• શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે
  • શહેરમાં સતત વધી રહેલા કોરોનાનાં સંક્રમણને રોકવા જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજાઇ
  • શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે તબીબો સતત હાજર રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવવાનું સૂચન

WatchGujarat. ત્રીજી લહેર શરૂ થઈ હોય તેમ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અને દરરોજ આવતા 40 નવા કેસો સામે ગઈકાલે એક જ દિવસમાં 141 કેસ નોંધાતા મનપા-કલેક્ટર તંત્ર સફાળું જાગ્યું છે. જે અંતર્ગત આજે કલેક્ટર કચેરીએ IMA રાજકોટ પ્રમુખ અતુલ કમાણી સહિતનાં તબીબો સાથે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની એક બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ IMAનાં પ્રેસિડેન્ટ પ્રફુલ કમાણીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર ન સમજે તો વાલીઓ-સંચાલકોએ સમજવું જોઈએ, અને શાળાઓ બંધ કરવી જોઈએ. તબીબ હોવા છતાં પોતે બાળકોને સ્કૂલે નહીં મોકલતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

રાજકોટ IMA પ્રમુખ પ્રફુલ કમાણીનાં કહેવા અનુસાર, શહેરમાં સતત વધી રહેલા કોરોનાનાં સંક્રમણને રોકવા જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવા સહિતના મુદ્દે ચર્ચા કરાઈ છે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે તબીબો સતત હાજર રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવવાનું સૂચન કરાયું છે. આ સાથે ઓક્સિજનની અછત સર્જાય નહીં તેનાં માટે સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ કપરા સંજોગોમાં સ્કૂલોમાં ઓફલાઈન અભ્યાસ ચાલુ રાખવો એ ગંભીર બાબત છે. સરકાર સમજે ન સમજે પણ વાલીઓ અને સંચાલકોએ સમજવું જોઈએ અને બાળકોનાં સંક્રમિત થવાનો ખતરો વધુ હોવાથી શાળાએ મોકલવા જોઈએ નહીં. બાળકો ધરે રહે તેમાં જ તેઓની અને આપણી સલામતી છે. તબીબ હોવા છતાં અમે પણ અમારા બાળકોને સ્કૂલે મોકલતા નથી. જેના પરથી લોકોએ સમજીને જ બાળકોને શાળાએ મોકલવા ન જોઈએ.

ઉલ્લેખનીય છે કે, શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. અને વહીવટી તંત્ર દ્વારા આ માટે પૂરતી તૈયારી હોવાના બણગાઓ પણ ફૂંકવામાં આવી રહ્યા છે. પરંતુ પૂરતી તૈયારીમાં હાલ તંત્ર કદાચ 10 હજાર બેડની વ્યવસ્થા કરી શકશે. પરંતુ જે સ્પીડે પોઝીટીવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તે જોતા પોઝીટીવ કેસની સંખ્યા આ ગતિએ વધે તો 25 હજાર બેડ પણ ઓછા પડે તેવું લાગી રહ્યું છે. તેમાં પણ રસી લીધા વિનાનાં બાળકો માટે ખતરો ઘણો વધુ હોવાથી શાળાઓ બંધ કરવી ખરેખર જરૂરી બની છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud