• રાજય સરકારની સૂચનાથી શહેર અને જિલ્લાઓમાં કોરોના ગાઇડલાઇનના પાલન માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે
  • સિટીબસોમાં સવારે 7 થી9 વાગ્યા સુધી શાળા, કોલેજ અને યુનિ.ઓના રૂટ પર વિદ્યાર્થીઓ બહાર લટકાઇને પણ મુસાફરી કરે છે
  • સિટી – બીઆરટીએસ બસ સિટીની લાઈફ લાઈન છે. લોકો તેનો બહોળી સંખ્યામાં ઉપયોગ કરતા હોય છે – મ્યુ. કમિશ્નર અમિત અરોરા

WatchGujarat. રાજ્યમાં કોરોના અને તેનાં નવા વેરીએન્ટ ઓમીક્રોનનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુનો સમય પણ વધારવામાં આવ્યો છે. મનપા-આરટીઓ અને કલેક્ટર તંત્ર દ્વારા પણ વાહનોનું ચેકીંગ, સ્ક્રીનીંગ અને ટેસ્ટિંગ તેમજ રસીકરણ સહિતનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ મનપાનાં નાક નીચે એટલે કે સિટીબસોમાં જ માસ્ક – સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં બધા નિયમોનો ઉલાળીયો થતો હોવાના વિડીયો સામે આવ્યા છે. આ અંગે મ્યુ. કમિશ્નરને પૂછતાં તેમણે કડક પગલાં લેવાને બદલે પીકઅવરમાં બે બસો વધારવામાં આવી હોવાનો લુલો બચાવ કર્યો હતો.

રાજય સરકારની સૂચનાથી શહેર અને જિલ્લાઓમાં કોરોના ગાઇડલાઇનના પાલન માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં હજુ સીટી બસ જેવા ભીડવાળા પરિવહન સાધનોમાં વિદ્યાર્થી સહિતના મુસાફરો આડેધડ ભરવામાં આવી રહ્યા છે. મનપાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને સિટીબસોનાં એજયુકેશન રૂટ પર કોરોના અને ઓમીક્રોનને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

સિટીબસોમાં સવારે 7 થી9 વાગ્યા સુધી શાળા, કોલેજ અને યુનિ.ઓના રૂટ પર વિદ્યાર્થીઓ બહાર લટકાઇને પણ મુસાફરી કરે છે. નાના ભુલકાઓ પણ હવે બસમાં જઇ રહ્યા છે. ભીડવાળા વાન અને બસ ડિટેઇન કરીને સરકારી તંત્ર બહાદુરી દેખાડે છે. પરંતુ કોર્પો.ની સીટી બસમાં હાલત તેના કરતાં પણ ખરાબ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો હુકમ કરતા કલેકટર તેમજ કમિશ્નરની નજર સામે જ સીટી બસમાં હાઉસફુલ જેવી સ્થિતિનું દરરોજ નિર્માણ થઈ રહ્યું છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.

આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સિટી – બીઆરટીએસ બસ સિટીની લાઈફ લાઈન છે. લોકો તેનો બહોળી સંખ્યામાં ઉપયોગ કરતા હોય છે. ત્યારે મનપા દ્વારા આ માટે કામ કરતી એજન્સીને સૂચના આપી છે કે, મર્યાદા કરતા વધુ પેસેન્જર બેસાડે નહીં. પરંતુ લોકોને પણ ઉતાવળ હોવાથી આવા દ્રશ્યો સર્જાતાં હોય છે. જેને લઈને પીકઅવરમાં શક્ય તેટલી બસો વધારી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલથી જ બીઆરટીએસ રૂટ ઉપર બે બસો વધારવામાં આવી છે. જરૂર પડ્યે સિટીબસોમાં પણ બસની સંખ્યા વધારવામાં આવશે. જોકે બસોમાં થતા નિયમ ભંગ સામે કોઈ કાર્યવાહી કરવાની વાત સુધ્ધાં તેમણે ઉચ્ચારી ન હોતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud