• રાજકોટની હુડકો પોલીસ ચોકીની બાજુમાં રહેતાં અને સોની બજારમાં મારૂતિ જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં 47 વર્ષીય રમેશભાઈ મોરારજીભાઈ લોધીયા નામના સોનીએ 12થી 13 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા
  • બનતાં સોની વેપારી રમેશભાઈએ કટકે-કટકે સંબંધના દાવે કૃષ્ણસિંહ અને શોભનાબાને 75 લાખ રૂપિયા આપ્યા
  • સોની વેપારી પાસે મૂકેલ સોનુ 37 લાખ રૂપિયા ચૂકવ્યા વિના પરત આપી દેવાનું દબાણ શરૂ કર્યું

WatchGujarat. રાજકોટ શહેરમાં વ્યાજખોરોનાં ત્રાસની અનેક ઘટના અગાઉ પણ સામે આવી ચૂકી છે. પણ હવે ઉલટી ગંગા સમાન ઘટના સામે આવી છે. જેમાં સોની કામ સાથે સંકળાયેલા વેપારીએ રૂા. 75 લાખ સંબંધના દાવે અને રૂા. 37 લાખ સોના ઉપર 2 ટકા લેખે 8 લોકોને વ્યાજે આપ્યા હતા. લેનાર પાર્ટીએ ષડયંત્ર રચી વ્યાજવટાવના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી રૂા. 37 લાખનું સોનુ પૈસા આપ્યા વિના પરત આપી દેવાના દબાણથી સોની વેપારીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું છે. અને મૃતક સોની વેપારી પાસેથી 11 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવતાં પોલીસે આ ગુનામાં ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ શહેરના હુડકો પોલીસ ચોકીની બાજુમાં રહેતાં અને સોની બજારમાં મારૂતિ જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં 47 વર્ષીય રમેશભાઈ મોરારજીભાઈ લોધીયા નામના સોનીએ 12થી 13 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. આ દરમિયાન તેમનો પરિચય શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા – કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા સાથે થયો હતો. બંનેએ રમેશભાઈની પત્ની વૈરાગીનું કન્યાદાન કર્યું હતું. જેથી સમય જતાં સંબંધ વધુ ગાઢ બનતાં સોની વેપારી રમેશભાઈએ કટકે-કટકે સંબંધના દાવે કૃષ્ણસિંહ અને શોભનાબાને 75 લાખ રૂપિયા આપ્યા હતા.

બાદમાં આ દંપતિને વધુ નાણાની જરૂર હોવાથી તેઓએ સોની વેપારી રમેશભાઈને જણાવ્યું હતું. પણ રમેશભાઈએ કહ્યું કે, હાલમાં મારા પાસે રૂપિયા નથી, ત્યારે દંપતિએ સોના ઉપર પૈસા લેવાનું જણાવ્યું હતું. જેની બજાર કિંમત 37 લાખ રૂપિયા જેટલી થતી હોવાથી સોની વેપારીએ દંપતિ પાસેથી લીધેલા સોના ઉપર 21 લાખ રૂપિયાની લોન કરાવી અને 16 લાખ રૂપિયા સગા-સંબંધીઓ પાસેથી સંબંધના દાવે લઈ દંપતિને 37 લાખ રૂપિયા 2 ટકા લેખે વ્યાજે આપ્યા હતા.

બાદમાં શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિલીપસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિવ્યાબા દિલીપસિંહ રાયજાદા, ધનરાજસિંહ કૃષ્ણસિંહ રાયજાદા, મુનાભાઈ સાંઢવાયા વારા, જગુભાઈ કાળમડી, ભુપતભાઈ ઉર્ફે ભોપભાઈ સહિત 8 વ્યક્તિઓ સાથે મળી સોની વેપારી પાસે મૂકેલ સોનુ 37 લાખ રૂપિયા ચૂકવ્યા વિના પરત આપી દેવાનું દબાણ શરૂ કર્યું હતું. એટલું જ નહીં  દંપતિએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં સોની વેપારી વ્યાજ વટાવનો ધંધો કરતા હોવાની અરજી પણ કરી હતી.

બાદમાં મુન્નાભાઈ સાંઢવાયાએ સોની વેપારીને ધમકાવી 11 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેમજ નાણાં આપ્યા વિના સોનુ પરત આપવાનું દબાણ સોની વેપારી પર કરતાં હતા. બનાવ અંગેની પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરી ફીટ કરી દેવામાં આવશે તેવું કહેતા હોવાનું સોની વેપારીએ લખેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે. વેપારીને મળી રહેલી સતત ધમકી અને દબાણને લીધે તેમણે પોતાના રહેણાંક મકાનમાં ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

દરમિયાન તેમણે લખેલી 11 પાનાની સ્યુસાઈડ નોટ પણ સામે આવતા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી. અને સ્યુસાઈડ નોટના આધારે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે વ્યાજખોરો લેણદારો પર દબાણ કરતા હોય છે. પરંતુ આ કિસ્સામાં વ્યાજે લેનારાઓનાં ત્રાસથી સોની વેપારીએ આપઘાત કરવાની ફરજ પડી હોય આ કિસ્સો શહેર સહિત રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ચુક્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud