્યા થયાનું જણાવ્યું હતું. જેને પગલે મૃતકની પત્ની ફાલ્ગુનીબેનની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

ત્યારબાદ આજીડેમ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો તપાસમાં લાગી હતી. ક્રાઈમ બ્રાંચે હત્યામાં સંડોવાયેલા ફાલ્ગુનીબેનના પૂર્વ પતિ પરેશ પરસોતમભાઇ અકબરી  તેના મિત્ર વીમલ કીરીટભાઇ બાંભવા અને આ હત્યાની સોપારી લેનાર ભુવા રાજેશ પુંજા પરમાર અને કિશન મનસુખભાઇ જેઠવા, સહિત મેહુલ રામજીભાઇ પારઘી ની ધરપકડ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં પરેશ અકબરીએ પોતાનું નામ હત્યામાં ન આવે તે માટે રાજેશને પોલીસમાં હાજર કરાવી દેવા વધુ 3 લાખની ઓફર કરી હોવાનું પણ સામે આવ્યું છે.

આરોપીની કબૂલાત મુજબ, બનાવના ત્રણ-ચાર દિવસ બાદ મેહુલે કામના પૈસા માંગતા પરેશએ બે લાખની વ્યવસ્થા કરી આપી હતી. અને બીજા દિવસે કિશાન પેટ્રોલ પંપ પાછળ ફાટક પાસે કિશનને કામના રૂપિયા 2લાખ આપ્યા હતા. બાદમાં બનાવ અંગે પરેશ પટેલને પોલીસે બોલાવતા છએક દિવસ પહેલા પરેશે પોતાનુ નામ ન આવે તેના માટે રાજેશ પરમારને પોલીસમાં હાજર કરી દેવા જણાવ્યું હતું. અને તેના રૂપિયા 3 લાખ આપવા તૈયાર થયો હતો. અને બીજા દિવસે પાળ ગામના કાચા રસ્તે મેહુલ તથા કિશનને રોકડા રૂપિયા ત્રણ લાખ આપી પણ દીધા હતા. પણ ક્રાઇમ બ્રાન્ચને હકિકત મળતા રાજેશ પરમારને પુછપરછ અર્થે લઇ જતા ભાંડો ફૂટ્યો હતો.

નોંધનીય છે કે, મનોજ વાઢેરની હત્યામાં ફાલ્ગુનીબેનના પૂર્વ પતિ પરેશની સંડોવણી ખુલી છે. સુત્રોના જણાવ્યા મુજબ મનોજ મજૂરી કામ કરતો હતો. તેમજ સાસુ નર્મદાબેનને છેલ્લા આઠેક વર્ષથી સંધીવાની બીમારી હોય જેથી તે પથારીવશ છે. સાથે મનોજ દારૂ પીવાની ટેવવાળો હોવાથી વારંવાર ફાલ્ગુનીને મારકુટ કરતો હતો. દરમિયાન ફાલ્ગુનીબેને તેના ઘરની સામે કન્ટ્રશનનું કામ કરતા પરેશ અકબરી સાથે વર્ષ 2014માં પરિચય થયો હતો. અને વર્ષ 2017માં નોટરી રૂબરૂ પરેશ સાથે મૈત્રી કરાર કર્યા હતા.

ફાલ્ગુનીએ મનોજ સાથે રાજી ખુશીથી 11 નવેમ્બર 2017નાં રોજ છુટાછેડા લઈ લગ્ન વીચ્છેદનો દસ્તાવેજ રૂ. 100 ના સ્ટેમપ પેપર પર નોટરી રૂબરૂ નોટરી કરીને કર્યો હતો. અને ત્યારબાદ પરેશ અકબરી સાથે મૈત્રી કરારથી રહેતી હતી. જોકે થોડા સમય બાદ સાસુ ઘરે એકલા હોય અને કોઈ તેની સારસંભાળ લેવા વાળુ ન હોવાથી અને સગા સંબંધીના સમજાવવાથી સંતાનને લઈને ફરી વખત ફાલ્ગુની પતિ મનોજ સાથે રહેવા ગઈ હતી. ત્યારથી પરેશને મનોજનો કાંટો કાઢવાનો વિચાર આવ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners