• રાજકોટ ભાજપનું દિવાળી બાદ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું
  • રૂપાણીનું અને પાટીલનું એમ બે સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાવાને લઈને પણ જૂથવાદ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે
  • પુર્વ સીએમ રૂપાણીને મળવા ધારાસભ્ય પહોંચ્યા તો રાજ્યસભા સાંસદ વચ્ચે આવવા જતા ઇશારો કરી બેસાડી દેવાયા

WatchGujarat. શહેરના 150 ફૂટ રિંગરોડ ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના આંતરિક જુથવાદે દેખા દીધી હોય તેવા દ્રશ્યો જોવાયા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પહોંચ્યા હતા. બંને વચ્ચે વાત થતી ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્તા વિજયભાઈ રૂપાણીએ ઈશારો કરીને રામભાઈ મોકરિયાને બેસી જવા કહેતા મામલો નોંધનીય બન્યો હતો. આ સ્નેહમિલનમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાની ગેરહાજરી જોવા મળતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. જોકે વજુભાઈ બહારગામ હોવાની વાત સંભળાઈ હતી. બીજીતરફ આ કાર્યક્રમમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળીયો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ચાલુ કાર્યક્રમમાં નેતાઓ ભાષણ કરી રહ્યા હતા ત્યારે પુરુષ અને મહિલા કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી. જોકે સ્વયંસેવક તરીકે રહેલા કાર્યકરોએ તેઓને અટકાવ્યા હતા અને ફરીથી પોતાની ખુરશી પર બેસી જવા અપીલ કરી હતી. તેમ છતાં અમુક કાર્યકરો માન્યા નહોતા અને ચાલુ સ્નેહમિલનના કાર્યક્રમમાંથી જતા રહ્યા હતા. બીજીતરફ સ્થાનિક દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. જો કે વજુભાઈ બહારગામ હોવાની વાત સામે આવી છે.

આ કાર્યક્રમમાં ભાજપના વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ  મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ  શુક્લ, જીતુ મહેતા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, મેયર ડો.પ્રદીપ ડવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં વિજય રૂપાણી, મોહન કુંડારિયા, ડો.પ્રદીપ ડવ, જૈમન ઉપાધ્યાય સિવાયના તમામ નેતાઓ માસ્ક વિહોણા જોવા મળ્યા હતા. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય લાખા સાગઠિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. એટલું જ નહીં ખુદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ માસ્ક વગર નજરે પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તારીખ 20ના ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાથે બીજા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. છતાં તે પહેલા સંગઠનનું સ્નેહ મિલન ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. જેમાં મહત્તમ સંખ્યા થાય તેવા પણ પ્રયાસો થયા હતા. આમ, રૂપાણીનું અને પાટીલનું એમ બે સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાવાને લઈને પણ જૂથવાદ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners