• નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું
  • દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું
  • સગીરા સણોસરામાં આવેલી મોડલ શાળામાં ધો.12માં અભ્યાસ કરતી હતી

WatchGujarat.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.- 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં પરીક્ષાની ચિંતામાં વિદ્યાર્થીઓનાં આપઘાતનાં બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ચોટીલાના ખેરાણા ગામમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. બોર્ડની પરીક્ષા શરૂ થયાના પ્રથમ દિવસે જ ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેણીનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ચોટીલાના ખેરાણા ગામે રહેતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે તારીખ 28 માર્ચે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને 10 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. સગીરા સણોસરામાં આવેલી મોડલ શાળામાં ધો.12માં અભ્યાસ કરતી હતી. અને એક ભાઈની એકની એક બહેન હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેણીએ ભરેલા આ પગલાંથી માતા અને પિતા સહિત પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

મૃતકનાં પિતાએ જણાવ્યા મુજબ, ગત તારીખ 28 માર્ચના રોજ ધો.-12ની પરીક્ષા શરૂ થઇ હતી. ત્યારે પરીક્ષામાં નાપાસ થવાના ડરે પુત્રીએ ઝેરી દવા પીધી હતી. અને ત્યારબાદ પિતાને કહ્યું હતું કે પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે, જેથી પરિવારે સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. સારવાર દરમિયાન ગઈકાલે મોડીરાત્રે તેણીનું મોત નિપજ્યું છે. અમારા પરિવારની વિદ્યાર્થીઓને અપીલ છે કે, પરીક્ષાનો ડર લાગતો હોય તો પરિવારને જાણ કરો. જીવન કરતા કોઈપણ પરીક્ષા મોટી નથી.

ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલાં ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. જ્યારે ગઈકાલે પ્રિયદર્શીની સોસાયટીમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી સગીરાએ રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી જીવતરનો અંત આણ્યો હતો. જોકે આપઘાતનું કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે તપાસ યથાવત્ રાખી છે. એટલું જ નહીં 2 દિવસ પહેલાં કોલેજિયન યુવતીએ પરીક્ષામાં પેપર નબળું જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આમ માત્ર એક સપ્તાહમાં પરીક્ષાનાં ડરે છાત્રાઓએ આપઘાત કર્યાની ચોથી ઘટના સામે આવી ચૂકી છે.

Facebook Comments Box

Videos

Our Partners