• ચાલુ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ ચૂક્યો છે. અને ગરમીનો પારો અત્યારથી જ 40 ડીગ્રી પાર કરી ચુક્યો છે
  • 2 વર્ષથી કોરોનાને કારણે આ તમામ સ્વિમિંગ પુલોને બંધ કરવાની ફરજ પડી હતી
  • ઉનાળાની સિઝનમાં સ્વિમિંગ કરવા માટે લોકોમાં આકર્ષણ જોવા મળે છે

WatchGujarat. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચ બાદ કોરોનાને લગતા તમામ નિયંત્રણ હટાવી લેવા માટે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાએ પણ આગામી 1 એપ્રિલથી શહેરનાં તમામ સ્વિમિંગ પુલો ખુલ્લા મુકવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેને લઈને બળબળતી ગરમીમાં રંગીલા રાજકોટીયનો હવે સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવાનો આનંદ માણી શકશે. આ અંગે શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

મેયર ડો. પ્રદીપ ડવનાં જણાવ્યા મુજબ, મનપા દ્વારા શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સ્વિમિંગ પુલો છે. જોકે 2 વર્ષથી કોરોનાને કારણે આ તમામ સ્વિમિંગ પુલોને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ માટેના તમામ નિયંત્રણ દૂર કરવામાં આવ્યા છે. ત્યારે આગામી 1 એપ્રિલથી કોર્પોરેશન સંચાલિત આ તમામ સ્વિમિંગ પુલો ખુલ્લા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષથી આ સ્વિમિંગ પુલો બંધ હોવાથી તેનું ક્લિનિંગ પણ થઈ ચૂક્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ખાસ ઉનાળાની સિઝનમાં સ્વિમિંગ કરવા માટે લોકોમાં આકર્ષણ જોવા મળે છે. અને શહેરનાં કાલાવડ રોડ, કોઠારીયા તેમજ રેસકોર્સ સહિતનાં વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પુલોમાં સભ્ય સંખ્યા પણ ખૂબ મોટી છે. જેમાં બાળકોથી લઈ યુવાનો સામેલ છે. તેમજ મહિલાઓ માટેનો અલગ સ્વિમિંગ પુલ પણ હોવાથી વધુમાં વધુ લોકોને આ ફેસિલિટીનો લાભ મળશે. સ્વિમિંગ પુલમાં સોશિયલ ડિસ્ટન્સ તો સ્વાભાવિક રીતે રહેતું હોવાથી કોરોનાનો કોઈ ફેલાવો થવાની શક્યતા નહિવત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ ચૂક્યો છે. અને ગરમીનો પારો અત્યારથી જ 40 ડીગ્રી પાર કરી ચુક્યો છે. અને લોકો ભારે ગરમીથી અકળાઈ રહ્યા છે. ત્યારે સ્વિમિંગ પુલ શરૂ થઇ જવાથી મોટી સંખ્યામાં લોકો તેમાં ધુબાકા લગાવી ગરમીમાંથી રાહત મેળવી શકશે. મહાનગરપાલિકાનાં આ નિર્ણયને લઈને ગરમીથી અકળાયેલા લોકોને હવે મોટી રાહત મળશે તે નિશ્ચિત છે.

Facebook Comments Box

Videos

Our Partners