• પેડક રોડ પર આવેલા સુપર હાઈટ્સ નામના 14 માળના બિલ્ડીંગની અગાશી પર ગત સાંજે 19 વર્ષનો રાજુભાઈ યાદવ નામનો યુવક આત્મહત્યાનાં નિર્ધાર સાથે પહોંચ્યો
  • દરમિયાન બી-ડીવીઝનના હેડ કોન્સ્ટેબલ રશ્મીનભાઈ પટેલ અને મહેશભાઈ રૂદાતલા ત્યાંથી પેટ્રોલીંગમાં નિકળ્યા
  • યુવકને તેના મિત્ર સાથે વાતોએ વળગાડી જમાદારોએ વીજળીકવેગે તેને પાળી પરથી નીચે ખેંચી લીધો

WatchGujarat. પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત સાબિત કરતી અનેક ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આપઘાત કરવા પહોંચેલા યુવકનો બે હેડ કોન્સ્ટેબલે 14માં માળે પહોંચીને કુનેહપૂર્વક જીવ બચાવ્યો હતો. રાજુભાઇ યાદવ નામના 19વર્ષીય યુવકે તેને જિંદગી બોજારૂપ લાગતી હોવાથી આત્મહત્યા કરવા પ્રેરાયો હોવાનું સ્વીકાર્યું હતું. જો કે બાદમાં યુવક સહિત તેના પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.

આ દિલધડક બનાવની જાણવા મળતી વિગત મુજબ, શહેરના પેડક રોડ પર આવેલા સુપર હાઈટ્સ નામના 14 માળના બિલ્ડીંગની અગાશી પર ગત સાંજે 19 વર્ષનો રાજુભાઈ યાદવ નામનો યુવક આત્મહત્યાનાં નિર્ધાર સાથે પહોંચ્યો હતો. તેને 14માં માળે જોઈને નીચે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. દરમિયાન બી-ડીવીઝનના હેડ કોન્સ્ટેબલ રશ્મીનભાઈ પટેલ અને મહેશભાઈ રૂદાતલા ત્યાંથી પેટ્રોલીંગમાં નિકળ્યા હતા.

સુપર હાઈટ્સ બિલ્ડીંગની નીચે લોકોનું ટોળુ જોઈને ઉપર નજર કરતા બિલ્ડીંગની અગાશી ઉપર એક યુવક પગ લટકાડીને બેઠો હતો. એટલુ જ નહી પાળી ઉપર અવરજવર કરતો હતો. ટોળામાંથી પોલીસને જાણવા મળ્યું કે યુવક આપઘાત કરવા માટે આવ્યો છે. જેથી આ બંને જમાદારો તત્કાળ બિલ્ડીંગના 14 માં માળે પહોંચ્યા હતા. અને યુવકને તેના મિત્ર સાથે વાતોએ વળગાડી વીજળીકવેગે તેને પાળી પરથી નીચે ખેંચી લીધો હતો.

પુછપરછમાં યુવકે પોતાનું નામ રાજ હોવાનું અને જે બિલ્ડીંગ પર ચડયો હતો, તેની નજીક મારૂતીનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોતાની આપવીતી અંગે જણાવતા રાજે કહ્યું કે, તે મુળ યુપીનો વતની છે. બે વર્ષનો હતો ત્યારે માતાનું અવસાન થઈ ગયું હતું. તેના પિતા હાલ અમદાવાદમાં રીક્ષા ચલાવે છે. પિતાએ તેને મારૂતીનગરમાં રહેતા મિત્ર સાથે ત્રણેક વર્ષ પહેલા તેને રહેવા મોકલી દીધો હતો. જ્યાં રહી તે હાલ ચાંદી કામ કરતો હતો. પરંતુ તેને કામ કરવામાં ખુબ જ કંટાળો આવતો હતો.

રાજ મુકતમને જીવન વ્યતિત કરવા ઇચ્છતો હતો. જો કે આ શકય નહી લાગતા આપઘાત કરવા માટે નિકળ્યો હતો. તે પહેલા તેણે પોતે સ્યુસાઈડ કરવા જઈ રહ્યાનો વિડિયો પણ ઉતારીને તેમની સાથે કામ કરતા મિત્રોને મોકલી આપ્યો હતો. બી-ડીવીઝન પોલીસ મથકે તેનું કાઉન્સેલીંગ કર્યા બાદ પોલીસે યુવકને તેના મિત્ર સાથે ચોટીલા મોકલી દીધો હતો. અગાઉ પણ થોડો સમય તે ચોટીલા રહી ચુકયો છે. પોલીસની આ કામગીરી અંગે રાજ અને તેના મિત્ર સહિત પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners