• ગુજરાતમાં દેશ જ નહીં વિદેશનાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હતા
  • શિક્ષણમંત્રી જ્યારે આવું નિવેદન આપે ત્યારે લાગે છે કે, તેઓ સફળતાથી શિક્ષણ મંત્રાલય નહીં ચલાવી શકતા હોય – સિન્ડિકેટ સભ્ય નિદત બારોટ
  • અહીં બધું ભાંગીને ભુક્કો થઈ ગયું છે. એટલે ઘર અને કુટુંબ ફેરવી નાખો, અહીં બધું પતી ગયું છે – જીતું વાઘાણી, શિક્ષણમંત્રી

WatchGujarat. રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે એક વિવાદિત નિવેદન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, જેને ગુજરાતનું શિક્ષણ પસંદ ન હોય તે સંતાનોનાં લિવિંગ સર્ટીફીકેટ લઈ અન્ય દેશ કે રાજ્યમાં ચાલ્યા જાય. વાઘાણીનાં આ નિવેદન અંગે ઠેર-ઠેર ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે યુનિ.નાં સિન્ડિકેટ સભ્ય અને કોંગી નેતા નિદત બારોટે પણ આ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, વાઘાણી સફળતાપૂર્વક શિક્ષણ ખાતું ચલાવી શકતા નથી. ત્યારે હું વાઘણીને નહીં પરંતુ સી.આર પાટીલને કહીશ કે, ગુજરાતની અસ્મિતા બચાવવા માટે શિક્ષણમંત્રીને સમજ આપો.

નિદત બારોટનાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં દેશ જ નહીં વિદેશનાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હતા. પણ ભાજપનાં શાસનકાળમાં અહીંના છાત્રોએ બહાર ભણવા જવું પડે છે. પરંતુ શિક્ષણમંત્રી જ્યારે આવું નિવેદન આપે ત્યારે લાગે છે કે, તેઓ સફળતાથી શિક્ષણ મંત્રાલય નહીં ચલાવી શકતા હોય. અને સારી સંસ્થાઓ અને સારા અભ્યાસક્રમો આપી શકતા નહીં હોય. તેમજ બહારનાં વિદ્યાર્થીઓને અહીં આવવું ગમે તેવું વાતાવરણ ઉભું કરી શકતા નહીં હોવાનું આડકતરી રીતે સ્વીકાર્યું હોવાનું લાગી રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, શિક્ષણમંત્રીનું આ નિવેદન નિંદનીય છે. ગુજરાતની આ સંસ્કૃતિ પણ નથી. અને આપણી આ અસ્મિતા પણ નથી. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અસ્મિતા જાળવવાની મોટી વાતો કરે છે. ત્યારે હું જીતુભાઈ માટે મારે વિશેષ કાંઈ કહેવું જ નથી. પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબને કહેવું છે કે, આપ ગુજરાતની અસ્મિતાને બચાવવા માંગતા હો તો આપે શિક્ષણમંત્રીને કહેવું જોઈએ કે, ગુજરાતીઓને બહાર મોકલવાનો સમય નથી. વિદેશ ભણતા ગુજરાતીઓને અહીં બોલાવી તેમને તૈયાર કરીને ગુજરાતનાં વિકાસમાં તેનો ઉપયોગ થાય તેવું કરવાની જરૂર છે.

બીજીતરફ આમ આદમી પાર્ટીનાં ગુજરાતનાં પ્રદેશ સંગઠનમંત્રી અજીત લોખિલે જણાવ્યું હતું કે, હું જીતુ વાઘાણીનાં નિવેદન અંગે ગુજરાતની જનતાને અપીલ કરું છું કે, જેનો દીકરો પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો હોય તેવા શિક્ષણમંત્રી પાસેથી આવી જ અપેક્ષા હોય. પણ 2022માં એકવખત ‘આપ’ને મત આપીને જોજો. તમારી સોસાયટીમાં અને શેરીમાં  નહીં ઘર સુધી પણ વર્લ્ડકલાસ શિક્ષણ પહોંચાડવાની જવાબદારી અમારી છે. હું જાણું છું કે, ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે. અને સારા શિક્ષણ માટે આમ આદમી પાર્ટી એક જ વિકલ્પ હોવાનું પણ સારી રીતે જાણે છે. આ સાથે જીતુ વાઘાણીને ફરી એકવાર દિલ્હીનાં શિક્ષણમંત્રી સાથે મીડિયાનાં માધ્યમથી લાઈવ ડિબેટ કરવાનું આમંત્રણ પણ તેમણે આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વાઘાણીએ કહ્યું હતું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં અને વેપાર-ધંધો પણ ગુજરાતમાં કરો છો. છતાં જો અહીંનું શિક્ષણ સારું લાગતું ન હોય તો તેણે લિવિંગ સર્ટીફીકેટ લઈ જે દેશ-રાજ્ય સારું લાગતું હોય ત્યાં જતા રહેવુ જોઈએ કે નહીં ? વધુમાં તેમણે ભાન ભૂલ્યા હોય તેમ ત્યાં સુધી કહ્યું હતું કે, હવે અહીં બધું ભાંગીને ભુક્કો થઈ ગયું છે. એટલે ઘર અને કુટુંબ ફેરવી નાખો, અહીં બધું પતી ગયું છે. જોકે તેમના આ નિવેદનને લઈને ઠેર-ઠેર ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners