• ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનાં કાર્યકાળ દરમિયાન 10થી વધુ સરકારી ભરતી અંગેના પેપરલીક થયા
  • NSUI દ્વારા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં કરતા અસિત વોરાનાં રાજીનામાની માંગ કરવામાં આવી
  • પોલીસે મંજૂરી વિના થઈ રહેલા આ વિરોધને લઈને NSUI નાં આગેવાનો અને કાર્યકરોની અટકાયત

WatchGujarat. તાજેતરમાં હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળનાં અસિત વોરાની જ ગંભીર બેદરકારી હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી. જો કે રાજ્ય સરકાર દ્વારા અસિત વોરા સામે આ અંગે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજરોજ શહેરનાં કાલાવડ રોડ ખાતે NSUI દ્વારા અસિત વોરાનું પુતળાદહન કરીને સરકાર વોરાને છાવરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે મંજૂરી વિના થઈ રહેલા આ વિરોધને લઈને NSUI નાં આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

NSUI શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકીનાં જણાવ્યા મુજબ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનાં કાર્યકાળ દરમિયાન 10થી વધુ સરકારી ભરતી અંગેના પેપરલીક થયા છે. હાલ રાજ્યમાં બેરોજગારી વધી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ મોંઘાદાટ કલાસીસ કરી સરકારી ભરતી માટેની પરીક્ષાઓ આપી રહ્યા છે. પણ વારંવાર પેપરલીક થવાને કારણે તેમનો સમય ઉપરાંત રૂપિયા બરબાદ થઈ રહ્યા છે. અને આવા વિદ્યાર્થીઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. છતાં સરકાર અસિત વોરા સામે કોઈ કાર્યવાહી નહીં કરીને તેને છાવરી રહી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, NSUI દ્વારા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં કરતા અસિત વોરાનાં રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. અને આ માટે જ વિવિધ સૂત્રોચ્ચાર સાથે અસિત વોરાનું પુતળાદહન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા સરકારને કહેવા માંગીએ છીએ કે, આવા લોકોને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી નિવૃત IAS ની નિમણુંક થવી જોઈએ. જેથી સરકારી ભરતીઓ ન્યાયિક રીતે કરી તેમાં ભ્રષ્ટાચાર અટકાવી શકાય. જો અસિત વોરાનું રાજીનામુ નહીં લેવાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud